Homeવીકએન્ડકચ્છનાં લોકસંગીત અને વાદ્યો

કચ્છનાં લોકસંગીત અને વાદ્યો

કેફિયત-એ-કચ્છ -રાજેશ માહેશ્ર્વરી

કચ્છ હંમેશા કલા, સાહિત્ય, સંસ્કૃતિ અને લોકસંગીતમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. અહીં વસતા વિવિધ જ્ઞાતિ અને સમાજના લોકો પોતાની આગવી લાક્ષણિકતા અને કલાની પરંપરા જાળવી અને જતન કરે છે.
કચ્છી લોક સંગીતકારો દ્વારા યોજાતી ‘રૈયાણ’માં લોક સંગીતના વાદ્યો દ્વારા વગાડવામાં આવતા અને તેના મધુર સૂરોને માણવાની મજા જ કંઈ
ઓર છે.
કચ્છની સંસ્કૃતિ, ભાષા અને લોકજીવનશૈલી પણ એક આગવી છાપ ઢોડે છે. તે ખૂબ જ પ્રાચીન કાળથી વિદ્યમાન છે. કચ્છી સંગીતના વાદ્યોમાં સુરંદો, ભોરીંદો, જોડીયા પાવા, મોરચંગ, કાની, મંજીરા, ઢોલક, નાગફેણી, ડફ, ઘડો/ગાગર વગેરેનો સમાવેશ થાય છે.
આપણે આ વખતે સુરંદો અને જોડીયા પાવા વિશે વિશેષ ચર્ચા કરીશું
સુરંદો: સુરંદો પરંપરાગત રીતે જોઈએ તો ફકીરાણી જત દ્વારા આ વાદ્યનો પ્રયોગ કરવામાં આવે છે. સુરંદો શ્રુતિ માધુર્યમાં ખૂબ જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. અને તે વગાડવામાં પ્રમાણમાં થોડું જટિલ ગણી શકાય. તેમાં પ્રવિણતા કેળવવામાં ખૂબ જ રિયાઝની જરૂર પડે છે.
દાયકાઓ – સદીઓથી આ સુરંદો તેના સુરીલા ધ્વની માટે જાણીતું છે. તેની રચનામાં મોરના આકારનું કાષ્ટનું બનેલું સાજ હોય છે. અને તેના પર તાર હોય છે. તેને વગાડવા માટે કમાન જેવું ગાજ કે ગાઝી એવું તળપદી ભાષામાં કહેવામાં આવે છે.
આ વાદ્ય વાયોલીન જેવું તાર વાદ્ય છે. આ સાજ, સાગના કાષ્ટમાંથી બનાવવામાં આવે છે અને તેને ‘મોર’ પંખી જેવો આકાર આપવામાં આવે છે. તેના સુશોભનમાં પિત્તળની ટોપલીવાળી ખીલીઓ લગાડવામાં આવે છે. મરકયુરી અને ઝિંકમાંથી બનેલા વિવિધ રંગોથી સજાવવામાં આવે છે. કમાન આકારના ગાજ કે ગાઝી પર પહેલાં અશ્ર્વની પૂંછડીના વાળ કે બાકરના આંતરડાને સૂકવી તેમાંથી તાર બનાવીને લગાડવામાં આવતાં પરંતુ હવે ધાતુના તાર જ લગાડવામાં આવે છે.
સાજ પર ૬ તાર હોય છે. તેમાં પાંચ સ્ટીલના અને એક તાંબાની ધાતુનો હોય છે. આ વાદ્યના દરેક તારના અલગ અને વિશિષ્ટ નામો છે. જેમ કે જબાન, અગોર, ટીપ, જારા, ઢીમ વગેરે છે.
સુરંદાનો ફારસી ભાષામા અર્થ ‘સૂર’ રેલાવનાર એવો થાય છે. કે સૂર આપનાર
થાય છે.
કમાન (ગાજ-ગાઝી)ના તારને સાજ (સુરંદા)ના તારોથી ઘર્ષણ કરવામાં આવે છે. ત્યારે તેમાંથી મધુર ધ્વનિ ઉત્પન્ન થાય છે. જમણા હાથથી આ કમાનનો ઉપયોગ કરીને ડાબા હાથથી સાજના તારોને છેડવામાં આવે છે. ત્યારેે તેમાંથી યોગ્ય આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન થાય છે. જે સારેગમ…ની ધ્વનિ હોય છે.
ભગવદ્ ગો મંડળ જે ગુજરાતી એન. સાઇકલોપિડીયા છે. તેને સારંગી અને વાયોલિનથી અલગ સ્થાન આપવામાં આવ્યું છે.
સૂફી કવિ શાહ અબ્દુલ લતીફ ભિટાઇની રચનાઓમાં માલધારી, જત કોમના કલાકારો બંદગી અને સંગીતના કાર્યક્રમ (રૈયાણ)માં વગાડતા હોય છે.
આ સુરંદાને ટપાલ ટિકિટમાં પણ સ્થાન મળ્યું છે.
