સુપ્રીમ કોર્ટની નૂપુર શર્મા પર કરવામાં આવેલી ટિપ્પણીથી નારાજગી, 15 રિટાયર્ડ જજ સહિત 117 રિટાયર્ડ અધિકારીએ ઉઠાવ્યો અવાજ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભડકાઉ નિવેદનને લઇને સુપ્રીમ કોર્ટે ભાજપના સસ્પેન્ડેડ નેતા નૂપુર શર્માની ગયા અઠવાડિયે ઝાટકણી કાઢી હતી. હવે તેની વિરુદ્ધ દેશના 117 હસ્તીઓએ નિવેદન જાહેર કરીને સુપ્રીમ કોર્ટના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. 15 રિટાયર્ડ જજ, 77 રિટાયર્ડ બ્યુોરક્રેટ અને 25 રિટાયર્ડ આર્મ્ડ ફોર્સના અધિકારીઓ સહિત કુલ 117 હસ્તાક્ષરકર્તાઓએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે માનનીય સુપ્રીમ કોર્ટે અરજકર્તાના મૌલિક અધિકારની રક્ષા કરવાની જગ્યાએ અરજીનું સંજ્ઞાન લેવાથી પણ ઇનકાર કરી દીધો. અરજદારને અરજી પરત લેવા અને હાઇ કોર્ટથી સંપર્ક કરવા માટે મજબૂર કરવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટ જાણે છે કે હાઈ કોર્ટ પાસે એફઆઇઆરને ટ્રાન્સફર કરવાનો અધિકાર નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે અમે જવાબદાર નાગરિકના રૂપમાં વિશ્વાસ કરીએ છીએ કે કોઇપણ દેશનુ લોકતંત્ર ત્યા સુધી જ ટકી નહીં રહે, જયા સુધી તમામ સંસ્થાઓ બંધારણ અનુસાર પોતાના કર્તવ્યનું પાલન નહીં કરે. સુપ્રીમ કોર્ટના માનનીય બે ન્યાયાધીશોએ તાજેતરની ટિપ્પણીઓમાં લક્ષ્મણ રેખાને પાર કરી છે અને અમને એક નિવેદન જાહેર કરવા માટે મજબૂર કર્યા છે. નોંધનીય છે કે નૂપુર શર્મા તરફથી સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફરની અરજી કરવામાં આવી હતી, જેની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માને ફટકાર લગાવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે દેશમાં માહોલ ખરાબ કરવા માટે નૂપુર શર્માને જવાબદાર ઠેરવ્યા હતા અને તેમને જાહેરમાં માફી માગવા માટે કહ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.