Homeવીકએન્ડકચ્છનાં લોકસંગીત અને વાદ્યો ભાગ-૩

કચ્છનાં લોકસંગીત અને વાદ્યો ભાગ-૩

કેફિયત-એ-કચ્છ -રાજેશ માહેશ્ર્વરી

આપણે લોકસંગીત અને વાદ્યોના અગાઉના ૨ ભાગમાં જોઈ ગયા કે કચ્છ એ અદ્વિતીય કલા, સંસ્કૃતિ, ભાષા, ખાનપાન અને સંગીત વાદ્યો વિશેષતા ધરાવે છે અને કચ્છની કલા, સંસ્કૃતિ અને સંગીતનો વારસો અદ્ભુત છે, જેની જાળવણી અને તે અકબંધ રહે તે માટેની જવાબદારી આપણી સૌની છે. કારીગરો અને સંગીતકારોને પ્રોત્સાહન નહીં મળે તો આ કલા, સંસ્કૃતિ અને સંગીત કાળક્રમે લુપ્ત થશે અને તેની ખોટ આપણે ભરપાઈ કરી શકીશું નહીં. માટે આ લેખથી સરકાર, સંસ્થા અને દાતાઓને અપીલ કરું છું કે આ સંગીત, કલા, સંસ્કૃતિને બચાવવા સૌએ આગળ ધપવું પડશે અને તન, મન, ધનથી આ કાજે સક્રિય થવું પડશે.
આપણે આજે ત્રીજા ભાગમાં અન્ય વાદ્યો વિશે જાણીશું.
સુંદરી
સુંદરી સુષિર લોકવાદ્ય છે. દેખાવમાં શરણાઈ જેવું હોય છે, પણ એનાથી અલગ પડતું સુંદરી અંદાજે ૧૦થી ૧૨ ઈંચની લંબાઈ ધરાવે છે. તેની જાડાઈ વાંસળી (ફ્લુઈટ) જેમ એકસરખી હોય છે. સીસમના કાષ્ટમાંથી સંઘાડા પર તૈયાર કરવામાં આવે છે, જેમાં સાતથી નવ છિદ્રો રાખવામાં આવે છે. શરણાઈની જેમ વગાડવા માટે તાડની નાની રીડનો ઉપયોગ કરવામાં આવે છે. સુંદરીનો અવાજ શરણાઈથી અલગ હોય છે. કચ્છના લંધા કોમનું આ પારિવારિક લોકવાદ્ય હોવાનું પુસ્તકોમાં નોંધાયું છે.
સુંદરી હંમેશા મધ્યમ અને વધારે ઝડપથી વગાડવામાં આવે છે. જેવા આલાપ, ગમકા, માઈન્ડ વગેરે સૂરો રેલાય છે.
સુંદરનીની લંબાઈ ટૂંકી હોવાને લીધે સોહીણી, અદાના વગેરે જેવા રાગો શક્ય નથી.
સુમરા સુલેમાન જુમા જે મુંદ્રા કચ્છના આ લોકવાદ્યના ખૂબ જ ચુનંદા કલાકાર છે. આ કલાકાર શરણાઈના પણ સારા કલાકાર રહ્યા છે.
સુંદરીનો નોબત, નગારા અને તબલા સાથે તાલમાર સારો બેસે છે. એટલે સુંદરીને હંમેશાં આ વાદ્યો પૈકી એક સાથે વગાડવામાં આવે છે.
આ સુમરા સુલેમાન જુમા ને સુંદરી વગાડતા સાંભળવાનો લહાવો છે. તે કચ્છી રાગ, જોગી, મારાઈ, સુની, અસ્વરી, વાઘેશ્ર્વરી, ભીમપલાસ, માલકોષ, નાટકેદાર અને સરાંગદેશ વગેરે જેવા રાગો સાંભળીને મન તૃપ્ત થાય છે.
બીજા સુંદરીના લોકકલાકાર રમજુ બુધા લંધા છે. તેમણે ૧૮ વર્ષની ઉંમરે આ સંગીત વાદ્યોની શિક્ષા પોતાના પિતાશ્રી પાસેથી મેળવેલ છે. તે દરબારગઢમાં સુંદરી, શરણાઈ તહેવાર કે પ્રસંગોપાત વગાડતા. રમજુભાઈને આ વાદ્યો શિખવવામાં પણ ખૂબ જ ઉત્સુક હતાં અને તેમણે બીજા કલાકારો પણ તાલીમ આપીને તૈયાર કર્યા છે.
આવા કલાકારોને પ્રોત્સાહન આપવું જરૂરી છે.
કાની
કચ્છી બોલીમાં ‘કાની’ શબ્દનો અર્થ લાકડાંની પાતળી કે ઝીણી સળી થાય છે. પણ આ લોકવાદ્યની વાત કરીએ તો આ કાની વાંસ જેવી અને એના જેટલી લંબાઈમાં ઉગતી વનસ્પતિ ‘નડ’માંથી બનાવવામાં આવે છે. કાચા નડમાં સાત પોલા ભાગ અને છ ગાંઠ હોવી જોઈએ, કાનીની ચોથી અને પાંચમી ગાંઠની બંને બાજુએ કુલ ચાર છિદ્રો કરવામાં આવે છે. કાની (નાર)ની લંબાઈ બેથી ત્રણ ફૂટ હોય છે. તેના
