જળબંબાકાર: ભારે વરસાદને લીધે વસઈમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ હતી. (જયપ્રકાશ કેળકર)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થયું છે ત્યારે ચાલુ વર્ષે ઑગસ્ટમાં મહિનામાં પહેલી વખત ત્રણ આંકડાનો વરસાદ નોંધાયો છે. વહેલી સવારના માત્ર છ કલાકમાં જ ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
હવામાન ખાતાના કહેવા મુજબ સોમવાર સવારના ૮ વાગ્યાથી મંગળવાર સવારના ૮ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં મુંબઈમાં સરેરાશ ૧૨૪ મિ.મી. (પાંચ ઈંચ) જેટલો વરસાદ નોંધાયો હતો, તેમાંથી ૧૦૦ મિ.મી. વરસાદ તો ફક્ત વહેલી સવારના ૨.૩૦ વાગ્યાથી ૮.૩૦ વાગ્યા સુધી છ કલાકમાં વરસી ગયો હતો.
મુંબઈ માટે સોમવારે હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કર્યું હતું. છતાં દિવસભર મામૂલી વરસાદ રહ્યો હતો. સોમવાર સવારના ૮.૩૦ વાગ્યાથી સાંજના ૮.૩૦ વાગ્યા સુધી સાંતાક્રુઝમાં ૨૨.૬ મિ.મી. વરસાદ નોંધાયો હતો. જોકે મંગળવાર સવારના ૮.૩૦ વાગ્યા સુધીમાં ૧૨૪ મિ.મી. પડી ચૂક્યો હતો. હવામાન ખાતાના કહેવા મુજબ મુંબઈમાં મોટા ભાગનો વરસાદ સોમવાર રાતના ૨.૩૦ વાગ્યા બાદથી પડવાનું ચાલુ થયો હતો. સોમવાર રાતના ૨.૩૦વાગ્યા બાદ વરસાદનું જોર વધુ રહ્યું હતું અને સવાર સુધીના છ કલાકમાં ૧૦૦ મિ.મી. જેટલો વરસાદ પડી ચૂક્યો હતો. આ દરમિયાન મંગળવારે સવારના ૮.૩૦ વાગ્યાથી સાંજના ૫.૩૦ વાગ્યા સુધી સાંતાક્રુઝમાં સાત મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો અને કોલાબામાં એક મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે દિવસ દરમિયાન ભારે પવન ફૂંકાયા હતા. તો તળ મુંબઈમાં ૫.૬૩ મિ.મી., પૂર્વ ઉપનગરમાં ૭.૫૦ મિ.મી. અને પશ્ર્ચિમ ઉપનગરમાં ૧૦.૫૭ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
હવામાન ખાતાએ મુંબઈ માટે સોમવારે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. તો મુંબઈ અને થાણે માટે મંગળવાર માટે યલો એલર્ટ જાહેર કર્યું હતું. યલો એલર્ટ એટલે અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા. મુંબઈમાં હવે ૧૧થી ૧૩ ઑગસ્ટ સુધી ગ્રીન એલર્ટ એટલે કે હળવા વરસાદની આગાહી છે.
———–
મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
મુંબઈમાં દિવસ દરમિયાન હળવો વરસાદ રહ્યો હતો. જોકે રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નદીઓમાં પૂર આવ્યા છે. હવામાન ખાતાએ ૧૧ ઑગસ્ટ સુધી દક્ષિણ કોંકણ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ પરિસરમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન રાજ્યમાં સૌથી વધુ વરસાદ રત્નાગિરિના લાંજા તાલુકામાં ૩૩૦ મિ.મી. જેટલો નોંધાયો છે.

Google search engine