Homeધર્મતેજઅવતારલીલાનું સ્વરૂપ

અવતારલીલાનું સ્વરૂપ

દત્તાત્રેય આદિ અંશાવતાર ગણાય છે

જીવનનું અમૃત -ભાણદેવ

(ગયા અંકથી ચાલુ)
(૩) માનવશરીરમાં રહીને, માનવીય સંજોગોમાં જીવતાં-જીવતાં પરમાત્મામાં કેવી રીતે આરોહણ કરવું, તેનું એક દૃષ્ટાંત અવતાર આપણી સમક્ષ રજૂ કરે છે. અવતારરૂપે પ્રભુ પોતે જ કૃપા કરીને પોતાના સુધી ચાલવાના માર્ગ પર પોતે જ ચાલી બતાવે છે.
(૪) પોતાના ભક્તો અને સાધુપુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના નાશ માટે પણ પ્રભુ આવે છે.
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतामक्व
-गीता; 4-8

“સાધુપુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના વિનાશ માટે (હું અવતાર ધારણ કરું છું.)
૫. અવતારના પ્રકારો
પરમાત્મા તો એકમેવાદ્વિતીય છે. ભિન્નભિન્ન અવતારોમાં એક જ ભાગવતચેતના કાર્યરત હોય છે આ દૃષ્ટિએ જોઈએ તો અવતારના પ્રકારો ન પાડી શકાય. આમ છતાં અવતારમાં અભિવ્યક્તિની ભિન્નતા હોય છે. આમ હોવાથી અવતારના સ્વરૂપ, શક્તિ, કાર્યક્ષેત્ર આદિમાં ભિન્નતા જણાય છે. આ ભિન્નતાને દૃષ્ટિ સમક્ષ રાખીને અવતારોના પ્રકારો પાડી શકાય છે.
(૧) પૂર્ણાવતાર કે લીલાવતાર
પરમાત્મા પોતાના પૂર્ણ સ્વરૂપે માનવદેહમાં અવતરે ત્યારે તે સ્વરૂપના અવતારને પૂર્ણાવતાર કે લીલાવતાર કહેવામાં આવે છે. ભગવાન નારાયણ, શ્રીરામ,
શ્રીકૃષ્ણ, શ્રીચેતન્ય, શ્રીરામકૃષ્ણ આદિ પૂર્ણાવતાર કે લીલાવતાર છે.
(૨) અંશાવતાર
પરમાત્મા પોતાના અમુક અંશથી અવતરે ત્યારે તે અંશાવતાર કહેવાય છે. દત્તાત્રેય આદિ અંશાવતાર
ગણાય છે.
સૃષ્ટિ સર્જન તથા સંચાલન માટે પરમાત્મા પોતાના અંશથી જે સ્વરૂપો ધારણ કરે છે, તે પણ અંશાવતાર ગણાય છે. બ્રહ્મા આદિ પરમાત્માના અંશાવતારો ગણાય છે.
(૩) અંશાંશાવતાર
સૃષ્ટિ સંચાલન માટે બ્રહ્માજીની સાથે મરીચિ આદિ ઋષિઓ તથા મનુ વગેરે પણ હોય છે. તેઓ અંશાંશાવતાર ગણાય છે.
(૪) કલાવતાર
પ્રત્યેક યુગમાં પરમાત્મા કોઈ વિશિષ્ટ કાર્ય માટે પોતાની અમુક કલાથી અવતરે છે, તે સ્વરૂપના અવતારને કલાવતાર કહેવામાં આવે છે. વ્યાસ, કપિલ આદિ કલાવતાર
ગણાય છે.
(૫) આવેશાવતાર
