ફોર્થ વોલ બ્રેકિંગ: યે દીવાર તૂટતી ક્યૂં હૈ?

મેટિની

શો-શરાબા-દિવ્યકાંત પંડ્યા

દર્શકોને ‘હમ સાથ સાથ હૈ’ કહેતા વાર્તાવિશ્ર્વનાં પાત્રો

(ભાગ-૨)
નાટકો, ફિલ્મ્સ, ધારાવાહીકો કે મનોરંજનના કોઈપણ પ્રકારમાં એક્ટર્સ અને દર્શકો વચ્ચેના સીધા સંધાન માટે વપરાતી પદ્ધતિ એટલે કે ‘ફોર્થ વોલ બ્રેકિંગ’ની વાત આપણે ગયા અઠવાડિયે કરતા હતા. તો ચાલો, તેના પ્રકારો, કારણો અને અવનવા કિસ્સાઓની વાત કરીએ કન્ટિન્યુ!
કોમેડી, દર્શકો સાથેના વધુ જોડાણ અને તેમને ચોંકાવી દેવા જેવા કારણો ઉપરાંત તેમને ખૂબ બધી માહિતી આપવાની હોય ત્યારે પણ ફોર્થ વોલ બ્રેકિંગનો ઉપયોગ થાય છે. અમુક જરૂરી માહિતી પણ જો સંવાદના રૂપમાં આપવામાં આવે તો એ કાં બોરિંગ લાગે કાં ફેક લાગે. તો દિગ્દર્શકો મૂંઝાય કે શું કરવું. ત્યારે ફોર્થ વોલ બ્રેકિંગ તેમના માટે એક એવો આશીર્વાદરૂપ તરીકો બને છે કે જેના દ્વારા માહિતી અપાઈ જાય, એ રસપ્રદ પણ લાગે અને ફિલ્મમાં તેનાથી એક નાવીન્ય પણ ઉમેરાય. પ્રખ્યાત ડિરેક્ટર માર્ટિન સ્કોર્સેઝીની ફિલ્મ ‘ગુડફેલાઝ’ (૧૯૯૦)માં અગત્યની ઘટનાઓ બન્યા બાદ બચેલી માહિતી આપવા માટે નાયક હેન્રી (રે લિઓટા)ને જ સૂત્રધારનું કામ સોંપાયું હતું. જેનાથી દર્શકોને ફિલ્મના પ્રવાહમાં કંઈક અલગ જોવા મળ્યું અને પાત્ર સાથે તેમનું જોડાણ પણ વધ્યું.
‘ગુડફેલાઝ’ની જેમ ધ બિગ શોર્ટ’ (૨૦૧૫)માં પણ આવું જોવા મળે છે. ફિલ્મમાં નાણાકીય આંકડાઓ અને આર્થિક ઘટનાઓની ઘણી વાતો આવે છે. એ દર્શાવવા માટે ફિલ્મના ચાર મુખ્ય પાત્રમાંના એક પાત્ર જેરેડ વેનેટ (રાયન ગોઝલિંગ)નો ઉપયોગ આ જ રીતે ફોર્થ વોલ બ્રેકિંગ માટે થાય છે, પણ એ ઉપરાંત દર્શકોની સરપ્રાઈઝ વચ્ચે બીજા સ્ટાર્સ જેમ કે માર્ગો રોબી, સેલિના ગોમેઝ, એન્થની બોર્ડેઇન વગેરેનો કેમિયો પણ છે. તેઓ પણ દર્શકોને ખૂટતી માહિતી આપીને તેમની અસમંજસ દૂર કરે છે અને ફિલ્મની અલગ-અલગ કડીઓ જોડી આપે છે. મતલબ ફોર્થ વોલ બ્રેકિંગને રસપ્રદ બનાવી રાખવા આવાં અનેકવિધ પ્રયોગો થતાં રહે છે. ‘ડેડપુલ’ (૨૦૧૬)ની જેમ જ ‘ધ વુલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ’ (૨૦૧૩)નો પણ ફોર્થ વોલ બ્રેકિંગને પોપ્યુલર બનાવવામાં મોટો ફાળો રહ્યો છે.
