ફેમિલી ફિલ્મો બનાવતા લેખક-નિર્દેશકો માટે સારો પ્લોટ બની શકે તેવી ઘટના ગુજરાતમાં બની છે. અહીં એક પ્રોફેસર પતિ અને ડોક્ટર પત્નીએ કોર્ટમાં છૂટાછેડા માટે અપીલ કરી અને છૂટાછેડા મેળવવા માટે તેમને ચાર વર્ષ લાગ્યા, પણ તે બાદ તેમને થયું કે સાથે રહેવું છે ત્યારે રેકોર્ડમાંથી ડિક્રી બાદ કરાવતા તેમને આઠ વર્ષ લાગ્યા.
એક અખબારી અહેવાલ અનુસાર ગાંધીનગરમાં રહેતા આ દંપતીના લગ્ન 2006માં થયા હતા અને તેમણે 2009માં એક સંતાનને જન્મ આપ્યો હતો. બન્નેના સંબંધોમાં તિરાડ પડતા પતિએ ગાંધીનગર કોર્ટમાં 2011માં છૂટાછેડા માટે અરજી કરી હતી. દરમિયાન પત્નીએ પતિ વિરુદ્ધ કોર્ટમાં ઘણી અલગ અલગ અરજીઓ દાખલ કરી અને ગાંધીનગરની ફેમિલી કોર્ટે ચાર વર્ષ બાદ 2015માં તેમને છૂટાછેડા આપ્યા. જોકે પત્નીએ થોડા સમયમાં જ ગુજરાત હાઈકોર્ટમાં છૂટાછેડાને રદબાતલ કરવા અને તેમના વૈવાહિક દરજ્જાને પુનઃસ્થાપિત કરવા અરજી કરી હતી. કોર્ટમાં આને પડકારવાને બદલે પતિએ પત્નીનો સાથ આપ્યો. કોર્ટે તે જ દિવસે છૂટાછેડાની ડિક્રીને સ્થગિત કરી. આ અરજી લાંબા સમય સુધી વિલંબિત રહી અને તાજેતરમાં કોર્ટે તેમને સુનાવણી માટે બોલાવ્યા હતા. જ્યાં દંપત્તીએ કહ્યું કે તેમના 13 વર્ષના સંતાને તેમને ભેગા કર્યા. છૂટાછેડા બાદ તેઓ મળતા હતા અને ધીમે ધીમે તેમણે તેમના વચ્ચેના મતભેદો દૂર કરી સાથે રહેવાનું શરૂ કર્યું છે. જોકે તેમની પાસે ફરી પરણવાનો વિકલ્પ હતો, પરંતુ દંપતીને રેકોર્ડ પર છૂટાછેડા જોઈતું ન હતું. કોર્ટે તેમની ડિવોર્સ ડિક્રી રદ કરી અને બન્નેએ કોર્ટમાં એકબીજા વિરુદ્ધ કરેલી અરજીને દસ દિવસમાં પાછી ખેંચવા આદેશ આપ્યો હતો.