નવી દિલ્હીઃ નવી દિલ્હીના અલગ અલગ પ્લેટફોર્મ પર તામિલનાડુથી આવેલ 28 જણ એક મહિના સુધી રોજ આઠ કલાક સુધી આવનારી-જનારી ટ્રેનો અને તેના ડબ્બાની ગણતરી કરતાં રહ્યા. તેમને જણાવવામાં આવ્યું હતું કે આ જ તેમનું કામ છે. પણ એ લોકો એ વાતથી અજાણ હતા કે તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે. દિલ્હી પોલીસની ઈકોનોમિક્સ ઓફેન્સ વિંગ (ઈઓડબ્લ્યુ)માં દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર એમને જણાવવામાં આવ્યું હતું કે આ ટિકિટ ચેકર (ટીટીઈ), ક્લર્ક તેમ જ રેલવેના અન્ય સંબંધિત વિભાગમાં કામ કરવા માટેની ટ્રેનિંગનો એક હિસ્સો છે. રેલવેમાં નોકરી પામવા માટે આ 28 જણે 2 લાખ રુપિયાથી લઈને 24 લાખ રુપિયા સુધીની રકમ 78 વર્ષીય એમ.સુબ્બુસામીને ચૂકવી હતી. સૂબ્બુસામીએ જ ઈઓડબ્લ્યુમાં આ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જુન-જુલાઈ વચ્ચે થયેલી એક મહિનાની ટ્રેનિંગ માટે તેમની પાસેથી 2.67 કરોડ રુપિયા વસૂલવામાં આવ્યા હતા. સુબ્બુસામી એક્સ રિટાયર્ડ આર્મીમેન છે અને તેઓ જ આ 28 લોકોને કથિત બનાવટી નોકરી અપાવવાનો દાવો કરનારા સમુહના સંપર્કમાં લાવ્યા હતા, પણ એમણે એવો દાવો કર્યો હતો કે તે ખુદ આ વાતથી અજાણ હતા અને 28 જણની સાથે તેઓ પણ આ લોકોના જાળમાં ફસાયા હતા.