આ ઉપરાંત એક્ટર્સના સીધા કેમેરામાં સામે આવ્યા વગરનો ફોર્થ વોલ બ્રેકિંગનો એક પ્રકાર પણ આપણે યાદ કરવો પડે અને એ એટલે વોઈસ ઓવર. ફિલ્મની શરૂઆતમાં નેરેટર એટલે કે સૂત્રધાર દર્શકો માટે વાર્તાની પૂર્વભૂમિકા બાંધે. અમુક કિસ્સાઓમાં છેક સુધી જોડે રહે પણ ખરા. હા, આવા વોઈસ ઓવર (ફક્ત અવાજની હાજરી)માં પણ પાત્રોનું અંદરોઅંદર કનેક્શન નથી હોતું, દર્શકો સાથે જ સંધાન થાય છે એટલે આ પણ ફોર્થ વોલ બ્રેકિંગની જ એક રીત થઈ. તમને ‘લગાન’ (૨૦૦૧) ફિલ્મની શરૂઆત યાદ હોય તો તેમાં ૧૮૯૩ના એ બ્રિટિશ સમયગાળાની સમજૂતી માટેના ભારતના નક્શાના ગ્રાફિક્સ પર અમિતાભ બચ્ચનનો અવાજ આવે છે. એ વોઈસ ઓવર કોના માટે? ફક્ત દર્શકો માટે.
‘લગાન’ની જેમ જ ‘બાજીરાવ મસ્તાની’ (૨૦૧૫)માં ઈરફાન ખાન, ‘બરેલી કી બરફી’ (૨૦૧૭)માં જાવેદ અખ્તર, ‘જોધા અકબર’ (૨૦૦૮)માં અમિતાભ બચ્ચન, ‘ટેક્સી નંબર ૯૨૧૧’ (૨૦૦૬)માં સંજય દત્ત, ગદર: ‘એક પ્રેમ કથા’ (૨૦૦૧)માં ઓમ પુરી, ‘દિલ ધડકને દો’ (૨૦૧૫)માં આમિર ખાન, વગેરેના યાદગાર અને જાણીતા વોઈસ ઓવરના કિસ્સાઓ છે. માર્વેલ સ્ટુડિયોઝની ‘બ્લેક પેન્થર’ (૨૦૧૮)માં પણ ફિલ્મની શરૂઆતમાં જ વકાન્ડાના લોકો અને તેમના દેવતા બ્લેક પેન્થર વચ્ચે શું સંબંધ છે તેનો ઈતિહાસ દર્શકોની સમક્ષ રાખવા વોઈસ ઓવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માર્વેલ સ્ટુડિયોઝની જ ‘આયર્ન મેન ૩’ (૨૦૧૩)માં પાછી આ જ ટેક્નિકમાં એક ટીવસ્ટ જોવા મળે છે. ફિલ્મની શરૂઆત આયર્ન મેન એટલે કે ટોની સ્ટાર્ક (રોબર્ટ ડાઉની જુનિયર)ના પોતાના જ અવાજથી થાય છે. દર્શકોને લાગે છે કે તે તેમની સાથે વાત કરી રહ્યો છે, પણ અંતે ખબર પડે છે કે તે તેમની સાથે નહીં પણ તેના દોસ્ત હલ્ક એટલે કે બ્રુસ બેનર (માર્ક રફલો) સાથે વાત કરી રહ્યો હતો.
અમુક વખતે પાત્રોની અલગ જ માન્યતા ઊભી કરવામાં પણ ફોર્થ વોલ બ્રેકિંગ સફળ થાય છે. જેમ કે ‘ફેરિસ બુલર્સ ડે ઓફ’ (૧૯૮૬) ફિલ્મમાં નાયક ફેરિસ તેની બધી સિક્રેટ ગતિવિધિઓની સતત જાણ કરતો રહે છે. તે સ્કૂલે ન જાય તો તેની પાછળનો પ્લાન પણ તે દર્શકોને બિનધાસ્ત કહી દે. ‘પોપ્યુલર શો હાઉસ ઓફ કાર્ડ્ઝ’માં પણ ફ્રેન્ક અંડરવુડ (કેવિન સ્પેસી) ફોર્થ વોલ બ્રેક કરે છે. એ પાત્ર ગ્રે છે પણ તે ઓડિયન્સને સતત બધું જણાવીને પોતાના વિશ્ર્વની વધુ નજીક રાખે છે. આમ, કોઈ પાત્ર કંઈક ખોટું કરે તો પણ દર્શકો તેની સાથે જોડાય અને જોતી વખતે વિચારે કે તેને કંઈ ન થવું જોઈએ. ઉદાહરણ તરીકે ‘૨૦૧૨’ (૨૦૦૯) જેવી કોઈ આપદાવાળી ફિલ્મમાં આપણને જે વ્યક્તિ કે ફેમિલી શરૂઆતથી બતાવવામાં તેમના જીવને કંઈ ન થવું જોઈએ એવું આપણે ઇચ્છતા હોય છે. બસ અહીં પણ આ જ મનોવિજ્ઞાનનો પ્રયોગ થતો હોય છે.
