Homeદેશ વિદેશબળજબરીથી ધર્માંતરણ રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ: સુપ્રીમ

બળજબરીથી ધર્માંતરણ રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ: સુપ્રીમ

નવી દિલ્હી: બળજબરીથી ધર્માંતરણ રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમરૂપ હોવાનું અને તેનાથી વ્યક્તિનું ધાર્મિક સ્વાતંત્ર્ય હણાતું હોવાનું સર્વોચ્ચ અદાલતે સોમવારે જણાવ્યું હતું. અદાલતે આ ‘ગંભીર બાબત’માં હસ્તક્ષેપ કરીને તેનો ઉકેલ લાવવા કેન્દ્ર સરકારને જણાવ્યું હતું.
છેતરપિંડી, હેરાનગતિ, ધમકી તથા પૈસા અને ભેટસગાદોની લોભ-લાલચ આપીને ધર્માંતરણની પ્રવૃત્તિ પર નિયંત્રણ માટે કડક પગલાં લેવાનો કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશ આપવાની માગણી સાથે ઍડ્વોકેટ અશ્ર્વિનીકુમાર ઉપાધ્યાયે કરેલી અરજીની સુનાવણીમાં અદાલતે ઉપરોક્ત સૂચના આપી હતી.
જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ હિમા કોહલીની બૅન્ચે નોંધ્યું હતું કે છેતરપિંડી દ્વારા, લાલચ આપીને તથા હેરાન કરીને ધર્માંતરણની પ્રવૃત્તિ રોકવામાં નહીં આવે તો ‘ઘણી મુશ્કેલ સ્થિતિ’ સર્જાશે. કથિત ધર્માંતરણ જો ખરેખર આ રીતે કરવામાં આવતાં હોય તો એ ગંભીર વિષય છે. ધર્માંતરણ દ્વારા ધાર્મિક સ્વાતંત્ર્યનો ભંગ થાય છે. તેથી કેન્દ્ર સરકાર તથા અન્યોએ આ બાબતે સેન્ટ્રલ એજન્સીઝ તથા અન્યો શા પગલાં લઈ શકે તેનો જવાબ આપીને વલણ સ્પષ્ટ કરવું જોઇએ. અદાલતે આ બાબતે જવાબ નોંધાવવા કેન્દ્ર સરકારને ૨૨ નવેમ્બર સુધી સમય આપતાં સુનાવણીની આગામી તારીખ ૨૮ નવેમ્બર નિર્ધારિત કરી હતી. અગાઉ ૨૩ સપ્ટેમ્બરે આ અરજીની સુનાવણીમાં અદાલતે કેન્દ્ર સરકાર તથા અન્યોના જવાબોની માગણી કરી હતી.
બૅન્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતાને જણાવ્યું હતું કે આ ગંભીર વિષય છે. બળજબરીથી ધર્માંતરણ રોકવા નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરવા જરૂરી છે. જો કોઈ પગલાં નહીં લેવાય તો વિકટ સ્થિતિ ઊભી થઈ શકે છે. આ બાબતમાં કેન્દ્ર સરકાર શા પગલાં લેવા ઇચ્છે છે, તેની વિગતો અને સરકારના વલણની સ્પષ્ટતા સોલિસિટર જનરલે આપવાની રહેશે.
તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ વિષય બંધારણસભામાં ચર્ચાઈ ચૂક્યો છે. આદિવાસી વિસ્તારોમાં બળજબરીથી ધર્માંતરણ જોરશોરથી ચાલે છે. ઘણી વાર આ પ્રવૃત્તિનો ભોગ બનતા લોકોને ખ્યાલ પણ નથી હોતો કે તેઓ અપરાધી પ્રવૃત્તિનો હિસ્સો બની રહ્યા છે. ધર્માંતરણ કરાવનારાઓ તેમને કહેતા રહે છે કે તેમને સહાય કરાઈ રહી છે. (એજન્સી)

RELATED ARTICLES

Most Popular