કુર્લામાં ચાર માળની ઈમારત ધરાશાયી: ૧૯નાં મોત

દેશ વિદેશ

કરુણાંતિકા: કુર્લામાં મધરાતે ચાર માળની એક ઈમારત પત્તાંના મહેલની માફક તૂટી પડ્યા બાદ પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજી તસવીરમાં બિલ્ડિંગનો ધરાશાયી થયેલો એક હિસ્સો નજરે પડે છે. (અમય ખરાડે)

મુંબઈ: કુર્લામાં મધરાતે ચાર માળની એક ઈમારત તૂટી પડતાં ઓછામાં ઓછાં ૧૯ જણનાં મોત થયાં હોવા ઉપરાંત ૧૪ જણ ઘાયલ થયા હોવાનું પાલિકાના અધિકારીઓએ મંગળવારે કહ્યું હતું.
ઘાયલોમાંથી પાંચને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને નવને સારવાર આપી ઘરે જવા દેવામાં આવ્યા હતા. કુર્લામાં આવેલી નાઈક નગર સોસાયટી નામની ઈમારતની એ-વિન્ગ તૂટી પડી હતી. ઈમારતની બીજી વિન્ગ પણ જોખમી હોવાને કારણે તે તાત્કાલિક ખાલી કરાવાઈ હતી, એમ બીએમસીના અધિકારીઓએ કહ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ઈમારત જોખમી હોવા અંગે રહેવાસીઓને અવારનવાર ચેતવણી આપવામાં આવી હતી, આમ છતાં તેમણે ત્યાં જ રહેવાનું પસંદ કર્યું હતું.
કાટમાળ હેઠળથી ૩૨ જણને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી ૧૮ને મૃત જાહેર કરવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
કિશોર પ્રજાપતિ (૨૦), સિકંદર રાજભર (૨૧), અરવિંદ રાજેન્દ્ર ભારતી (૧૯), અનુપ રાજભર (૧૮), અનિલ યાદવ (૨૧) અને શ્યામુ પ્રજાપતિ (૧૮), બિરજુ માઝી (૨૧), રાહુલ માઝી (૨૩), પપ્પુ માઝી (૩૫) અને મહેશ માઝી (૪૦)ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તે પહેલાં જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા, એમ બીએમસી સંચાલિત રાજાવાડી હોસ્પિટલના ડૉક્ટરોએ કહ્યું હતું.
અગાઉ, હૉસ્પિટલમાં લાવવામાં આવેલી અન્ય ચાર વ્યક્તિને પણ દાખલ કરતા અગાઉ જ મૃત જાહેર કરવામાં આવી હતી, જેમાં સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી એક વ્યક્તિનો પણ સમાવેશ થાય છે.
એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફૉર્સ)ની ટુકડીએ કાટમાળ હેઠળ ફસાયેલી એક મહિલાને જીવતી બહાર કાઢી હતી. બીએમસીની ફાયર બ્રિગેડની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારે સ્થાનિક લોકોએ ૨૦થી બાવીસ જણ કાટમાળ હેઠળ ફસાયેલા હોવાની માહિતી તેમને આપી હતી.
બે રેસ્ક્યૂ વૅન સહિત અગ્નિશમન દળના ડઝનેક જેટલા વાહનો જરૂરી ઉપકરણો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે એનડીઆરએફની ટીમે ઘટનાના ૧૮ કલાક બાદ કાટમાળ હેઠળથી બે કબૂતરને જીવતા બહાર કાઢ્યા હતા.
ઘટનાને મામલે તપાસ અને બચાવ કામગીરી ચાલી રહી હોવાનું તેમણે કહ્યું હતું. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.