વિદેશી હૂંડિયામણની અનામત વધુ ૨.૨૩ અબજ ડૉલર ઘટી

વેપાર વાણિજ્ય

મુંબઈ: ગત તા. નવમી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહે ખાસ કરીને દેશની વિદેશી ચલણી અસ્ક્યામતોમાં ઘટાડો થવાને કારણે કુલ વિદેશી હૂંડિયામણની અનામત ૨.૨૩૪ અબજ ડૉલર ઘટીને ૫૫૦.૮૭૧ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ એક સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે અનામત ૭.૯૪૧ અબજ ડૉલરના ઘટાડા સાથે ૫૫૩.૧૦૫ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. રિઝર્વ બૅન્કે યાદીમાં જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના સપ્તાહમાં ખાસ કરીને કુલ વિદેશી હૂંડિયામણની અનામતમાં બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતોમાં ૨.૫૧૯ અબજ ડૉલરનો ઘટાડો થવાથી નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. એકંદરે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં ડૉલર ઉપરાંત યુરો, યેન અને પાઉન્ડ જેવાં ચલણો સામે રૂપિયામાં થતી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં
આવે છે.
વધુમાં સપ્તાહ દરમિયાન વિદેશી ચલણી અસ્ક્યામતો ઉપરાંત ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ પણ ૬.૩ કરોડ ડૉલર ઘટીને ૧૭.૭૧૯ અબજ ડૉલરના સ્તરે રહ્યા હતા. આ સિવાય સોનાની અનામત ૩૪ કરોડ ડૉલર વધીને ૩૮.૬૪૪ અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત ૮૦ લાખ ડૉલર વધીને ૪.૯૧ અબજ ડૉલરના સ્તરે રહી હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.