સુરંદો સિંધ (પાકિસ્તાન) રાજસ્થાનમાં અને કચ્છમાં પ્રચલિત વાદ્ય છે.
સુરંદો સિંધી સંગીતજ્ઞો, જત, ચારણે તેમ જ મંગણીપાર, મંગતા દ્વારા વગાડવામાં આવે છે. આ સંગીત વાદ્યના કદરદાન શેઠ-શાહુકારો અને જમીનદારો આ કલાકારો બોલાવી અને તેમની ખિદમતમાં નિયમિત વગડાવતાં અને કલાકારોને આજીવિકા ઉપાર્જીત કરવામાં મદદ કરતાં.
આ વાદ્યને વણઝારા-ખાના બદોસ કલાકારો પણ વગાડતાં અને એક ગામથી બીજા ગામ જતાં અને તેમને આજીવિકા રળવામાં મદદરૂપ થતાં.
આમ કચ્છમાં આજે પણ જત કલાકારોઆ વાદ્યનો પ્રયોગ કરીને સૂરસંગીત રેલાવે છે.
જોડીયા પાવા: જોડીયા પાવા કચ્છના સમૃદ્ધ સંગીત વારસાનું પ્રતીકછે. તે ખૂબ જ સુરીલું વાદ્ય છે. તે એક બાસુરી જેવું વાદ્ય છે, પરંતુ તે તેનાથી તદ્ન ભિન્ન છે.
વાંસળીની બે જોડમાંથી બનતા આ વાદ્યમાં સીસમ, ટાલી, સોપારી, કેળ વગેરેના ક્રાફટમાંથી બનાવવામાં આવે છે.
તેની લંબાઇ ૨૦થી ૪૦ ઇંચ હોય છે. જેમાં એક નર અને માદા હોય છે. નર પાવામાં સામાન્યતા સાતથી આઠ છિદ્રો અને માદામાં ૯થી ૧૩ છિદ્રો હોય છે. બન્ને એકી સાથે વગાડવામાં આવતા આ વાદ્ય ખૂબ જ મહેનત માગી લે છે. તે બાંસુરીની જેમ હોય છે, પરંતુ તેમાંથી અલગ પડે છે. ઉપરના ૬ છિદ્રો જ સામાન્ય રીતે સૂર રેલાવવામાં ઉપયોગી થાય છે. જ્યારે નીચેના ૬ છિદ્રો બિનઉપયોગી ખુલ્લાં રહે છે.
જોડીયા પાવા તેને અલગોજા તરીકે પણ સામાન્ય રીતે ઓળખાય છે. આ એક હવા ફૂંકવાથી વાગતું વાદ્ય છે. તે મોટા ભાગે ભરવાડ-માલધારીઓ દ્વારા વગાડવામાં આવે છે.
અને રણ પ્રદેશના માલધારીઓ જ્યારે તેમના ઢોર-ઢાંખર કે ગાડર સીમમાં ચરતા હોય ત્યારે આ માલધારીઓ નિરાંતના સમયે વૃક્ષના છાંયડામાં બેસી જોડીયા પાવાથી સૂર ફેલાવે છે. અને વાતાવરણને સંગીતમય બનાવે છે. જોડીયા પાવા એ લોકનૃત્ય અને લોકગીતમાં સહાયક રહે છે. તે સાદા વાંસમાં છિદ્રો પાડીને બનાવવામાં આવે છે. નિરંતર ધ્વનિ ઉપરના છિદ્રોનો ઉપયોગ કરવાથી
નીકળે છે અને વગાડનારે મોઢામાં હવા ભરીને સતત ફૂંક મારવાથી જોડીયા-પાવામાંથી સૂરો નિકળે છે. વગાડનાર નાસિકામાંથી શ્ર્વાસરૂપે હવા લે છે. અને તે મોઢા દ્વારા સતત ફૂંકીને આંગળીઓ છિદ્રો પર રાખીને અને ખૂબ જ સુરીલું ધ્વનિ સંગીત ઉત્પન્ન થાય છે.
મુસા ગુલામ જત એ આના ખૂબ જ અદના કલાકાર છે અને તેની નામના ખૂબ જ છે. એક સાથે જોડીયા પાવાને વગાડવા માટે ફેફસામાં તાકાતની જરૂર પડે છે.
જોડીયા પાવામાંથી નીકળતા સૂર ઊંચા હોય છે અને ખૂબ સુરીલા હોય છે.
જોડીયા પાવાને મજબૂતી બક્ષવા માટે તેના પર તાંબાના તાર વિંટાળવામાં આવે છે. ઘણીવાર તેલનો ઉપયોગ થાય છે.
સુરીલું સંગીત મેળવવા માટે જોડીયા પાવા એ સૂફી સંતનું અનમોલ વાદ્ય છે. સૂફી સંત અબ્દુલ લતીફ ભીટાઇનું અનમોલ વાદ્ય છે અને માનીતું વાદ્ય હતું. તે સિંધના ખ્યાતનામ સૂફી સંત હતા.
જોડીયા પાવા સિંધ, રાજસ્થાન અને કચ્છનું ખૂબ જ માલધારીઓમાં લોકપ્રિય વાદ્ય છે.
આના પછીના સપ્તાહમાં અન્ય કચ્છના લોકસંગીતા વાદ્યોની ચર્ચા કરીશું. (ક્રમશ).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular