પેરિસઃ ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિના સામે ફ્રાન્સ પેનલ્ટી શૂટઆઉટમાં હાર્યા પછી ફ્રાન્સમાં ઠેરઠેર તોફાનો ફાટી નીકળ્યા હતા. મોટા ભાગના શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યા પછી તોફાનીઓને અંકુશમાં રાખવા માટે પોલીસ પ્રશાસનને ટીયરગેસનો આશરો લેવાની નોબત આવી હતી.
આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે જોરદાર રોમાચંક મેચ રમવામાં આવી હતી. પહેલા હાફમાં આર્જેન્ટિના 0-2થી આગળ રહ્યા પછી બીજા હાફમાં આખી મેચમાં એમ્બેપ્પેએ અપસેટ સર્જીને ત્રણ ગોલ કર્યો હતો, પરંતુ પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હાર્યા પછી સૌથી વધુ નિરાશ એમ્બેપ્પે જોવા મળ્યો હતો. મેચ હાર્યા પછી ફ્રાન્સ સુકાની કિલિયન એમ્બેપ્પેને ફ્રાન્સ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને સાંત્વના આપી હતી અને એ દૃશ્ય જોઈને ફૂટબોલ ચાહકોમાં તેમની પ્રશંસા કરી હતી. જોકે હારથી ફ્રાન્સના લોકો સૌથી વધુ નિરાશ થયા હતા, પરિણામે આંતરિક વિગ્રહના માફક ઠેરઠેર આગજની અને તોડફોડના બનાવો નોંધાયા હતા. પરિસ્થિતને પહોંચી વળવા માટે લગભગ 20,000થી વધુ પોલીસને તહેનાત કરવામાં આવી હતી.
હાર બાદ ફ્રાન્સના ફૂટબોલ ચાહકોએ રસ્તા પર બૂમાબૂમ કરીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, ચાહકો હાર પચાવી નહીં શકતા ફ્રાન્સના અલગ અલગ શહેરોમાં કારોને સળગાવી લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અનેક જગ્યાએ તોડફોડ કરી હતી. અહીં એ જણાવવાનું કે સેમી ફાઈનલમાં મોરક્કો હાર્યા પછી પણ પેરિસ અને બેલ્જિયમમાં લોકોએ તોડફોડ કરી હતી.