Homeદેશ વિદેશબંને જણા મતભેદ ભૂલાવો અને એક થઇ જાવ-વિવાદ પર બોલ્યા નવનીત રાણા

બંને જણા મતભેદ ભૂલાવો અને એક થઇ જાવ-વિવાદ પર બોલ્યા નવનીત રાણા

છેલ્લા અઠવાડિયાથી શિંદે-ફડણવીસ સરકારના બે સમર્થક વિધાનસભ્ય એકબીજા સામે શિંગડા ભેરવીને બેઠા છે અને એને કારણે રાજ્ય સરકારને નીચા જોણું થઇ રહ્યું છે. રવિ રાણાના પત્ની સાંસદ નવનીત રાણાએ આ વિશે મીડિયાને જણાવ્યું હતું કે તેઓ આ અંગે કંઈ કહેશે નહીં. તે ઘરમાં પત્ની છે અને બહાર જનપ્રતિનિધિ છે. આ તેમનો વિષય નથી. જોકે, થોડા સમય પછી તેમણે રવિ રાણા અને બચ્ચુ કડુને મતભેદો ભૂલીને તેમના નેતાઓ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર આગળ વધવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે, એક થઈને લોકોના કામ પૂર્ણ કરો.
અમરાવતીના ધારાસભ્ય રવિ રાણા અને પ્રહાર જનશક્તિ પાર્ટીના નેતા બચ્ચુ કડુ વચ્ચેનો ઝઘડો એટલો વધી ગયો હતો કે સીએમ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે તેમને ફોન કરીને સામસામે બેસીને સમાધાન કરાવવું પડ્યું. આ પછી, બંનેમાં બયાનબાજી ફરી એકવાર તેજ થઈ ગઈ હતી. આજે રવિ રાણા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા અને જણાવ્યું હતું કે તેમનો અને બચુ કડુ વચ્ચેનો વિવાદ હવે પૂરો થઇ ગયો છે. બચ્ચુ કડુએ પણ આજે મીડિયાને કહ્યું છે કે રવિ રાણાએ તેમની વિરુદ્ધ જે કંઈ કહ્યું છે, તેઓ હવે તેના પર ભાર મૂકવા માંગતા નથી.
આ મામલે પત્રકારો સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, મને લાગે છે કે આ વિવાદનો અંત આવી ગયો છે. હું બંનેને અપીલ કરું છું કે તેઓ લોકોની સમસ્યાના નિરાકરણના કામમાં સામેલ થાય. બંનેનો સ્વર નરમ પડ્યો છે. હું માનું છું કે હવે બંનેની વચ્ચે કોઇ વિવાદ નથી.

RELATED ARTICLES

Most Popular