કોઈ વિશિષ્ટ સંયોગોમાં, કોઈ વિશિષ્ટ કાર્ય સિદ્ધ કરવા માટે પરમાત્મા કોઈ સમર્થ પુરુષમાં અમુક નિશ્ર્ચિત સમય માટે પોતાની ચેતના મૂકે છે. તે નિશ્ર્ચિત સમય માટે તે પુરુષ પરમાત્માની ચેતના અને શક્તિથી યુક્ત થઈને તે મહાકાર્ય પૂરું કરે છે. તે સમયે તે પુરુષ પરમાત્માનો આવેશાવતાર ગણાય છે. ભગવાન પરશુરામ પરમાત્માનો આવેશાવતાર ગણાય છે. નિશ્ર્ચિત સમયે તે કાર્ય પૂરું થાય પછી તેઓમાં અવતારી ચેતના અને શક્તિ રહેતાં નથી. પછી તેઓ અવતાર તરીકે નહીં, પરંતુ ઋષિ તરીકે
રહે છે.
૬. અવતારવિષયક શંકાઓનું સમાધાન
આધુનિક માનસ બુદ્ધિવાદી માનસ છે, તેથી આધુનિક માનસ માટે અવતારમાં શ્રદ્ધા મૂકવાનું કાર્ય મુશ્કેલ છે. આધુનિક માનસમાં અવતારવિષયક અનેક શંકાઓ ઉપસ્થિત થાય છે. આમાંની મુખ્ય-મુખ્ય શંકાઓનું સમાધાન અહીં પ્રસ્તુત છે.
(૧) પરમાત્મા સ્વયંપૂર્ણ છે.
જે પૂર્ણ છે, તેને માનવસ્વરૂપ ધારણ કરવાની શી જરૂર ? પોતાની કઈ અપૂર્ણતા ભરવા માટે પરમાત્માને અવતાર ધારણ કરવો પડે છે? અને પૂર્ણ પરમાત્મા માનવ જેવું સામાન્ય સ્વરૂપ ધારણ કરે શા માટે?
પરમાત્મા માનવસ્વરૂપે અવતરે, તેથી તેની પૂર્ણતામાં કોઈ બાધ આવતો નથી. પરમાત્મા પોતાની કોઈ અપૂર્ણતાની પૂર્તિ કરવા માટે માનવસ્વરૂપે અવતરે
છે, તેવું નથી. વસ્તુત: અવતરણ પણ તેની પૂર્ણતાનું એક સ્વરૂપ છે, એક પાસું છે. પરમાત્મા અનંત છે, તેનાં અનંત પાસાં છે. અનંત પરમાત્માનાં અનંત પાસાંઓમાંનું અવતરણ પણ એક પાસું છે. જે પૂર્ણ હોય તે બધું જ હોઈ શકે તો અવતાર શા માટે ન હોઈ શકે?
પરમાત્માના અનંત સ્વરૂપી છે. અવતાર પરમાત્માનું જ એક સ્વરૂપ છે. અવતાર ધારણ કરવો તે પૂર્ણ પરમાત્માની એક લીલા છે.
(૨) પરમાત્મા સંકલ્પ દ્વારા બધું કરી શકે છે, તો તેને અવતાર ધારણ કરવાની શી જરૂર છે? અવતારરૂપે માનવ બનીને જે કાર્ય સિદ્ધ કરવું હોય તે કાર્ય પરમાત્મા માત્ર સંકલ્પથી સિદ્ધ ન કરી શકે?
અવતરણ પરમાત્માનું કર્તવ્ય કે બંધન નથી, પરંતુ પરમાત્માની સ્વતંત્રતા છે. પરમાત્મા સંકલ્પથી બધું કરી શકે છે, તેમ તે અવતરણનો સંકલ્પ પણ કરી શકે છે. પરમાત્મા કોઈ પણ સંકલ્પ કરવા સ્વતંત્ર છે, તો તે અવતરણનો સંકલ્પ શા માટે ન કરે? પરમાત્મા અવતાર ધારણ કર્યા વિના માત્ર સંકલ્પથી બધું કરવા સમર્થ છે, તેનો અર્થ એમ તો નહીં જ કે તેણે અવતાર ધારણ કરવો નહીં. પરમાત્મા સર્વ કાંઈ કરવા સમર્થ છે, તેમ તે અવતાર ધારણ કરવા માટે પણ સમર્થ છે.
(૩) પ્રભુને માનવસ્વરૂપે માનવો તે તેની નિંદા છે. જે અનંત છે, તે લઘુક માનવી બનીને આવે તેમ માનવું મુશ્કેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular