ફોર્થ વોલ બ્રેકિંગ: યે દીવાર તૂટતી ક્યૂં હૈ?

મેટિની

ફિલ્મનું પાત્ર પોતાના વિશ્ર્વમાં દર્શકોને સીધું જ આમંત્રણ આપે ત્યારે…

શો-શરાબા-દિવ્યકાંત પંડ્યા

૧૭ ઓગસ્ટથી જેનું પ્રસારણ શરૂ થયું છે એ માર્વેલ સ્ટુડિયોઝના વેબ શો ‘શી-હલ્ક’ના કારણે સિનેરસિકોમાં આજકાલ એક ટર્મની ચર્ચા શરૂ થઈ છે. એ ટર્મ એટલે ફોર્થ વોલ બ્રેકિંગ. મતલબ? મતલબ કોઈ એક્ટરનું એક્ટિંગ કરતી વખતે સીધું જ કેમેરા કે દર્શક સામે જોઈને બોલવું, પણ સિનેમા કે સેલફોનની સ્ક્રીન તો ફક્ત એક જ વોલ થઈ, અહીં ફોર્થ એટલે કે ચોથી વોલ ક્યાંથી આવી? પહેલાંના સમયમાં નાટક જે સ્ટેજ પર ભજવાતું એ સ્ટેજ ત્રણ બાજુએથી પડદાથી પેક કરીને રાખવામાં આવતું (જોકે હજુ પણ બંને બાજુ અને એક્ટર્સની પાછળની બાજુ દર્શકોની દૃષ્ટિ માટે પેક જ હોય છે). સ્વાભાવિક રીતે સ્ટેજની સામેની એટલે કે દર્શકોવાળી બાજુ એકદમ ખુલ્લી અને એ થઈ આપણી ફોર્થ વોલ, જે સાચી કે પડદાની બનાવેલી નહીં, પણ કાલ્પનિક વોલ. ક્યારેક નાટકના એક્ટર્સ એકબીજાના બદલે દર્શકો સાથે સીધો સંવાદ કરે અને એ કાલ્પનિક ચોથી દીવાલને તોડે. નાટકોની આ જ વસ્તુ વપરાવા લાગી ફિલ્મ્સ અને ટીવી શોઝ માટે પણ, જેમાં સ્ક્રીનને કહેવાઈ ફોર્થ વોલ અને તેની સામેની બાજુએ રહેલા દર્શકો સાથેનું એક્ટર્સનું સીધું કનેક્શન એટલે ફોર્થ વોલ બ્રેકિંગ!
પણ આ ફોર્થ વોલ બ્રેક કરવા પાછળનો હેતુ શું? આ પાછળ ઘણાં કારણો છે. એક તો એ કે કોઈ પણ વાર્તા સાથે લોકો વધુ ને વધુ જોડાય. એટલે ઘણી વખત દિગ્દર્શક આ ફોર્થ વોલ બ્રેક કરીને દર્શક વર્ગને પોતાનાં પાત્રો અને વાર્તાની વધુ નજીક બોલાવવા પ્રયાસ કરે. વાર્તાઓમાં ઘણી પરત હોય છે. વાર્તાની અમુક વાતો મુખ્ય પાત્રને ન ખબર હોય, પણ બીજાં પાત્રો અને દર્શકોને ખબર હોય, અમુક વાતો મુખ્ય પાત્રને ખબર હોય, બીજાં પાત્રોને ખબર હોય, પણ દર્શકોને છેલ્લે ખબર પડે. ફોર્થ વોલની આ પ્રક્રિયાથી મોટા ભાગે મુખ્ય પાત્ર પોતાની અંગત સિક્રેટ વાત સૌથી પહેલાં દર્શકોને જણાવે. આમ કરવાથી દર્શકોને એ પાત્ર વધુ ગમવા લાગે અને બાકીની વાર્તા એ મુખ્ય પાત્રની સાથે જોડાઈને તેની દૃષ્ટિથી જ જોવાનું શરૂ કરે અને પછી લેખક અને દિગ્દર્શક કોઈ માહિતી પાત્રોની અંદરોઅંદરની વાતચીતના બદલે મુખ્ય પાત્ર (કે કોઈ પણ પાત્ર) દ્વારા સીધી જ તમારા સુધી પહોંચાડે.
