વિદેશી હૂંડિયામણની અનામત ૭.૯ અબજ ડૉલરના ગાબડાં સાથે ઑક્ટો. ૨૦૨૦ પછીના તળિયે

વેપાર વાણિજ્ય

મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં થઈ રહેલા ધોવાણને નિયંત્રણમાં રાખવા સમયાંતરે રિઝર્વ બૅન્કની ડૉલરમાં વેચવાલીને કારણે દેશની વિદેશી હૂંડિયામણની અનામતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રિઝર્વ બૅન્કની સાપ્તાહિક આંકડાકીય માહિતી અનુસાર ગત બીજી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ખાસ કરીને વિદેશી ચલણી અસ્ક્યામતોમાં ઘટાડો થવાને કારણે કુલ વિદેશી હૂંડિયામણની અનામત ૭.૯ અબજ ડૉલરના ગાબડાં સાથે નવમી ઑક્ટોબર, ૨૦૨૦ પછીની સૌથી નીચી ૫૫૩.૧૧ અબજ ડૉલરની સપાટીએ રહી છે.
ગત બીજી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ગત ૨૯ ઑગસ્ટના રોજ એક તબક્કે ડૉલર સામે રૂપિયો ઘટીને ૮૦.૧૩ની ઐતિહાસિક નીચી સપાટી સુધી ગબડી ગયો હતો અને ડીલરોના જણાવ્યાનુસાર રિઝર્વ બૅન્કે તે દિવસે ગબડતા રૂપિયાને અટકાવવા એક અબજ કરતાં વધુ ડૉલરનું વેચાણ કર્યું હતું.
આથી સપ્તાહ દરમિયાન કુલ વિદેશી હૂંડિયામણમાં મોટો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો ૬.૫ અબજ ડૉલર ઘટીને ૪૯૨.૧૨ અબજ ડૉલરના સ્તરે રહી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગબડતા રૂપિયાને અટકાવવા માટે રિઝર્વ બૅન્ક સતત ફોરેક્સ માર્કેટમાં ડૉલરનું વેચાણ કરતી હોય છે. માત્ર ઑગસ્ટ મહિનામાં જ વિદેશી હૂંડિયામણની અનામત જે ૫૭૩.૯ અબજ ડૉલર હતી તે ઘટીને ૫૭૩.૯ અબજ ડૉલરના સ્તરે રહી હતી.
નોંધનીય બાબત એ છે કે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં ડૉલર ઉપરાંત અન્ય મુખ્ય ચલણો જેમ કે યુરો, પાઉન્ડ અને યેન સામે રૂપિયામાં થતી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. વધુમાં ગત ૨૫ ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહે વિદેશી હૂંડિયામણની અનામત ૬૩૧.૫૩ અબજ ડૉલરની ઊંચી સપાટીએ હતી અને રૂપિયામાં સ્થિરતા લાવવા માટે અનામતમાં ઊંચા મથાળેથી અંદાજે ૮૦ અબજ ડૉલર જેટલો ઘટાડો થઈ ગયો છે.
વધુમાં સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની સોનાની અનામત ૧.૩૩૯ અબજ ડૉલર ઘટીને ૩૮.૩૦૩ અબજ ડૉલર, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ પાંચ કરોડ ડૉલર ઘટીને ૧૭.૭૮૨ અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત ૨.૪ કરોડ ડૉલર ઘટીને ૪.૯૦૨ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.