ફેસબુક પર યુવતીના નામનું બોગસ એકાઉન્ટ બનાવી ૨૪ લાખની છેતરપિંડી: આરોપી ઝડપાયો: આરોપી ઝડપાયો

દેશ વિદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ફેસબુક પર યુવતીના નામનું બોગસ એકાઉન્ટ બનાવ્યા બાદ યુવક સામે લગ્નનો પ્રસ્તાવ મૂકી ૨૪.૬૭ લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવાના આરોપસર યુવકની ઝારખંડમાં ધરપકડ કરાઈ હતી.

સેન્ટ્રલ રિજન સાયબર પોલીસે ઝારખંડના જમશેદપુર ખાતેથી પકડી પાડેલા આરોપી પાસેથી એક મોબાઈલ ફોન અને બે ડેબિટ કાર્ડ જપ્ત કર્યાં હતાં. આરોપી વિરુદ્ધ વડાલા ટી. ટી. પોલીસ સ્ટેશનમાં પણ આવા જ પ્રકારનો ગુનો નોંધાયેલો હોવાનું તપાસમાં જણાયું હતું.
અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીએ ફેસબુક પર યુવતીના નામનું બોગસ એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ટના માધ્યમથી તેણે ફરિયાદી યુવક સાથે મિત્રતા કરી હતી. ચૅટિંગ દરમિયાન જ આ મિત્રતાનું રૂપાંતર પ્રેમમાં થયું હતું. બાદમાં લગ્નનો પ્રસ્તાવ મૂકી આરોપીએ યુવકનો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો.

ફેસબુક પર મેસેજ દ્વારા વારંવાર રૂપિયાની જરૂર હોવાનું જણાવી આરોપીએ ફરિયાદી પાસેથી ૨૪.૬૭ લાખ રૂપિયા પડાવ્યા હતા. આ રકમ ફરિયાદીએ સમયાંતરે આરોપીએ જણાવેલા બૅન્ક એકાઉન્ટમાં જમા કરાવી હતી. આટલા રૂપિયા લીધા પછી પણ આરોપી ફરિયાદી સાથે મુલાકાત કરવાનું ટાળવા લાગ્યો હતો. વળી, વધુ રૂપિયાની માગણી કરતાં ફરિયાદીને શંકા ગઈ હતી. આ પ્રકરણે ગુનો નોંધી પોલીસે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરીને આરોપીને પકડી પાડ્યો હતો.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.