ફોકસ – સોનલ કારિયા
દરેક માતા-પિતા ઇચ્છે છે કે તેનું સંતાન શ્રેષ્ઠ હોય અને એ હકીકત છે કે આપણા શાસ્ત્રોમાં એવા રહસ્યો છે કે જેના દ્વારા માતા-પિતા જેવું ધારે એવું સંતાન મેળવી શકે છે. આ એક માહિતીના આધારે ગર્ભ-સંસ્કાર દ્વારા ડિઝાઇનર બાળક પેદા કરી શકવાનો દાવો કરતી વેબસાઇટ્સ અને વર્ગોનો ઉદ્યોગ જોરશોરથી ફૂલ્યોફાલ્યો છે. સામાન્ય રીતે ગર્ભવતી માતાઓ અને તેમના પતિઓને કહેવામાં આવતું હોય છે કે અર્જુનનો પુત્ર અભિમન્યુ માતાના ગર્ભમાં જ ચક્રવ્યૂહ ભેદવાનું જ્ઞાન પામ્યો હતો. પ્રહ્લાદની માતા વિષ્ણુની ભક્ત હતી અને ગર્ભાવસ્થા દરમિયાન વિષ્ણુ ભગવાનના મંત્રોચ્ચાર સાંભળતી હતી એટલે તેનો પુત્ર આવો ભક્ત થયો હતો.
આ તથ્યના આધાર પર આજકાલ અનેક એપ્સ, વેબસાઇટ્સ અને વર્ગો ફૂટી નીકળ્યા છે જે ડિઝાઇનર બાળકો તૈયાર કરી આપવાનો દાવો કરે છે. પોતાની જાહેરાત કરવા માટે ગર્ભ સંસ્કારની એક એપ દ્વારા એક વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે જેમાં પહેલી થોડીક સેક્ધડો માટે એક નાનકડું બાળક કમર લચકાવતા-લચકાવતા મુન્ની બદનામ હુઈ જેવું ગીત ગાય છે અને પછી બીજું બાળક આવે છે જે સંસ્કૃતના શ્ર્લોક ગાઈ રહ્યું છે. આ જાહેરખબરમાં તરત જ એક પુરુષ પૂછે છે કે તમને આ બંનેમાંથી કેવું બાળક જોઈએ છે? આ પ્રકારની એપ્સ અને વર્કશોપ્સ માત્ર ગર્ભસ્થ બાળકોમાં સંસ્કાર સિંચવાનો જ દાવો નથી કરતી પણ તમારું બાળક દેખાવમાં તમને જોઈએ એવું જ પેદા થશે એવા વચનો પણ આપે છે.
ડિઝાઇનર બાળક તૈયાર કરવા માટે ગર્ભવતી માતાને સંસ્કૃતના શ્ર્લોક, પ્રાર્થનાઓ, કોયડાઓ ઉકેલવાનું, ગર્ભ-સંવાદ એટલે કે ગર્ભસ્થ શિશુ સાથે વાતચીત કરવાનું, યોગાસન અને ધ્યાન કરવાનું કહેવામાં આવે છે. ઉપરાંત ગર્ભસ્થ શિશુના માતા-પિતાને એક ચાર્ટ તૈયાર કરવાનું કહેવામાં આવે છે જેમાં તેઓ પોતાનું સંતાન કેવું ઇચ્છે છે એની વિગતવાર માહિતી લખવાની હોય છે.
આજકાલના ખાસ કરીને શહેરના યુવાનો પોતાના થનારા સંતાનો પરના સંસ્કારો અને તેમના પાલનપોષણ તેમ જ શિક્ષણ અંગે સજાગ છે એ પ્રશંસનીય બાબત છે. ફક્ત ભારતમાં વસતા જ નહીં પણ વિદેશમાં વસતા ભારતીયોમાં પણ ગર્ભસંસ્કાર દ્વારા ડિઝાઇનર બાળકને જન્મ આપવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
ગર્ભાવસ્થા દરમિયાન આવા જ એક ગર્ભ-સંસ્કાર વર્કશોપમાં ભાગ લઈ ચૂકેલી અઠ્ઠાવીસ વર્ષની રૂપલ કહે છે કે જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે તેણે પોતાના શિશુ પર ગર્ભ-સંસ્કાર કર્યા હતા જેને કારણે તેના દીકરામાં આધ્યાત્મિકતાની સાથે-સાથે કુશાગ્ર બુદ્ધિ પણ દેખાઈ રહી છે. હું ગર્ભવતી હતી ત્યારે મેં જેવું બાળક ઇચ્છ્યું હતું બરાબર એવું જ મારું બાળક છે એવું આ યુવાન માતા કહે છે.
