Homeઆપણું ગુજરાતભાજપમાં ખળભળાટ: પૂર્વ આરોગ્યપ્રધાન જયનારાયણ વ્યાસે પક્ષ છોડ્યો, કહ્યું ભાજપમાં ટાંટિયાખેંચ ચાલે...

ભાજપમાં ખળભળાટ: પૂર્વ આરોગ્યપ્રધાન જયનારાયણ વ્યાસે પક્ષ છોડ્યો, કહ્યું ભાજપમાં ટાંટિયાખેંચ ચાલે છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા ગુજરાતમાં રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે. દરેક પક્ષ ઉમેદવારોની પસંદગી કરવામાં વ્યસ્ત છે. ત્યાર ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. એવી અટકળો હતી કે જયનારાયણ વ્યાસ ભાજપની આંતરિક ખેંચતાણથી નારાજ છે. 29 ઓક્ટોબરે તેઓ અશોક ગેહલોતને પણ મળ્યા હતા. હવે આખરે તેમણે ભાજપ સાથે છેડો ફાડી લીધો છે.
હવે તેઓ કોંગ્રેસમાં જોડાશે કે AAPમાં એ અંગે ચર્ચા તેજ બની છે. ભાજપમાંથી રાજીનામાં બાદ તેમણે ચૂંટણી લડવાનો હુંકાર કર્યો હતો. તેમણે કહ્યુ હતું કે પાટણ જિલ્લા ભાજપથી કંટાળી રાજીનામું આપ્યું છે. પાટણ જિલ્લા ભાજપ પર ચાર પાંચ લોકો કબજો જમાવીને બેઠા છે. ભાજપ પાર્ટીને આગળ વધારવાનું નહી પણ ટાંટીયા ખેંચનુ કામ કરે છે. મારી પાસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ બે માર્ગ ખુલ્લા છે. આજે હું કાર્યકરો અને સમર્થકો સાથે વાત કરી નિર્ણય કરીશ.
તેમણે ભાજપથી નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે મેં 32 વર્ષ બીજેપી સાથે ગાળ્યા છે. મને ભાજપ સાથે કોઇ વાંધો નથી. પરંતુ જિલ્લામાં એક તરફી ચાલવાના વલણથી હું નારાજ છું. મેં અગાઉ પણ સીઆર પાટીલને વાત કરી તો તેમણે સમુ સુથરૂ કર્યુ. દર વખતે પ્રદેશ અધ્યક્ષને રજુઆત કરવી યોગ્ય નથી. તેમણે પાટણ જિલ્લા ભાજપ અધ્યક્ષ સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ મને કાયમી ફરિયાદી બનાવ્યો છે.
તેમણે કહ્યું કે હું ચુંટણી લડીશ. સિધ્ધપુરના ગરીબ લોકો માટે કામ કરવા રાજકારણમાં આવ્યો છું. મારા માટે કોંગ્રેસ અને આપ બન્નેમાં દ્વાર ખુલ્લા છે. દરેક પાર્ટીના નેતાઓ મારે ત્યાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અશોક ગેહલોતને મળવા જવાનો અર્થ એ નથી કે હું કોંગ્રેસમાં જવાનો છું. બે દિવસ પહેલા જ મેં સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે. મારા 80% કાર્યકર્તાઓનો મને સપોર્ટ કરે છે પછી ક્યાં જવું એ મારા કાર્યકર્તાઓ નક્કી કરશે. મારે સિદ્ધપુરથી ચૂંટણી લડવી છે. બીજે ક્યાંયથી લડવાનો કોઈ મતલબ નથી.

RELATED ARTICLES

Most Popular