ફોકસ – મુકેશ પંડ્યા
સામાન્ય રીતે આપણે વાણીનાં ત્રણ રૂપનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ અને તેનાથી સુપરિચિત પણ છીએ. જેમ કે બીજાને સંભળાય તેવી રીતે બોલીએ તેને વૈખરી વાણી કહેવાય. હોઠ અને જીભ હલાવી માત્ર આપણે જ સાંભળી શકીએ તેને ઉપાંશુ વાણી કહેવાય અને હોઠ કે જીભ હલાવ્યાં સિવાય બોલીએ તેને માનસિક વાણી કહેવાય.
એટલે કે વિચારો કરીએ કે પછી પોતાની સાથે સંવાદ કરીએ તે. આમ મોટેથી બોલીએ તે સ્થૂળ વાણી ગણાય અને વિચાર એ વાણીનું સૂક્ષ્મરૂપ ગણાય.
બાહ્ય જગતમાં વાણીને બીજી વ્યક્તિ સુધી પહોંચાડવા વૈખરી વાણી બોલીએ છીએ. થોડે દૂરની વ્યક્તિ સુધી પહોંચાડવા વધુ જોરથી બોલીએ છીએ અને વધુ દૂરની વ્યક્તિને માઇક દ્વારા વાણી પહોંચાડીએ છીએ.
એથી પણ દૂરદૂરના સ્થળે વાણી પહોંચાડવા રેડિયો, ટેલિફોન, ટીવી, મોબાઇલ જેવાં યંત્રોનો ઉપયોગ કરીએ છીએ. આ જ રીતે આંતરજગતમાં ઇશ્ર્વર સાથે સંબંંધ બાંધવા સૂક્ષ્મ વાણીનો ઉપયોગ કરવો પડે છે.
પ્રત્યાહારમાં આપણે જોયું કે દરેક ઇન્દ્રિયોને બાહ્યજગત તરફથી વિમુક્ત કરી આંતરજગત તરફ વાળવામાં આવે છે. આ જ રીતે વાણીને પણ આંતરજગત તરફ વાળવામાં આવે છે. આમાં મૌનનો અભ્યાસ મહત્ત્વનો ભાગ ભજવે છે. કારણકે મૌન દ્વારા જ વૈખરી વાણીને માનસિક વાણીમાં પરિવર્તિત કરી શકાય છે. જેથી વાણીનો પ્રવાહ આંતરજગત તરફ વહેવા લાગે છે. આમ વાણીનું આ સૂક્ષ્મરૂપ આંતરજગત સાથે સંબંધ બાંધી આપે છે. સાધકનો જ્યારે પ્રત્યાહારનો અભ્યાસ પરિપકવ થાય ત્યારે તે ધારણાના સ્ટેજ પર પહોંચે છે. ધારણામાં વાણીનું સ્વરૂપ વધુ સૂક્ષ્મ બનેલું હોય છે.
જેને મધ્યમાં વાણી કહેવાય છે. જે રીતે ગળામાંથી બોલાતી વૈખરી, ઉપાંશુ
અને માનસિક વાણીનું ઉદ્ભવસ્થાન
આ ભાગમાં આવેલું વિશુદ્ધચક્ર છે. એ જ રીતે મધ્યમાં વાણીનું ઉદ્ભવસ્થાન હૃદયના ભાગમાં આવેલ અનાહતચક્ર છે.
ઘણાં સંતો કહેતા હોય છે કે ખરા હૃદયથી કરેલી પ્રાર્થના જરૂર ફળે છે. તે કદી નિષ્ફળ જતી નથી. આનો અર્થ પણ એ જ થાય છે કે જ્યારે પૂર્ણ તન્મયતા સાથે અંતરના ઊંડાણોથી જે વાણી નીકળે છે તે હૃદયમાંથી આવે છે એટલે કે મધ્યમા સ્વરૂપ વાણી હોય છે. જે આંતરજગતની દેવસૃષ્ટિ સુધી પહોંચે છે અને આ દેવશક્તિ તમારી ઇચ્છા પૂર્ણ કરવામાં સાથ આપે છે. જયારે સાધકની ધારણાનો અભ્યાસ પરિપકવ બને છે ત્યારે તે ધ્યાનના સ્ટેજ પર પહોંચે છે. ધ્યાનમાં વાણીનું સ્વરૂપ હવે પહેલાં કરતાં પણ વધુ સૂક્ષ્મ બને છે તેને પ્રાયશ્ર્ચિત્ત વાણી કહેવાય છે. આ વાણીનું ઉદ્ભવસ્થાન નાભિના ભાગમાં આવેલું મણીપુરચક્ર છે. વૈખરી, ઉપાંશુ, માનસિક, મધ્યમા વાણીમાં ક્રમશ: દેવની કૃપા પણ વધતી જાય છે. આ જ રીતે જયારે પશ્યાંતિ વાણીમાં મંત્ર જપાય ત્યાર મંત્રદેવની પૂર્ણ કૃપા સાધક પર થાય છે.
