બિહારમાં ઓવૈસીને ઝટકો: AIMIMના 4 વિધાનસભ્યો પાર્ટી છોડી RJDમાં જોડાયા, RJD બિહારની સૌથી મોટી પાર્ટી બની

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Maharashtra બાદ હવે બિહારમાં મોટી રાજકીય ઉથલપાથલના સંકેત મળી રહ્યા છે. અસાદુદીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ ઉલ મુસ્લિમીન (AIMIM)ના પાંચ વિધાનસભ્યોમાંથી ચાર પાર્ટી છોડીને લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ(RJD)માં સામેલ થઈ ગયા છે. આ સાથે જ બિહારમાં RJD સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.
બિહારની રાજધાની પટનામાં RJD નેતા તેજસ્વી યાદવે કહ્યું, ‘બિહાર AIMIMના પાંચમાંથી ચાર ધારાસભ્યો આજે અમારી પાર્ટીમાં જોડાયા છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ. હવે અમે બિહાર વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી છીએ.’
વર્ષ 2020 ના નવેમ્બર મહિનામાં યોજાયેલી બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ખાતામાં 74 બેઠકો આવી હતી ત્યારે ભાજપના નેતૃત્વ વાળા NDA ગઠબંધનના ખાતામાં કુલ 125 સીટો આવી હતી. તે જ સમયે RJDના નેતૃત્વ વાળા મહાગઠબંધનને 110 બેઠકો મળી હતી. આ સિવાય AIMIM ને પાંચ, BSP ને એક અને LJP ને એક સીટ મળી છે. આ સાથે જ એક બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ હતી.
જોકે, બાદમાં NDA ગઠબંધનના સાથી વિકાસશીલ ઇન્સાન પાર્ટી(VIP)એ ગઠબંધનથી પોતાને અલગ કરી હતી. પરંતુ આ પાર્ટીના 4 ધારાસભ્યોમાંથી 3 ભાજપમાં જોડાયા હતા અને એક ધારાસભ્યના મૃત્યુ બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં બોચાહન બેઠક પર RJDએ જીત મેળવી હતી. આ ફેરફાર બાદ ભાજપના વિધાનસભ્યોની સંખ્યા 74 થી વધીને 77 થઈ ગઈ છે.
અત્યારે AIMIMના ધારાસભ્યો આરજેડીમાં જોડાવાને કારણે RJDના વિધાનસભ્યોની સંખ્યા વધીને 80 થઈ ગઈ છે. JDU પાસે 45 અને કોંગ્રેસ પાસે 19 વિધાનસભ્યો છે.
મળતી માહિતી મુજબ, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના જે ચાર ધારાસભ્યો RJDમાં સામેલ થયા છે તેમાં બયાસી સીટથી સૈયદ રુકનુદ્દીન અહેમદ, જોકીહાટ વિધાનસભા સીટથી શાહનવાઝ આલમ, કોચાધમન સીટથી મોહમ્મદ ઈઝહર અસ્ફી અને બહાદુરગંજ વિધાનસભા સીટથી મોહમ્મદ અંજાર નઈમીનો સમાવેશ થાય છે. આ ફેરબદલ બાદ ઓવૈસીને બિહારમાં મોટો ઝટકો લાગ્યો છે. જોકે આમૌર સીટ પરથી ચૂંટણી જીતનાર અખ્તરુલ ઈમાન હજુ પણ ઓવૈસી સાથે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.