મહારાષ્ટ્રની વિશેષ અદાલતે મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી એકનાથ ખડસેની પત્નીને મોટી રાહત આપી છે . એકનાથ ખડસેની પત્ની મંદાકિનીને કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે. મંદાકિનીના વકીલે કહ્યું કે EDની વિશેષ અદાલતે તેને એક લાખ રૂપિયાના બોન્ડ પર વચગાળાના જામીન મંજૂર કર્યા છે.
ED કોર્ટે મંદાકિની ખડસેને પરવાનગી વિના દેશ ન છોડવાનો આદેશ આપ્યો છે. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું હતું કે જ્યારે પણ તેમને બોલાવવામાં આવશે ત્યારે તેમણે તપાસ અધિકારી સમક્ષ હાજર થવું પડશે. આ દરમિયાન તેઓ પુરાવા સાથે છેડછાડ કરશે નહીં. મંદાકિની ખડસે પર 2016માં પુણેમાં કથિત જમીન સોદામાં મની લોન્ડરિંગનો આરોપ છે. આ કેસ ED દ્વારા 2019માં નોંધવામાં આવ્યો હતો. અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એકનાથ ખડસે અને તેમના જમાઈ ગિરીશ ચૌધરીની 5.73 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. ખડસેની 86 લાખ રૂપિયાની બેંક ડિપોઝીટ પણ ફ્રીઝ કરવામાં આવી હતી. લોનાવલામાં એક બંગલો અને જલગાંવમાં એક પ્રોપર્ટી EDની ટીમે જપ્ત કરી છે.
એકનાથ ખડસેએ જમીન સોદાના આરોપોને પગલે 2016 માં ફડણવીસ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. તે સમયે તેઓ મહેસૂલ મંત્રીના પદ પર કાર્યરત હતા. ખડસે પર તેમના પરિવારને ભોસરી વિસ્તારમાં ઓછી કિંમતે સરકારી જમીન ખરીદવામાં મદદ કરવાનો આરોપ હતો. 3.75 કરોડમાં ખરીદેલી ઈન્ડસ્ટ્રીયલ જમીન ગીરીશ ચૌધરીના નામે ખરીદવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો. જ્યારે આ જમીનની કિંમત અનેક ગણી વધારે હતી. આને કારણે સરકારને 60 કરોડથી વધુનું નુકસાન થયું હતું.
વર્ષ 2016માં પુણેના વેપારી હેમંત ગાવંડેએ આ સમગ્ર કૌભાંડ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2017 માં, એકનાથ ખડસે, તેમની પત્ની મંદાકિની અને ગિરીશ ચૌધરી વિરુદ્ધ પુણે પોલીસના એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી હતી. જોકે, બાદમાં એન્ટી કરપ્શન બ્યુરોએ એકનાથ ખડસેને આરોપોમાંથી મુક્ત કરી દીધા હતા. પરંતુ, જાન્યુઆરી 2021માં, EDએ આ ત્રણ વિરુદ્ધ કેસ નોંધીને ફરીથી તપાસ શરૂ કરી.
પૂર્વ મંત્રી એકનાથ ખડસેની પત્નીને વચગાળાના જામીન મળ્યા
RELATED ARTICLES