ઉપરના છેડાને હોઠ પર ત્રાંસી રીતે ગોઠવીને વાંસળીની જેમ વગાડી શકાય છે.
કાની (નાર)/નાડ કચ્છની સાથે સાથે સિંધ, બલોચિસ્તાન અને ઈરાનમાં પણ તેની ઉપલબ્ધી છે અને તેના લોકકલાકારો પણ છે.
બલોચિસ્તાનના મકરાણા પ્રદેશમાં આ વાદ્યને બનાવવા માટેના વૃક્ષો (કાષ્ટ) કેચ નદીના તટ પર ખૂબ જ જોવા મળે છે. માટે ત્યાં ઉત્તમ પ્રકારનું કાષ્ટ મળતું હોવાથી આ નાર (કાની) ત્યાં ખૂબ જ પ્રખ્યાત છે અને તે પ્રચલિત પણ છે.
પરંપરાગત રીતે નાર (કાની)ના સૂરો પ્રેમ, દુ:ખ અને વિરહની વેદનાના પ્રસંગે જોડાયેલા છે અથવા વગાડવામાં આવે છે. એવી લોકવાયકા છે કે સિંધમાં યુસુફ અને ઝુલેખાના પ્રેમમાં હતો અને તેને પામવા માટે યુસુફ આ નાર (કાની) વગાડતો અને તેના વિરહ અને પ્રેમના સૂરો લોકોના હૃદયને સ્પર્શતા હતા.
આ ઉપરાંત અનેક કચ્છ, સિંધમાં અને બલોચિસ્તાનમાં આ વાદ્ય અને તેના કલાકારને લગતી દંતકથાઓ પ્રચલિત છે.
આમ આ વાદ્ય વેદના, સંવેદના અને પ્રેમને પ્રદર્શિત કરવા માટેનું આદર્શ વાદ્ય રહ્યું છે.
આ ઉપરાંત નોબત, ઘડો, ઢોલ, ડમરુ, મંજીરા, એકતારો અને રાવણ હથ્થો જેવા કચ્છમાં લોકવાદ્યો પ્રચલિત છે.
નોબત
આ વાદ્ય નવરાત્રીમાં અને મંદિરમાં આરતીના સમયે વગાડવામાં આવે છે. નર અને માદા એમ બે અંગને લાકડાની ધૂણીમાં ગરમ કરવામાં આવતા આ સાજ સુરીલું લાગે છે. આ સાંભળનાર ખૈલાયાઓ તાલમાં મંત્રમુગ્ધ થઈને રાસ-ગરબામાં ઓતપ્રોત થઈ જાય છે.
ઘડો:- ઘડો કે ગાગર મધ્યમ માપનો ઘડાને ઊંધો મૂકીને કલાકાર બે હાથથી આંગળીઓથી તેમ હાથમાં સિક્કો રાખીને તેના પર વગાડવામાં આવે છે.
ઢોલ:- ઢોલ કે ઢોલક એ પરંપરાગત રીતે કાષ્ટનું બનેલું અને પોલું વાદ્ય છે અને બન્ને બાજુ ચામડું લગાડીને તેને ઉપયોગમાં લેવાય છે. ઢોલ એ લંધા જ્ઞાતિના લોકોનું મુખ્ય વાદ્ય છે. તે હાથ વડે કે સોટી વડે પણ વગાડી શકાય છે.
લગ્ન કે ખુશીના પ્રસંગોમાં ઢોલ કચ્છમાં ખૂબ જ પ્રચલિત વાદ્ય છે.
ડમરું:- તે હાથમાં પકડી શકાય છે અને ઢોલથી નાના માપનું હોય છે. તેની બંને છેડે ચામડાથી બાંધીને બેદોરીના છેડે ધાતુના પ્લગ સાઈઝના બે બાજુએ લગાડીને હાથને મુક્ત રીતે ફરાવવાથી આ ડમરુંમાંથી સૂર નીકળે છે તે શંકર ભગવાનનું વાદ્ય છે. તેનો ઉપયોગ મંદિરમાં આરતી કે ભજન વખતે થાય છે.
આ ઉપરાંત મંજીરા:- પિત્તળના બે રકાબી આકારની નાની સાઈઝના હોય છે. દોરીથી વચ્ચે બાંધીને તેને હાથને મુક્ત રીતે ચલાવવાથી મંજીરામાંથી સુરીલો ધ્વનિ ઉત્પન્ન થાય છે.
આ ઉપરાંત નાનાં-મોટાં અનેક વાદ્યો કચ્છના સંગીતને સુરીલું બનાવે છે અને કચ્છી સંગીત વાદ્યોના કલાકારો પોતાના સૂરો રેલાવતા રહે છે.
(સંપૂર્ણ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular