પ્રાણીસૃષ્ટિમાં જોવા મળતો ‘હર્માફ્રોડીટીઝમ’ નામનો ચમત્કાર

વીક એન્ડ

દરેક જીવો પોતાની આસપાસના વાતાવરણમાં આવી રહેલા બદલાવો સાથે અનુકૂલન સાધવાના અવનવા પેંતરા અજમાવીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની કળા શીખતા ગયાં.

નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી

માનવ જાતની સમસ્યા એ છે કે પ્રકૃતિની કરોડો અબજો જાતિ-પ્રજાતિઓમાંની માત્ર હોવા છતાં પોતાને સમગ્ર બ્રહ્માંડની અધિપતિ સમજવા લાગી છે. કુદરતના તમામ ઘટકો અને તત્ત્વો પરસ્પર અવલંબી હોવા છતાં માનવ બીજા તત્ત્વોની કદર કરવા, તેનું સન્માન કરવાને બદલે સંપૂર્ણપણે સ્વકેન્દ્રી બની ગયો છે. સર્વસત્તાધિશ હોવાના મદમાં આસપાસ ક્ષણેક્ષણ ઘટતી ચમત્કાર જેવી ઘટનાઓ આપણે નજર અંદાજ કરતા હોઈએ છીએ. એ વાત સત્ય છે કે પ્રજ્ઞા અને સંવેદનના તાલમેલથી આપણે એક અસ્તિત્વ તરીકે અનોખી સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે પ્રકૃતિના જે અજાણ અથવા સામાન્ય માણસ જે નથી જાણતો એવા જે પાસાની વાત કરવાની છે. તેને કહેતા મને ગુજરાતી કવિ મધુસુદન પટેલ ‘મધુ’ની પંક્તિ યાદ આવી જાય છે.
એક વિધવા મા બીજું તો શું કરે?
ધીમેધીમે બાપ બનતી જાય છે.
વિષમ પરિસ્થિતિમાં એક સ્ત્રીમાં આવતા અણગમતા છતાં પ્રચંડ રૂપાંતરણની વાત આ શેરમાં થઈ છે. અહીં એક ન ગમતી ઘટનાના પરિણામે માનવમાં આવતા સૂક્ષ્મ રૂપાંતરની વાત છે. રૂપાંતર બે રીતે થતાં જોવા મળે છે, પ્રથમ તો તાત્ત્વિક રૂપાંતર અને બીજુ શારીરિક. ધગધગતા લાવાના ગોળામાંથી કરોડો સૈકાઓના સમય બાદ પૃથ્વીએ જ્યારે જીવંતતા ધારણ કરી ત્યાર બાદ સૌપ્રથમ જીવો સમુદ્રમાં અસ્તિત્વમાં આવ્યા અને ત્યાર બાદ પૃથ્વી પર. દરેક જીવો પોતાની આસપાસના વાતાવરણમાં આવી રહેલા બદલાવો સાથે અનુકૂલન સાધવાના અવનવા પેંતરા અજમાવીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની કળા શીખતા ગયાં.
આપણે જ્યારે પ્રકૃતિનાં એવાં પાસાઓ પર નજર નાખવાની છે જે પ્રકૃતિવિજ્ઞાનીઓ માટે જાણીતા હોય, પરંતુ સામાન્ય લોકો અથવા વાચકોના ધ્યાન બહાર હોય. માત્ર ધ્યાન બહાર હોય એટલે મજાનું અને મહત્ત્વનું ન બની જાય, પરંતુ એમાં એવું કોઈ નાવિન્ય હોવું જરૂરી છે જે આંચકો આપી જાય. મહાભારતમાં આવતી એક વાત આપણે સૌ જાણીએ છીએ. બે પાત્રો છે, એક છે શીખંડી અને બીજી છે બૃહનલ્લા. આ બન્ને પાત્રોને પુરૂષ હોવા છતાં શીખંડી સ્ત્રૈણ સ્વરૂપે જીવેલા, જ્યારે અર્જુનને ગુપ્તવાસની શરત પૂર્ણ કરવા એક વર્ષ સ્ત્રી સ્વરૂપ ધારણ કરવું પડેલું.
વાચકોને થશે કે નિસર્ગના નિનાદને સ્થાને આ ક્યાં પુરાણોનાં પોટલાં ખોલ્યાં? પરંતુ પ્રકૃતિની એક એવી વિરલ ઘટના અંગે વાત કરવી છે જેનું વૈજ્ઞાનિક નામ છે ‘હર્માફ્રોડીટીઝમ’. કુદરતમાં અનુકૂલન સાધવાના અનેક ઉપાયોમાંનો એક ઉપાય છે જરૂરિયાત મુજબ લિંગ પરિવર્તન કરવાની ક્ષમતા. લિંગપરિવર્તનની આ વૃત્તિ અને પ્રવૃત્તિ સૌથી વધારે સમુદ્રી માછલીઓમાં વધુ જોવા મળે છે. સમુદ્રમાં માછલીઓની લાખો પ્રજાતિઓ છે જેમાંની આશરે બે ટકા એટલે કે અંદાજે ૫૦૦ જેટલી પ્રજાતિઓ એવી છે જેમાં એક યા બીજા સ્વરૂપે લિંગ પરિવર્તન જોવા મળે છે. આ અચંબિત કરી દેતી પ્રક્રિયાને સમજવા માટે એક કે બે ઉદહરણ જોઈએ.
કેરેબિયન ટાપુઓમાંના એક ટાપુની આસપાસની કોરલ રીફ માછલીઓની અનેક રંગબેરંગી જાતિઓ-પ્રજાતિઓ માટે વિખ્યાત છે. સમુદ્રની નીચે આશરે પંદરેક ફુટ નીચે પરવાળાની છાજલી પર ‘રેસી’ નામની માછલીઓનો સમૂહ વસવાટ કરી રહ્યો છે. આ માછલીઓ સમુદાયમાં જીવે છે. મોટી સંખ્યામાં એક સાથે વિચરણ કરતી આ જાતિ મોટી સંખ્યાને કારણે શિકારી જીવોથી મહદંશે બચાવ થાય છે. આ રેસી માછલીમાં નર માછલી ‘બ્લ્યુહેડ રેસી’ અને માદા માછલીઓ ‘પીળા પટ્ટાવાળી રેસી’ તરીકે ઓળખવામાં આવે છે. એક અજવાસીયા દિવસે અચાનક ઉપરથી જાળ ફેંકાય છે અને થોડી માછલીઓ એ જાળમાં ફસાઈ જાય છે. રેસીના આપણા ગ્રૂપમાંથી થોડી માદાઓની સાથે સાથે એ ગ્રૂપની બ્લ્યુહેડ નર પણ પકડાઈ જાય છે. થોડી વાર તો માછલીઓના આખા જૂથમાં નાસભાગ થઈ જાય છે, પરંતુ થોડા જ સમયમાં પીળા પટ્ટાવાળી એક સૌથી મોટા કદની માદાના વર્તનમાં ગણતરીની મિનિટોમાં જ પરિવર્તન આવવા લાગે છે અને તે નરની માફક આક્રમક વલણ અપનાવવા લાગે છે. તેનું શરીર લગભગ દસ દિવસની અંદર માદામાંથી પરિવર્ત્તિત થઈને નરનું સ્વરૂપ ધારણ કરી લે છે. આ દસ દિવસની અંદર માદાના અંડકોષ પુરૂષનું વીર્ય ઉત્પાદન કરતા વૃષણોમાં પરિવર્તિત થઈ જાય છે અને એ માદા હવે આખા માછાલીઓના ઝુંડનો આલ્ફા મેલ બની ગઈ છે. અને આ ગ્રૂપ પુન:સર્જનના કાર્યમાં જોડાઈ જાય છે.
માછલીઓની આવી અનેક પ્રજાતિઓમાં લિંગરૂપાંતરમાં પાછું થોડું વૈવિધ્ય પણ હોય છે. અમુક જાતિઓ ‘પ્રોટોજીનસ’ હોય છે એટલે કે જન્મે ત્યારે માદા હોય અને જીવનના કોઈ ચોક્કસ સમયે અથવા તો પરિસ્થિતિમાં પુન:સર્જનને આગળ ધપાવવા પછીથી નરમાં રૂપાંતરિત થાય છે. બીજો રૂપાંતરનો પ્રકાર છે ‘પ્રોટોએન્ડ્રસ’ જેમાં જન્મ બાદ માછલી નર હોય છે અને સમય અને પરિસ્થિતિની માંગ મુજબ તે માછલી અનુકૂલન સાધીને માદામાં રૂપાંતરિત થઈ જતી હોય છે. માછલીની આવી જ એક જાતિ છે ‘ક્લાઉન ફીશ’ જેને આપણે ‘નેમો’ ફીશ તરીકે પણ ઓળખીએ છીએ. આ ક્લાઉન ફીશમાં માદાનું કદ મોટું હોય છે. નેમો ફીશ જૂથમાં રહે છે જેમાં એક મુખ્ય માદા જો મૃત્યુ પામે તો નર પોતે જ માદાનું સ્વરૂપ ધારણ કરી છે.
‘પ્રોટોજીનસ’ માછલીઓમાં નર મોટા હોય છે જ્યારે ‘પ્રોટોએન્ડ્રસ’ માછલીઓમાં માદાનું કદ જુથમાં સૌથી મોટું હોય છે. લિંગ રૂપાંતરની આ ઘટના સૌથી વધુ સંખ્યામાં માછલીઓમાં જોવા મળે છે. એક પ્રશ્ન એ પણ થાય કે આવા જીવોની માફક માનવમાં ગર્ભમાં લિંગ નિર્ધારિત થઈ ગયા બાદ લિંગ પરિવર્તન શા માટે શક્ય નથી? એનું કારણ એ છે કે માનવપ્રજાતિમાં શુક્રાણુ અને અંડપિંડમાં થતાં ફલન દરમિયાન માદા જીનમાં માત્ર એક્સ ફેક્ટર જ હોય છે અને નરના જીનમાં વાય ફેક્ટર હોય છે. માનવના ગર્ભના વિકાસ સમયે આ બે ફેક્ટર્સમાંનું જે ફેક્ટર પ્રબળ હોય તે મુજબ નર કે માદાનું શરીર ઘડાય છે જે પરિવર્તનક્ષમ હોતું નથી, જ્યારે લિંગ પરિવર્તનક્ષમ પ્રાણીઓના શરીરોના જીનમાં એક્સ અને વાય એમ બન્ને ફેક્ટર્સ હોય છે જે આ જીવોને લિંગ પરિવર્તન માટે સક્ષમ બનાવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.