ઉપર્યુક્ત બાબતમાં વિજ્ઞાન કેવી રીતે કાર્ય કરે છે તે હવે આપણે જોઇએ. કોઇ વ્યક્તિ હાથમાં વજનદાર બેગ લઇને ચાલતી હોય તો તેની ગતિ ઓછી થઇ જાય તે સ્વાભાવિક છે. હવે તે બેગ મૂકીને માત્ર બ્રિફકેસ પકડે તો તેની ગતિમાં વધારો થઇ શકે અને એથી આગળ વધીને તેના હાથમાં કોઇ સામાન જ ન હોય તો તે વધુ ઝડપી અને સ્વસ્થતાથી પ્રવાસ કરી શકે છે. બસ આ જ રીતે તમે બોલો છો ત્યારે અવાજનું વજન તમારા વિચારોને વેંઢારવું પડે છે. આંતરજગતમાં પહોંચવા તમે શબ્દોનો પ્રયોગ ઓછો કરો તેમ વિચારોની ગતિ વધે. કોઇ અન્ય વ્યક્તિ સાથે વાતો કરવા શબ્દોની જરૂર પડે, પણ પોતાના મન સાથે વાતો કરવી તેનું નામ જ મૌન.
આપણાં શાસ્ત્રોમાં મૌનને પણ એક વ્રત તરીકે જોવામાં આવે છે. ઘણા સાધુસંતો અમુક સમયે મૌન પાળતા હોય છે. ગાંધીજી નિયમિત મૌન પાળતાં. ઘણા લોકો અગિયારશ, પૂનમ કે અમાસે મૌન પાળતા હોય છે. સાસુ-વહુ, દેરાણી-જેઠાણી, પતિ-પત્ની કે ભાગીદારો વચ્ચે ઝઘડો થાય તો બેમાંથી એક જણ મૌન ધારણ કરી લે તો ઘણી દુ:ખદ કે અનિચ્છિત ઘટનાઓથી બચી શકાય છે. મૌન પાળતાની સાથે જ તમે વાણી દ્વારા જે શક્તિનો વેડફાટ કરો છે તેનો સંચય થાય છે. આ શક્તિ તમને મનની અંદર ઊંડા ઊતરવા માટે કામ લાગે છે. જેમ પાણીને ગાળીએ તો શુદ્ધ પાણી મળે તેમ મૌનથી તમારા અશુદ્ધ વિચારો ગળાય છે અને વાણી શુદ્ધ બને છે. તમને ક્રોધ આવે ત્યારે પણ મૌન ધારણ કરી લ્યો તો ઘણી આપત્તિઓમાંથી બચી શકાય છે.
બોલે એના બોર વેચાય અને ન બોલવામાં નવ ગુણ એ બન્ને કહેવતો વિરોધાભાસી લાગે છે, પરંતુ બેઉની જરૂર છે. બાહ્ય જગતમાં સંબંધો જાળવવા, માલ વેચવા બોલવું પડે, પરંતુ આંતરજગતમાં જેટલું ઓછું બોલો કે ન બોલો એમ અંતરાત્માને ઓળખવાના ગુણો પ્રાપ્ત થતા જાય છે અને અગાઉ કહ્યું તેમ વાણી જેટલી સૂક્ષ્મ થતી જાય તેમ તેમ શરીરની અંદર રહેલાં ચક્રો સાથે સંવાદ સધાય અને પ્રભુદર્શનનો માર્ગ પ્રશસ્ત થાય.
કોઇ મૃત સ્વજનની પ્રાર્થનાસભામાં બે મિનિટનું મૌન પાળવાનું કહેવામાં આવે છે તે પહેલાં સમજાતું ન હતું, પરંતુ હવે સમજાય છે. વાણીથી બાહ્યજગતમાં લૌકિક વ્યવહાર સચવાય છે, પરંતુ હવે બાહ્યજગત ભૂલી આંતરજગતમાં અલૌકિક વાતાવરણમાં પ્રવેશ કરવાનો છે. ત્યાં શબ્દો કરતાં મૌન વધુ કામ લાગે છે.
આમ ધ્યાન, મંત્ર અને મૌન વ્યવહારિક, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ક્રિયાઓમાં દરેક જાતના ફાયદા ઉપલબ્ધ કરાવે છે.