Homeધર્મતેજઅવતારલીલાનું સ્વરૂપ

અવતારલીલાનું સ્વરૂપ

ભગવાન કપિલદેવ દ્વારા દેવહૂતિજીને પરમાત્મસ્વરૂપ પરમપદની પ્રાપ્તિ થઈ

જીવનનું અમૃત -ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
માતા દેવહૂતિજીને આત્મજ્ઞાનનો શ્રેષ્ઠ ઉપદેશ આપીને, માતાની અનુમતિ મેળવીને ભગવાન કપિલદેવ તે સ્થાનનો ત્યાગ કરીને તે સ્થાનથી ઈશાનદિશામાં સમુદ્રકિનારે ચાલ્યા ગયા. દેવહૂતિજી તે જ આશ્રમમાં રહ્યાં અને પોતાના પુત્ર ભગવાન કપિલદેવના ઉપદેશ અનુસાર યોગાભ્યાસ અને અધ્યાત્મસાધનામાં તલ્લીન બની ગયાં. પ્રબળ વૈરાગ્ય, ગહન તપશ્ર્ચર્યા, યથોચિત કર્માનુષ્ઠાન, ભગવાન પ્રત્યે તીવ્ર ભક્તિયોગ, ભગવાનના સ્વરૂપનું ધ્યાન, ભગવાનનું ચિંતન-આવી ઉત્તમોત્તમ સાધનામાં રત રહેવાથી તેમના ચિત્તની સર્વ મલિનતા દૂર થઈ ગઈ. તેમની બુદ્ધિ જીવના અધિષ્ઠાનરૂપ પરબ્રહ્મ પરમાત્મામાં લીન બની ગઈ. તેમનો જીવ ભાવ નિવૃત્ત થઈ ગયો. દેવહૂતિજીના સર્વ કલેશો નિવૃત્ત થઈ ગયા અને તેઓ પરમાનંદમાં મગ્ન થઈ ગયાં.
નિરંતર સમાધિ અવસ્થામાં રહેવાથી વિષયોના સત્યત્વની તેમની ભ્રાન્તિ નષ્ટ થઈ ગઈ અને ચિત્ત રાગ-દ્વેષથી સર્વથા મુક્ત થઈ ગયું. આ રીતે ભગવાન કપિલદેવ દ્વારા બતાવેલા માર્ગનું અનુસરણ કરવાથી માતા દેવહૂતિજીને થોડા જ સમયમાં નિત્યમુક્ત પરમાત્મસ્વરૂપ પરમપદની પ્રાપ્તિ થઈ.
જે સ્થાન પર માતા દેવહૂતિજીને સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી તે પરમ પવિત્ર સ્થાન ‘સિદ્વપદ’નામે વિખ્યાત થયું.
મૈત્રેયજી વિદુરજીને કહે છે- “હૈ નિષ્પાપ વિદુરજી! ભગવાન કપિલદેવનું પ્રાગટ્ય, જીવન અને તેમનો ઉપદેશ અનેક રહસ્યોથી ભરપૂર છે. જે પુરુષ ભગવાન કપિલદેવના આ ચરિત્રનું શ્રવણ કરશે તેઓ ભગવાન ગરુડધ્વજની ભક્તિથી યુક્ત થઈને શીઘ્ર શ્રીહરિના ચરણારવિંદોને પ્રાપ્ત કરશે.
પ્રજાપતિ કર્દમજી, માતા દેવહૂતિજી અને ભગવાન કપિલદેવના આ ચરિત્રમાંથી નિષ્પન્ન થતાં કેટલાંક મહત્ત્વપૂર્ણ તત્ત્વોનું સંક્ષિપ્ત વિવેચન અહીં પ્રસ્તુત છે.
૧. પિતામહ બ્રહ્માજીએ પ્રજાપતિ કર્દમજીને પ્રજોત્પત્તિ માટે આજ્ઞા આપી છે. પિતામહ બ્રહ્માજીનું કાર્ય સૃષ્ટિની ઉત્પત્તિ કરવાનું છે. ભગવાન આદિનારાયણે પિતામહ બ્રહ્માજી માટે આ કાર્ય નિયત કર્યું છે. એક પ્રજાપતિ હોવાને નાતે કર્દમમુનિનું કાર્ય પણ પ્રજોત્પત્તિ છે અને તે જ કાર્ય માટે પિતામહ બ્રહ્માજીએ તેમને આજ્ઞા આપી છે.
૨. કર્દમમુનિ અને દેવહૂતિએ સંસારનો સ્વીકાર કર્યો છે, પરંતુ તેઓ સંસારમાં ડૂબી ગયા નથી, તેઓ મોહવશ ભાન ભૂલ્યા નથી. પરમપદની પ્રાપ્તિ તે જ જીવનનું ધ્યેય છે તેવી જાગૃતિ તેઓ ચૂક્યા નથી. આ જાગૃતિ જ તેમની આધ્યાત્મિક અભીપ્સાને જાળવી રાખે છે. આમ તેઓ પોતાના જીવન દ્વારા સૂચવે છે કે સંસાર બાંધતો નથી, પરંતુ સંસાર પ્રત્યેની આસક્તિ બાંધે છે. જેમનો વિવેક જાગ્રત છે, જેઓ મોહમાં ફસાતા નથી તેઓ સંસારના મસ્તક પર પગ મૂકીને પરમપદ પર આરોહણ કરે છે. જો કોઈ વ્યક્તિ સંસારજીવનનો સ્વીકાર કરીને તેમાં મોહિત થઈને
ભગવાનને ભૂલી જાય તો તે જીવનનું યથાર્થ લક્ષ્ય ચૂકી જાય છે અને મોહવશ સંસારની આસક્તિમાં ડૂબી જાય છે. આ રીતે સંસારમાં ડૂબી જવું તે તો આત્મહત્યા છે, પરંતુ પોતાનું નિયત કર્તવ્ય જે જાગૃતિપૂર્વક પૂરું કરે છે અને કર્તવ્ય પૂરું કરીને જે સંસારનો ત્યાગ કરીને પરમપથના પથિક બને છે તેઓ અધ્યાત્મજગતના વીરો છે.
૩. કર્દમમુનિ અને દેવહૂતિજીએ ભોગો ભોગવ્યા છે તેવું વર્ણન આ ચરિત્રમાં છે, પરંતુ આ વર્ણનના સ્વરૂપ પરથી એવું લાગે છે કે આ ભોગો સ્થૂળભૂમિકા પરના ભોગો નથી. જેમ આપણી પૃથ્વી પર સ્થૂળભૂમિકાના ભોગો હોય છે તેમ અન્ય સૂક્ષ્મ ઉચ્ચતર લોકોમાં દિવ્યભોગો પણ હોય છે. દિવ્ય વિમાનની રચના, વિદ્યાધરી સ્ત્રીઓની સેવા, સરોવરની અંદરનો મહેલ, વિમાન દ્વારા અનેક લોકોમાં યથેચ્છ વિહરણ, દીર્ઘકાલીન યુવાવસ્થા આદિ વર્ણન પરથી લાગે છે કે અહીં જે ભોગોનું વર્ણન છે. તે સ્થૂળભૂમિકાના દુન્યવી ભોગોનું વર્ણન નથી, પરંતુ કોઇ ઉચ્ચતર ભૂમિકાના દિવ્યભોગોનું વર્ણન છે. વિમાનની સામગ્રીઓનું વર્ણન કરતી વખતે ભાગવતકાર આમ કહે છે- રુડવ્રળજ્ઞક્ષઇંફઞળજ્ઞક્ષજ્ઞર્ટૈ લમૃઇંળબલૂઈંળમવપ્ર
“દિવ્ય સામગ્રીઓથી યુક્ત અને સર્વ ઋતુઓમાં સુખદાયક
આ પ્રકારના વાક્યપ્રયોગો અને વર્ણનો દ્વારા ભાગવતકાર સૂચિત કરે છે કે કર્દમમુનિ અને દેવહૂતિજીએ જે ભોગો ભોગવ્યા તે ભોગો સ્થૂળ અને પાર્થિવ ભોગો નથી, પરંતુ સૂક્ષ્મ સ્વરૂપના અને દિવ્યભોગો છે. દિવ્યભોગો ઇન્દ્રિયો દ્વારા નહીં, પરંતુ યોગ જ ચિત્ત દ્વારા ભોગવાય છે. યોગસિદ્ધિ પુરુષો કવચિત્ આ પ્રકારના દિવ્યભોગો ભોગવે છે.
આ દિવ્યભોગો પણ આખરે તો ભોગ જ છે અને તેથી પરમપદની પ્રાપ્તિમાં બાધારૂપ જ બને છે તેથી આખરે તો તે પણ ત્યાજ્ય છે. આમ સમજીને કર્દમજી અને દેવહૂતિજીએ તેમનો પણ ત્યાગ જ કર્યો છે.
