નવી દિલ્હીઃ દુનિયાભરમાં ભારતની ઓળખ એક શાંતિપ્રિય અને માનવમૂલ્યોને અનુસરનારા દેશ તરીકેની છે અને ફરી એક વખત સીમા પરની દુશ્મની ભૂલીને પડોશી દેશને મદદનો હાથ આપીને ભારતે એ છબિને વધુ ઉજ્જ્વળ બનાવી છે. વાત જાણે એમ છે પડોશી દેશ ચીનમાં અત્યારે કોરોનાનો કહેર માઝા મૂકી રહ્યો છે ત્યારે ત્યાં દવાઓની અછત વર્તાઈ રહી છે. આવા સંજોગોમાં ચીનને દવાઓ મોકલાવીને ભારતે માનતાથી મોટો કોઈ ધર્મ નથી એવું સાબિત કરી આપ્યું છે. ભારતે ચીનને બ્રૂફેન અને પેરાસિટેમોલ એમ બે દવાઓ જે કોરોનામાં ખૂબ જ મદદરુપ સાબિત થાય છે તેનો એક જથ્થો રવાના કર્યો હતો. એટલું જ નહીં પણ ભારતે ચીનને બીજી મદદ કરવા પણ પોતે તૈયાર હોવાનું આશ્વાસન આપ્યું છે.