મધ્ય રેલવેમાં ટિકિટ ચેકિંગ સ્ટાફની કમાલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય રેલવેના ટિકિટ ચેકિંગ સ્ટાફની અને સતર્કતા અને કર્તવ્યનિષ્ઠાને કારણે આ મહિનામાં પરિવારથી વિખૂટા પડેલા ચારેક જેટલા સગીરવયના બાળકોનું પરિવારના સભ્યો સાથે સુખદ પુનર્મિલન કરાવવામાં સફળતા મળી હતી.
ત્રણ કિસ્સા પૈકી એક કલ્યાણ, ઘાટકોપર અને દાદર સ્ટેશને બનાવ બન્યા હતા. અઢારમી ઑગસ્ટના કલ્યાણ સ્ટેશન ખાતે સુનીલ કુમાર યાદવ નામના ટિકિટચેકરને બે બાળક મળ્યા હતા. તેમની વિગતવાર તપાસ કરતા બંને બાળક ઘરેથી ભાગીને આવ્યા હોવાની જાણ થઈ હતી. રેલવે પોલીસ અને અન્ય સામાજિક સંસ્થાની મદદથી બંને બાળકને ચાઈલ્ડ કેર સેન્ટર કલ્યાણને સોંપવામાં આવ્યાં હતાં, ત્યાર બાદ પરિવારને સોંપવામાં આવ્યાં હતાં. ૧૧મી ઑગસ્ટના મુખ્ય ટિકિટ ચેકર જિતેન્દ્ર મીણાને ઘાટકોપર સ્ટેશન ખાતે બાળકનો કબજો લીધો હતો, જ્યાં તેમની તપાસ કરતા તે પરિવારથી વિખૂટું પડ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ મીણાએ તેની વિગતવાર પૂછપરછ કર્યા પછી તેના ભાઈને ઘાટકોપર સ્ટેશને બોલાવીને પાછું સોંપવામાં આવ્યું હતું. ચોથી ઑગસ્ટના દાદર સ્ટેશન ખાતે ઊભેલી હાવડા-સીએસએમટી ટ્રેનમાંથી બે કિશોર વયની છોકરી ટિકિટચેકર દીપક પાટીલને મળી હતી. તેમની પૂછપરછ કરતા સંતોષજનક જવાબ મળ્યો નહોતો. મહિલા આરપીએફ સહિત અન્ય કર્મચારીની મદદથી વિગતવાર પૂછપરછ કરતા તેઓ ઘરેથી ભાગીને મુંબઈ આવ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ પાટીલે બંને છોકરીને ચાઈલ્ડ કેર સેન્ટરમાં સોંપ્યાં હતાં, જ્યાંથી તેમના પરિવારને તેમનો કબજો સોંપવામાં આવ્યો હતો, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. પરિવારથી વિખૂટા પડેલા અથવા ઘરેથી ભાગીને મુંબઈ આવનારાં બાળકોનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં મોટા ભાગના કિસ્સામાં પરિવારના સભ્યોમાં માતાપિતા કે અન્ય લોકોથી ઝઘડવાના કિસ્સા વધારે છે, જેના માટે રેલવે પ્રશાસન દ્વારા વિશેષ હેલ્પલાઈન અને ઝુંબેશ પણ હાથ ધરી છે, જ્યારે રેલવે પોલીસ દ્વારા પણ મદદ કરાય છે. ઑગસ્ટ મહિનામાં પરિવારથી વિખૂટા પડેલા અથવા ઘરેથી ભાગેલાં બાળકને તેમના પરિવારને મળાવવાના આઠ કેસ નોંધાયા હતા તથા એપ્રિલથી ઑગસ્ટમાં ૧૬ કેસ નોંધાયા હતા, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના દરમિયાન ૭૪૫ જેટલાં બાળકને બચાવીને તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા.

Google search engine