૪. શ્રીમદ્ ભાગવત અવતારોની કથા છે. આ મહાગ્રંથમાં લગભગ સર્વ અવતારોની કથા છે. અહીં પ્રધાનકથા શ્રીકૃષ્ણાવતારની છે છતાં ભગવાન શ્રીરામ, ભગવાન પરશુરામ, ભગવાન વામન, ભગવાન નૃસિંહ આદિ અવતારોની કથા છે.
અવતાર જયારે અવતરે છે ત્યારે માતા-પિતા દ્વારા જન્મ ધારણ કરે છે. અવતાર ભગવાન છે છતાં જ્યારે માનવસ્વરૂપે અવતરે છે ત્યારે સામાન્ય માનવની જેમ લીલા કરે છે. અવતારનો જન્મ માતા-પિતા દ્વારા થાય છે અને અવતારનો ઉછેર પણ માતા-પિતા દ્વારા થાય છે. જેમ સામાન્ય માતા-પિતાને પોતાના સંતાન પ્રત્યે વાત્સલ્યભાવ હોય છે તેમ અવતારનાં માતા-પિતાને પણ પોતાના સંતાન પ્રત્યે, ભલે તે ભગવાન હોય તો પણ વાત્સલ્યભાવ જ હોય છે.
એવું જોવા મળે છે કે અવતારનાં માતા-પિતાને પોતાનો પુત્ર ભગવદવતાર છે, ભગવાન છે તેવું સભાન જ્ઞાન રહેતું નથી. તેમના વાત્સલ્યભાવના વેગમાં ભગવદ્ભાવ તણાઇ જાય છે. તેમના વાત્સલ્યભાવના આવરણ નીચે ભગવદ્ભાવ જાણે ઢંકાયેલો રહે છે. નંદ-યશોદા, વસુદેવ-દેવકી, દશરથ-કૌશલ્યા આદિને ભગવાનનાં માતા-પિતા બનવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે. સંભવ છે કે તેઓ ‘પોતાનો પુત્ર ભગવાન છે’ તે હકીકત જાણતાં પણ હોય. આમ છતાં તેમનો ભાવ અને વ્યવહાર તો એવો જ રહે છે કે તેઓ માતા-પિતા છે અને પોતાનો પુત્ર (ભગવાન હોવા છતાં) પોતાનો પુત્ર જ છે. આમ સામાન્ય રીતે ભગવદવતાર વખતે પણ તેમનાં માતા-પિતાનો તો પોતાના ભગવાન પુત્ર પ્રત્યે વાત્સલ્યભાવ જ પ્રધાનપણે રહે છે.
નંદ-યશોદાને ભગવાન શ્રીકૃષ્ણ પોતાનો પ્યારો કનૈયો જ લાગે છે. તેઓ પોતાના કનૈયાને ભગવાનરૂપે જોતાં નથી, ભગવાનરૂપે સંબોધતા નથી, પરંતુ પુત્રરૂપે જ જુએ છે અને પુત્રરૂપે જ સંબોધે છે. નંદ-યશોદા, વસુદેવ-દેવકી, દશરથ-કૌશલ્યાને પોતાના અવતારી પુત્રની ભગવત્તાની કશી જાણ જ નહીં હોય તેમ તો લાગતું નથી. ભગવાનનાં માતા-પિતાને અવારનવાર પોતાના અવતારી પુત્રની ભગવત્તાના અણસાર મળતા જ રહેતા હશે , પરંતુ તેમનો આ ભગવદ્ભાવ થોડી જ વારમાં વાત્સલ્યભાવથી જ જોવા માંડે છે.
આમ અવતારનાં માતા-પિતાને કવચિત ભગવદ્ભાવ અનુભવાતો હોય તો પણ મહદ્અંશે તો તેઓ અવતારી પુત્રને સંતાનભાવથી જ જુએ છે અને તે ભાવને અનુરૂપ વ્યવહાર કરે છે.
શ્રીમદ્ ભાગવત, શ્રીમદ્ વાલ્મીકિય રામાયણ, મહાભારત આદિ ગ્રંથોમાં લગભગ સર્વત્ર આ સ્વરૂપનું જ દર્શન જોવા મળે છે.
સામાન્ય રીતે જોવા મળતા આ સ્વરૂપના ભાવ અને વ્યવહારની પરંપરામાં એક બહુ મહત્ત્વપૂર્ણ અપવાદ છે. આ અપવાદ છે-કર્દમમુનિ અને દેવહૂતિજીનો ભગવાન કપિલદેવ પ્રત્યેનો ભાવ અને વ્યવહાર.
