હવે શુક્રવારે માત્ર હિન્દી ફિલ્મો જ રીલિઝ થાય અને તેના વચ્ચે જ સ્પર્ધા હોય તેવું જરૂરી નથી. દક્ષિણની ફિલ્મો પણ બોલીવૂડને જબરજસ્ત ટક્કર આપી રહી છે. પેન ઈન્ડિયા ફિલ્મના કોન્સેપ્ટને લીધે બોલીવૂડે તમામ ભાષાની ફિલ્મો સામે ટકકર ઝીલવાની હોય છે. જોકે આના લીધે દર્શકોને પસંદગી મળી રહે છે. આ સાથે થિયટરો પણ ઘણા શોમાં ફિલ્મો બતાવી શકે છે. માર્ચના છેલ્લા શુક્રવારે આવું જ થવાનું છે. બે ફિલ્મો ગુરુવાર અને બે શુક્રવારે રીલીઝ થશે. દક્ષિણ અને બોલીવૂડની મહત્વાકાંક્ષી ફિલ્મો એકસાથે રિલીઝ થઈ રહી છે. વીકએન્ડમાં કોણ સારો બિઝનેસ કરશે તે જોવાનું મજાનું રહેશે. તો જાણી લો તમારા માટે શું શું પીરસાવાનું છે.
ભોલાઃ અજય દેવગન-તબ્બુ
અજય દેવગણની ફિલ્મ ‘ભોલા’ 30 માર્ચે એટલે કે ગુરુવારે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના ટ્રેલરમાં અજય દેવગન અને તબ્બુની જોડી ફરી રંગ જમાવી રહી છે. ચાહકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. અજય દેવગણ આ ફિલ્મમાં લીડ રોલમાં જ નથી પરંતુ તેણે પોતે ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું છે. આ ફિલ્મ તમિલ ફિલ્મ ‘કૈથી’ની રિમેક છે.દૃશ્યમ-2 પછી દેવગન તબ્બુ ફરી સાથે આવી રહ્યા છે.
દસરાઃ નાની અને કીર્તિ કુમાર
સાઉથના કલાકાર નાની અને કીર્તિ કુમાર ફિલ્મ ‘દસરા’ થી ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ ફિલ્મ 30 માર્ચે રિલીઝ થશે. તમિલ, તેલુગુ ઉપરાંત આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થશે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ સારું થયું હોવાનું જાણવા મળ્યું છે.
આઝમ – જીમી શેરગીલ
ક્રાઈમ થ્રિલર ફિલ્મ આઝમ પણ આ અઠવાડિયે 31 માર્ચે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં જીમી શેરગિલ ઉપરાંત અભિમન્યુ સિંહ, ઈન્દ્રનીલ સેનગુપ્તા અને રઝા મુરાદ જોવા મળશે. ફિલ્મના સ્ટારકાસ્ટને જોતા ભલે લો બજેટ ફિલ્મ લાગતી હોય, પણ ઘણીવાર ફિલ્મોની વાર્તા ને માવજત દર્શકોને ખેંચી લાવતી હોય છે.
વિદુથલઈઃ વિજય સેતુપતિ અને સુરી
સાઉથમાં પોતાની એક્ટિંગથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર એક્ટર વિજય સેતુપતિ ફિલ્મ ‘વિદુથલાઈ પાર્ટ 1’ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ 31 માર્ચે રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે, વિજય સેતુપતિ તાજેતરમાં જ શાહિદ કપૂર સાથે વેબ સિરીઝ ‘ફરઝી’માં જોવા મળ્યો હતો. આ વેબ સિરીઝ ચાહકોને ઘણી પસંદ આવી હતી.