ફક્ત ફિલ્મ કે શો નહીં, પણ ફિલ્મ્સના ટ્રેલરમાં પણ ફોર્થ વોલ બ્રેકિંગનો ખાસ ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવા દાખલા છે. અનુભવ સિંહા દિગ્દર્શિત ‘થપ્પડ’ના ટ્રેલરમાં લિવિંગ રૂમમાં અમૃતા (તાપસી પન્નુ) કશુંક કામ કરતાં કેમેરા સામે જોઈને દર્શકો સાથે વાત કરતી દેખાય છે. પાછળ તેનો પતિ સિગરેટ કે શરાબ હાથમાં લે એટલે દર્શકોને પૂછીને અમૃતા ફિલ્મમાં એ માટે આવતા ડિસ્ક્લેમરનો ઉલ્લેખ કરીને પતિને અટકાવે છે. પતિ ગુસ્સે થઈને તેને થપ્પડ મારવા જાય એટલે તે દર્શકોને પૂછે છે કે ઘરેલુ હિંસા માટે કોઈ ડિસ્ક્લેમર નથી? બહુ જ સ્માર્ટલી ફોર્થ વોલ બ્રેક કરીને અહીં લોકોને વિચારવા પ્રેરિત કરાયા છે. ‘સંજુ’ (૨૦૧૮)ના ટ્રેલરમાં પણ આવું જોવા મળે છે.
છતાં હજુ હોલીવૂડ જેટલી આ પદ્ધતિ ભારતીય ફિલ્મ્સમાં નથી વપરાતી. અને જે ભારતીય ફિલ્મ્સમાં વપરાય છે એમાં પણ મોટાભાગે પાત્ર સીધું દર્શકોને કંઈક કહેવાની શરૂઆત કરે એના બદલે તે દર્શકોએ કશુંક કહ્યું એવું માનીને તેનો જવાબ આપે એ રીત વધુ દેખાય છે. છતાં ફોર્થ વોલ બ્રેકિંગનો અલગ-અલગ રીતે ઉપયોગ કરતી ભારતીય ફિલ્મ્સનું લિસ્ટ ઘણું લાબું છે, જેમ કે- ‘કલ હો ના હો’ (૨૦૦૩), ‘લક બાય ચાન્સ’ (૨૦૦૯), ‘ઓમ શાંતિ ઓમ’ (૨૦૦૭), ‘શુદ્ધ દેશી રોમાન્સ’ (૨૦૧૩), ‘જોની ગદ્દાર’ (૨૦૦૭), ‘કરીબ કરીબ સિંગલ’ (૨૦૧૭), ‘લસ્ટ સ્ટોરીઝ’ (૨૦૧૮), ‘શૈતાન’ (૨૦૧૧), ‘બાઝાર’ (૨૦૧૮), ‘હિંમતવાલા’ (૨૦૧૩), ‘મૈં તેરા હીરો’ (૨૦૧૪), ‘પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ’ (૨૦૦૬), ‘હેપ્પી એન્ડિંગ’ (૨૦૧૪), ‘સાંવરિયા’ (૨૦૦૭), ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ (૨૦૧૯), ‘બરફી’ (૨૦૧૨), ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ (૨૦૧૨), વગેરે. આ સિવાય ઘણી જૂની ફિલ્મ્સમાં પણ ફોર્થ વોલ બ્રેકિંગ જોવા મળે છે, જેમ કે ‘હીરો હીરાલાલ’ (૧૯૮૮), ‘કભી હા કભી ના’ (૧૯૯૪), ‘દિલ તો પાગલ હૈ’ (૧૯૯૭),‘કુરબાની’ (૧૯૮૦), ‘ઘર હો તો ઐસા’ (૧૯૯૦), વગેરે.
——————–
લાસ્ટ શોટ:‘શી-હલ્ક’ના કોમિક બુક્સ ઈશ્યુઝમાં ફોર્થ વોલ બ્રેકિંગ માટે બુકનું પાનું ફાડીને શી-હલ્ક વાચકો સાથે સીધી વાત કરતી હોય એવા ગ્રાફિક્સ છે!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.