ભારતીય ક્રિકેટ ટીમ અને તેના ફેન્સ માટે 2જી એપ્રિલ રવિવારે સવારે એક દુ:ખદ સમાચાર આવ્યા છે. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી સલીમ દુર્રાનીનું રવિવારે સવારે નિધન થયું હતું. ગુજરાતના જામનગરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ 88 વર્ષના હતાં અને કેન્સર સામે ઝઝૂમી રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે સલીમ દુર્રાનીનો જન્મ અફઘાનીસ્તાનમાં થયો હતો. તેઓ ભારત માટે વર્ષો સુધી ક્રિકેટ રમ્યા હતાં. તેઓ પહેલાં એવા ભારતીય ક્રિકેટર છે જેમને અર્જુન એવોર્ડથી સન્માન્નીત કરવામાં આવ્યા હતાં.
કાબૂલમાં જન્મેલા સલીમ દુર્રાનીએ ભારત માટે તેમની પહેલી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધમાં 1 જાન્યુઆરી 1960માં બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમ્યાં હતાં. આ એમની ડેબ્યુ મેચ હતી. દુર્રાની ભારત માટે લગભગ 13 વર્ષ સુધી ક્રિકેટ રમ્યાં હતાં. તેમણે 29 ટેસ્ટમાં 25.04ના એવરેજ સાથે બેટીંગ કરીને 1202 રન કર્યા છે. જેમાં તેમની બેટથી એક સેન્ચ્યુરી અને 7 હાફ-સેન્ચ્યુરી જોવા મળી છે.
સલીમ દુર્રાની એવા બેટ્સમેન હતાં જેઓ ફેન્સની માંગણી પર છક્કા મારતાં. સાથે સાથે તેમણે બોલીંગમાં પણ ખૂબ નામ કમાવ્યું હતું. તેમણે પોતાની આંતરરાષ્ટ્રિય કારકીર્દીમાં 75 વિકેટ લીધી હતી. તેઓ લેફ્ટ આર્મ સ્પીન બોલર હતાં. તેઓ ભારત માટે માત્ર ટેસ્ટ ક્રિકેટ જ રમ્યાં છે. તેઓ પોતાની છેલ્લી ટેસ્ટ 6 ફેબ્રુઆરી 1073માં ઇગ્લેંન્ડ સામે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમ્યાં હતાં. ક્રિકેટની સાથે સાથે સલીમ દુર્રાની બોલીવુડમાં પણ જોવા મળ્યા. તેઓ તેમના જબરદસ્ત લૂકને કારણે પણ ઓળખાતા. તેમણે ક્રિકેટની સાથે સાથે બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 1973મા રિલીઝ થયેલ ચરિત્ર નામની ફિલ્મમાં તેમણે અભિનય કર્યો હતો. એ ફિલ્મમાં દુર્રાનીએ એ વખથની સ્ટાર અભિનેત્રી પરવીન બોબી સાથે કામ કર્યુ હતું. આ ઉપરાંત 2011માં બીસીસીઆઇ દ્વારા સલીમ દુર્રાનીને સીકે નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી પણ સન્માનીત કરવામાં આવ્યા હતાં.