‘શી-હલ્ક’ના પહેલા જ એપિસોડમાં ત્રણ વખત મુખ્ય પાત્ર જેનિફર વોલ્ટર્સ ફોર્થ વોલ બ્રેક કરીને કેમેરા સામે જોઈને દર્શકો સાથે સીધી વાત કરે છે. એમાંથી બે વખત તો તે આપણને ફ્લેશબેકમાં લઈ જાય છે અને પાછા લાવે છે. ફોર્થ વોલ બ્રેકિંગનો ઉપયોગ કરીને વાર્તાના પ્રવાહને આગળ ધપાવવાનો આ એક પાછો અલગ જ પ્રકાર થયો. ધારો કે ભારતીય સુપરહીરો ક્રિશ ફિલ્મમાં ફાઈટની વચ્ચે ઊભો રહી જઈને તમને એમ કહે કે ‘ચાલો હું તમને મારી પાસે આ શક્તિઓ કઈ રીતે આવી એ કહું’ તો? જોકે ધારવું શા માટે, એક સુપરહીરો છે જ જે આવાં પરાક્રમો માટે પોપ્યુલર છે. ફોર્થ વોલ બ્રેકિંગથી જેઓ ખાસ્સા પરિચિત છે તેમને સૌપ્રથમ કોઈ પાત્ર કે ફિલ્મ યાદ આવે તો એ ‘ડેડપુલ’. આ સુપરહીરો પોતાના પાવર્સ અને એક્શન જેટલો જ કોમેડી અને એ પણ ફોર્થ વોલ બ્રેકિંગ દ્વારા થતી કોમેડીથી જાણીતો છે. ફોર્થ વોલ બ્રેક કરવા પાછળ કોમેડી પણ એક મહત્ત્વનું કારણ. ‘ડેડપુલ’ ફક્ત ફિલ્મની શરૂઆત કે અંતમાં જ નહીં, પણ વારંવાર દર્શકો સાથે સીધી જ ગોઠડી માંડે છે. ક્યાંક જતાં કે કોઈની સાથે ફાઈટ કરતી વખતે કે પછી પોતે જે વાર્તાવિશ્ર્વની અંદર છે એ વિશે પોતે શું વિચારે છે એ બધું જ તે દર્શકોને કોમિક રીતથી કહેવા લાગે છે. આ કારણથી દર્શકો હસે પણ ખરા અને પોતાને વાર્તાનો ભાગ પણ ગણવા માંડે, કેમ કે ફિલ્મનો નાયક પોતે જ તેમની સાથે વચ્ચે વચ્ચે ગપ્પાં મારવા
લાગે છે.
એ સિવાય તમને ‘મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી’ ફિલ્મનું પરેશ રાવલનું પાત્ર પ્રતાપ યાદ છે? (હા, હિન્દી ફિલ્મ્સમાં પણ આવાં ઉદાહરણો છે.) ફિલ્મમાં રાજા (અક્ષય કુમાર) અને શાલુ (જુહી ચાવલા)ના પ્રેમ અને તેમાં અડચણ બનતા શાલુના પપ્પા (કદર ખાન)ની વાત છે. જેમ ક્રિકેટ મેચમાં કોમેન્ટ્રી ચાલતી હોય એ રીતે જ અહીં પ્રતાપ અમુક દૃશ્ય પૂરું થયા પછી કેમેરાને સંબોધીને તેને પોતાની પાસે બોલાવે છે. કેમેરા તેની નજીક જાય એટલે તે ‘ઓહ આવું થયું!’ અને ‘હવે શું થશે?’ જેવી થોડીક વાત કરીને ફિલ્મ આગળ વધારવામાં મદદ કરે છે. અહીં પણ આ ટ્રિક કોમેડી માટે જ વપરાઈ છે. જોકે ફક્ત કોમેડી જ નહીં, ફોર્થ વોલ બ્રેકિંગ દર્શકોને ગંભીર વાર્તામાં અનકમ્ફર્ટેબલ કરવા પણ વાપરવામાં આવે છે. વિચારો કે કોઈ હોરર કે સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ ચાલતી હોય અને તેનું ડરામણું પાત્ર સીધું જ તમારી સામે તાકીને જુએ તો? આલ્ફ્રેડ હિચકોકની ‘સાઈકો’ (૧૯૬૦) જેવી ક્લાસિક ફિલ્મ્સમાં તમને આ વસ્તુ દેખાશે.
અમુક એવાં પણ રસપ્રદ ઉદાહરણો છે કે જેમાં આ ફોર્થ વોલ બ્રેક કરવાનું કામ કરતું તો એક પાત્ર જ હોય અને એ પણ ત્યારે જ્યારે એ ફિલ્મના દૃશ્યમાં એકલું જ હોય, પણ ક્યારેક તે બીજા સાથે હોય અને વચ્ચે દર્શકો સાથે વાત કરવા માટે રિયાલિટીને બ્રેક કરવાની કોશિશ કરે ત્યારે સાથે રહેલા પાત્રને પણ તેની ભનક લાગી જાય. પોપ્યુલર કોમેડી-ડ્રામા સિરીઝ ‘ફ્લીબેગ’માં આવું થાય છે. સિરીઝમાં નાયિકા ફ્લીબેગ અમસ્તી દર્શકો સાથે સંધાન કરતી રહે છે, પણ એક વખત ડાઈનિંગ ટેબલ પર તે બીજા પાત્રની જોડે હોય છે ત્યારે ગરબડ થઈ જાય છે. તે બીજા પાત્ર સાથેની વાતચીતની વચ્ચે જ બીજી દિશામાં જોઈને દર્શકોને કંઈક કહેવાની કોશિશ કરે છે, પણ તેના આવા વર્તનની પેલી સામેવાળી વ્યક્તિને ખબર પડી જાય છે અને તે ‘શું થયું?’ એમ પૂછે ત્યારે ફ્લીબેગ કંઈ જ નહીં એમ કહી વાતને ઉડાવી દેવાનો પ્રયત્ન કરે છે. આવું જ ‘શી-હલ્ક’માં પણ બને છે. નાયિકા જેનિફર હલ્ક સાથે વાત કરતી હોય છે અને હલ્ક તેને કશુંક કહે ત્યારે તે હલ્કને જવાબ દેવાના બદલે દર્શકોને જવાબ દે છે, પણ થાય છે એવું કે તેની આ હરકતની જાણ હલ્કને થઈ જાય છે, કેમ કે તે પણ દર્શકોને અપાયેલો આ જવાબ સાંભળી જાય છે. બંને થોડી વાર કેમેરા સામે જોઈને શું થયું એ સમજવાનો પ્રયત્ન કરે છે અને પછી મૂળ દૃશ્યમાં પાછાં ફરે છે.
ફોર્થ વોલ બ્રેકિંગના આવા મજેદાર કિસ્સાઓ, પ્રકારો અને કારણો તો હજુ ઘણાં છે જેની ચર્ચા એક જ લેખમાં પૂરી થઈ શકે તેમ નથી. તો વધુ વાતો આવતા અઠવાડિયે! (ક્રમશ:)
———————
લાસ્ટ શોટ:‘ભાભીજી ઘર પર હૈ’ ધારાવાહિકમાં ઈન્ટરનલ ફોર્થ વોલ બ્રેકિંગ થાય છે. તેમાં ટીવી ન્યુઝ એન્કર ધારાવાહિકનાં જ દર્શક પાત્રો સાથે ફોર્થ વોલ બ્રેક કરે છે!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.