કર્દમમુનિએ ક્યારેય પોતાના પુત્ર કપિલદેવને પુત્રસ્વરૂપે અને વાત્સલ્યભાવથી જોયા નથી. તેમણે સતત ભગવાન તરીકે જ જોયા છે. તેવો જ ભાવ રાખ્યો છે અને વ્યવહાર પણ તદ્નરૂપ રાખ્યો છે.
દેવહૂતિએ તો કપિલભગવાનનું શરણ સ્વીકાર્યું છે. તેમને ભગવાન અને ગુરુ માન્યા છે, હાથ જોડીને તેમની સમક્ષ મુક્તિ માટે પ્રાર્થના કરી છે. ભગવાન કપિલદેવે પણ તેમને અધ્યાત્મવિદ્યાનો ઉપદેશ આપ્યો છે. તેમને અધ્યાત્મપથ બતાવ્યો છે. જેમ ગુરુ પોતાની શિષ્યાને મુક્તિનો માર્ગ બતાવે તેમ ભગવાન કપિલદેેવે માતાના દેવહૂતિને મુક્તિનો માર્ગ બતાવ્યો છે.
માતા દેવહૂતિ અને પિતા કર્દમમુનિનો પોતાના પુત્ર ભગવાન કપિલદેવ પ્રત્યેનો આ વ્યવહાર અન્ય સૌ અવતારોનાં માતા-પિતા કરતાં ઘણો ભિન્ન જોવા મળે છે. આ વ્યવહાર અને આ ભાવ એક અપવાદરૂપ હોય તેમ લાગે છે.
આમ શા માટે?
આ શા માટે તે તો ખરેખર તેઓ જ જાણે, પરંતુ આપણી મતિ અનુસાર આ અપવાદરૂપ વિશિષ્ટ વ્યવહારનું કારણ સમજવા પ્રયત્ન કરીએ તો તેનું કારણ એ છે કે-
કર્દમમુનિ અને દેવહૂતિઋષિ અને ઋષિપત્ની છે. તેઓ બન્ને અધ્યાત્મપથનાં પથિકો છે. તેમના ચિત્તમાં પરમપદની પ્રાપ્તિ માટેની પ્રબલ અભીપ્સા છે. તેમને બન્નેને ભગવાન જોઇએ છે, બીજું કશું નહીં. આમ અવતારનાં માતા-પિતા રૂપે તેઓ ઘણાં વિશિષ્ટ છે તેથી તેમનો ભાવ અને વ્યવહાર પણ વિશિષ્ટ હોય તે સ્વાભાવિક છે.
પોતાના પુત્રને સતત ભગવાનરૂપે માનવા, ભગવદ્સ્વરૂપે જ જોવા તેમના પ્રત્યે સતત ભગવદ્ભાવ રાખવો અને વાણી તથા વ્યવહાર પણ તે જ સ્વરૂપનાં હોવાં તે ઘટના ઘણી વિશિષ્ટ છે અને તેથી દેવહૂતિજી અને મહર્ષિ કર્દમજીની આ વિશિષ્ટતાની, અવતારની સમગ્ર ઘટનામાં વિશેષરૂપે નોંધ લેવી જોઇએ.
ભગવાન કપિલદેવ જ્ઞાનાવતાર છે. તેમનો અવતાર જ પ્રકૃતિપુરુષના વિવેક દ્વારા મુક્તિનો માર્ગ દર્શાવવા માટે થયો છે. ભારતીય દર્શનમાં સાંખ્યદર્શન ખૂબ મૂલ્યવાન દર્શન છે. યોગની પ્રતિષ્ઠા જ સાંખ્યદર્શન પર થઇ છે. શ્રીમદ્ ભગવદ્ગીતા અને શ્રીમદ્ ભાગવત જેવા હિંદુ ધર્મના સર્વમાન્ય ગ્રંથોમાં સાંખ્યદર્શનનો સ્પષ્ટ: સ્વીકાર થયો છે. આવા મૂલ્યવાન દર્શનના અને અધ્યાત્મવિદ્યાના પ્રણેતા તરીકે ભારતમાં તેમનું નામ ગૌરવપૂર્વક લેવાતું રહ્યું છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે ભગવાન કપિલદેવને પોતાની જ એક વિભૂતિસ્વરૂપે ગણાવેલ છે-
રુલથ્ળણર્ળૈ ઇંરુક્ષબળજ્ઞ પૂરુર્ણીં
“સિદ્ધોમાં હું કપિલમુનિ છું
આવા સિદ્ધોના અધિપતિ ભગવાન કપિલદેેવે પોતાનાં સાધ્વીમાતાને અધ્યાત્મનો જે ઉપદેશ આપ્યો તેને ‘કપિલગીતા’ ગણવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -