મુંબઇના સંયજ ગાંધી નેશનલ પાર્કમાં વાઘણ શ્રીવલ્લીએ શનિવારે ચાર બચ્ચાંને જન્મ આપ્યો હતો. લગભગ 13 વર્ષ બાદ સંજય ગાંધી નેશનલ પાર્કમાં કોઇ વાઘણે બચ્ચાંને જન્મ આપ્યો છે. આ ચાર બચ્ચાંઓ મળીને હવે સંજય ગાંધી નેશનલ પાર્કમાં વાઘની સંખ્યા 10 થઇ ગઇ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સંજય ગાંધી નેશનલ પાર્કમાં શનિવારે બપોરે 12 વાગ્યાથી 3:૩૦ વાગ્યા દરમિયાન ચાર વર્ષની વાઘણ શ્રીવલ્લીએ ચાર બચ્ચાંઓને જન્મ આપ્યો હતો. સૂત્રોના જણાવ્યા મૂજબ પાછલાં વર્ષે શ્રીવલ્લીને મહારાષ્ટ્રના ચન્દ્રપુર જિલ્લામાં આવેલ તાડોબા અભિયારણમાંથી રેસ્ક્યુ કરીને સંજય ગાધી નેશનલ પાર્કમાં લાવવામાં આવી હતી. ચન્દ્રપુરથી જ 2020માં બાજીરાવ નામના વાઘને રેસ્ક્યુ કરીને સંજય ગાંધી નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યો હતો. અહીં શ્રીવલ્લી અને બાજીરાવ વચ્ચેના સંવનન બાદ શ્રીવલ્લીએ શનિવારે ચાર બચ્ચાંને જન્મ આપ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ‘આ બચ્ચાનો જન્મ કુદરતી રીતે થયો હતો. જેમાં કોઇ પણ માણસની દખલગીરી નહતી. તેથી આ બચ્ચાઓનું લિંગ જાણી શકાયું નહતું.’ હાલમાં શ્રીવલ્લી અને તેના બચ્ચા નેશનલ પાર્કમાં એક સલામત સ્થલે છે. જ્યાં તેમના સ્વાસ્થ્યની દેખરેખ સીસીટીવી કેમેરાના માધ્યમે કરવામાં આવી રહી છે. અધિકારીના કહેવા મુજબ આ વાઘણે પહેલી વખત બચ્ચાને જન્મ આપ્યો હોવાથી અમે વચ્ચે હસ્તક્ષેપ કરી તેને ડરાવવા નથી માંગતા.
હાલમાં આ બચ્ચા સારી રીતે જીવી જાય એ જ અમારી પ્રાયોરિટી છે એમ પણ અધિકારીએ જણાવ્યું હતું. શ્રીવલ્લી અને તેના બચ્ચાની હાલત હાલમાં સારી છે તથા શ્રીવલ્લી તેના બાળકોને દૂધ પણ પીવડાવી રહી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે શ્રીવલ્લીએ તાડોબા ટાયગર રીઝર્વના મોહરલી રેંજમાં 2020માં એક માણસ પર હુમલો કરતાં તેનું મૃત્યુ થયું હતું ત્યાર બાદ તેને ત્યાંથી રેસ્કયુ કરીને સંયજ ગાંધી નેશનલ પાર્કમાં લાવવામાં આવી હતી.
બાજીરાવ જેણે ચન્દ્રપુરમાં જ 21 મહિનામાં આઠ માણસોનો જીવ લિધો હતો તેને 2020માં ફોરેસ્ટ ઓફિસર દ્વારા પકડવામાં આવ્યો હતો.