કેફિયત-એ-કચ્છ -રાજેશ માહેશ્ર્વરી
કચ્છના લોક સંગીત અને વાદ્યોના ગયા પ્રકરણમાં આપણે સુરંદો અને જોડિયા પાવા વિશે જાણ્યું. કચ્છ તેની લોક સંસ્કૃતિ, સાહિત્ય, બોલી, ખાન-પાન અને તેના ઉત્સવો માટે અલગ ઓળખ ધરાવે છે. જે છેલ્લાં કેટલાંય વર્ષોથી દુનિયા એ જોયું છે.
આ જ પ્રકરણમાં આપણે સંગીતનાં વાદ્યો ભોરિંદો અને મોરચંગ વિશે ચર્ચા કરીશું.
ભોરિંદો: ભોરિંદો એક માટીનું બનેલું દડા જેવું કે ઇંડા આકારનું અને મુઠ્ઠીમાં સમાય એટલાં માપનું વાદ્ય છે. તે કચ્છમાં અને સિંધમાં પણ ચલનમાં છે. કચ્છમાં તેને ભોરિંદો કહે છે. સિંધમાં બોરેન્દો કે બોરીન્દો તરીકે ઓળખવામાં આવે છે.
ભોરિંદો પોલો (પોકળ) માટી જે કાંપવાળી માટી હોય તેને કુંભાર આકાર આપે છે. અને તેમાં ત્રણ-ચાર છિદ્રો કરે છે. આ છિદ્રોમાં એક મોટું છિદ્ર હોય છે અને અન્ય ત્રણ છિદ્રો સમદ્વિ બાજુ ત્રિકોણના આકારે કરવામાં આવે છે. અંગ્રેજીમાં આ વાદ્યને ઓચીરીના ઓકારીના (Ocarina) તરીકે ઓળખાય છે.
આને વગાડવાની રીતે મુઠ્ઠીમાં આ ભોરિંદાને પકડીને મોટા છિદ્રમાંથી બે હોઠની વચ્ચે રાખીને ફૂંક મારવામાં આવે છે. અને અન્ય છિદ્રો પર આંગળીઓને અંગૂઠા વડે તેને નિયંત્રણ કરવામાં આવે છે અને ધાર્યા સૂરો રેલાવી શકાય છે.
આ એકલું વાદ્ય કે અન્ય વાદ્ય સાથે પણ વગાડી શકાય છે.
કચ્છમાં શ્રી મુસા ગુલામ જત, શ્રી મુહમદ અલી ફયાલ નોડે, શ્રી ઓસમાણ ગની કુંભાર મોટા કલાકાર તરીકે વખણાય છે.
આ ભોરિંદો મૂળ માલધારી કે ગોવાળો પોતાના ગાયો-ભેંસોના ધણને જંગલમાં ચરાવવા લઇ જતાં અને ફુરસદની પળોમાં સાથે બેસી માલધારીઓ આ વાદ્યથી સૂરો રેલાવીને સીમાડાને સંગીતમય બનાવતા તે નજારો અદ્ભુત ભાસતો.
મોરચંગ: મોરચંગ એ દેખાવમાં સાદું, પરંતુ વગાડવામાં જટીલ એવું ધાતુનું બનેલ વાદ્ય છે.
મોરચંગ લોહ ધાતુ કે પિતળમાંથી બનાવવામાં આવે છે. તે ૧૦-૧૫ સેમી લાંબું મોરપીંછના વચ્ચેના આકારનું હોય છે. તે તંતુ વાદ્યનો માલધારી જત લોકો વન-વગડામાં સૂર રેલાવતા હોય છે.
આ વાદ્ય ચીપિયા આકારનું હોય છે. કચ્છમાં આ સાજ લોહ ધાતુમાંથી બને છે. તેના ગોળાકાર ભાગમાં સ્ટીલની ઝણી પટ્ટી બેસાડવામાં આવે છે. પટ્ટીનો બીજો છેડો ખુલ્લો રાખી બહાર કાઢવામાં આવે છે. ચીપિયા જેવા ભાગને દાંત વચ્ચે એક પકડ તરીકે યોગ્ય રીતે ગોઠવવામાં આવે છે. અને સ્ટીલ પટ્ટીના ખુલ્લા ભાગને એક આંગળીથી હળવો ધક્કો આપતા અવાજ ઉત્પન્ન થાય છે. જે કર્ણપ્રિય હોય છે.
આ મોરચંગ વગાડવા માટે દાંત, જીભ, બે હોઠ અને બંને હાથનો ઉપયોગ ખૂબ જ કૌશલથી કરવામાં આવે છે. અને દરેક અવયવને પોતાનું મહત્ત્વ છે. ક્યારે જીભનો ઉપયોગ કયારે હોઠનો ઉપયોગ અને ક્યારે હાથ વડે પટ્ટીને હળવો ધક્કો મારવો તે ખૂબ જ મહાવરો માગી લે છે અને મહેનતનું કાર્ય છે. અને તેના કલાકારોમાં એક અલગ સૂઝ હોય છે. ઘણી વખતે જીભ અને હોઠ પર ચાંદા પણ પડી જાય છે, પરંતુ આ મોરચંગ વગાડનાર ખરેખર ધન્ય ને પાત્ર છે. આ બધાં અવયવોનો તાલ-માલ જ સારા સંગીતનું નિર્માણ કરે છે અને તે કર્ણપ્રિય હોય છે.
આ મોરચંગના કલાકારો કચ્છમાં શ્રી મુસા ગુલામ જત, શ્રી સામત સાજણ પઠાણ વગેરે છે.
કચ્છની અમુક સંસ્થાઓ આ લોકસંગીત અને વાદ્યોના કલાકારોનું હિત સાચવે છે, પરંતુ હું આ મંચ પરથી એટલું ચોક્કસ કહીશ કે જો આ કલાકારોને પ્રોત્સાહન નહીં આપવામાં આવે તો આ વાદ્યો અને તેને વગાડનારા અને સંગીત કલા લુપ્ત થઇ જશે અને તે કચ્છના લોક સંગીતમાં ખૂબ જ મોટી હાનિ થશે. માટે સરકાર અને એવી સંસ્થાઓએ આગળ આવવું જોઇએ. નહીંતર આ કળા અને વાદ્યો લુપ્ત થઇ જશે અને કચ્છની ઓળખ ભૂંસાઇ જશે.
હજુ આપણે ત્રીજા પ્રકરણમાં કચ્છ સંગીતનાં વાદ્યો જાણીએ. (ક્રમશ:)