કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા BS યેદિયુરપ્પાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે શુક્રવારે વિધાનસભામાં તેમનું છેલ્લું ભાષણ આપ્યું હતું. યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, “મેં સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે, પરંતુ ભાજપને જીત અપાવવા માટે મારા છેલ્લા શ્વાસ સુધી કામ કરીશ. મારો એકમાત્ર ઉદ્દેશ્ય ભાજપને ફરીથી સત્તામાં લાવવાનો છે અને મને ખાતરી છે કે તે થશે.” તેમના વિદાય ભાષણમાં યેદિયુરપ્પાએ કહ્યું હતું કે ઘણા પ્રસંગોએ વિપક્ષોએ ટિપ્પણી કરી હતી કે ભાજપે મને સાઇડલાઇન કરી દીધો છે, પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મેં ચાર વખત મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. આટલી તકો અન્ય કોઈ નેતાને આપવામાં આવી નથી. હું હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભારી રહીશ.” વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બીએસ યેદિયુરપ્પાના વિદાય ભાષણની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેમનું ભાષણ પાર્ટીના નીતિશાસ્ત્રને પ્રતિબિંબિત કરે છે. પીએમ મોદીએ કહ્યું હતું કે , “ભાજપના કાર્યકર તરીકે મને આ ભાષણ ખૂબ જ પ્રેરણાદાયી લાગ્યું. તે અમારી પાર્ટીની નીતિમત્તાને પ્રતિબિંબિત કરે છે. તે ચોક્કસપણે પાર્ટીના અન્ય કાર્યકરોને પણ પ્રેરણા આપશે.” ઉલ્લેખનીય છે કે, બીએસ યેદિયુરપ્પા 1988માં કર્ણાટક ભાજપના અધ્યક્ષ બન્યા હતા. તેઓ સૌપ્રથમ 1983માં કર્ણાટક વિધાનસભાના નીચલા ગૃહમાં ચૂંટાયા હતા અને ત્યારથી તેઓ છ વખત શિકારીપુરા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
કર્ણાટકના પૂર્વ સીએમએ સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ
RELATED ARTICLES