આ પ્રકારના એપ્સ અથવા વર્કશોપ્સમાં વેદના મંત્રોચ્ચાર, સંકલ્પ પૂજન, હવન વગેરે કરાવવામાં આવે છે. એ ઉપરાંત ગર્ભવતી સ્ત્રીએ શું ખાવું, શું ન ખાવું વગેરે બાબતોથી પણ માહિતગાર કરવામાં આવે છે. આ સિવાય કેટલાંક વર્ગોમાં ગર્ભાવસ્થાના અમુક મહિનાઓએ ખાસ પ્રકારની પ્રાર્થનાઓ કરાવવામાં આવે છે જેને બીજ શુદ્ધિ કહે છે. કેટલાક ગર્ભસંસ્કાર વર્કશોપ્સ કે એપ્સમાં ડોક્ટરો, યોગ નિષ્ણાતો, કાઉન્સલર્સ વગેરે પણ પેનલ પર હોય છે જે ગર્ભવતી માતા તેમ જ તેના પતિને સલાહ-સૂચનો આપવાની સાથે-સાથે તેમના પ્રશ્ર્નો અને મૂંઝવણોના જવાબ પણ આપતા રહે છે.
એક તરફ પૌરાણિક ઉદાહરણો આપીને આવા એપ્સ તેમ જ વર્કશોપ્સ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે તો બીજી તરફ કેટલાંક ડૉક્ટરો કહે છે કે આ પ્રકારના ગર્ભ-સંસ્કારથી શિશુ પર કેવી અસર થાય છે એના કોઈ વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી. જો કે આ ડૉક્ટરો એટલું સ્વીકારે છે કે વૈજ્ઞાનિક સંશોધનમાં એવું પુરવાર થયું છે કે ગર્ભસ્થ શિશુ બહારના અવાજ સાંભળી શકે છે અને એ અવાજોને પ્રતિક્રિયા પણ આપે છે. પરંતુ તે શબ્દોના અર્થને સમજે છે કે નહીં તે હજુ પુરવાર થયું નથી.
શાસ્ત્રોના જાણકાર એક વિદ્વાન કહે છે કે આપણા ભારતીય શાસ્ત્રોમાં ગર્ભ-સંસ્કાર વિશે જ નહીં પણ ગર્ભાધાન પૂર્વે પણ દંપતી દ્વારા કઈ-કઈ બાબતોની કાળજી લેવી જોઈએ એની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. શાસ્ત્રોમાં એનો પણ ઉલ્લેખ છે કે કયા દિવસોએ સ્ત્રી-પુરુષોએ શારીરિક સંબંધ બાંધવાનું ટાળવું જોઈએ અને ખાસ તો બાળક ઝંખતા દંપતીએ તો આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અમુક દિવસોએ ગર્ભાધાન થાય તો તે બાળક રાક્ષસ યોની અને અમુક દિવસોએ ગર્ભાધાન થાય તો દેવ યોની કે મનુષ્ય યોનીનું હોય છે. આપણા ઋષિ મુનિઓને એનું જ્ઞાન હતું અને એના વિશે શાસ્ત્રો અને પુરાણોમાં માહિતી છે. માતા-પિતા જેવું ધારે એવું સંતાન ઉત્પન્ન કરી શકે છે એ હકીકત હોવા છતાં માત્ર નવ મહિના અમુક-તમુક પ્રક્રિયાઓ કરવાથી જ એવા બાળકનું સર્જન થઈ શકતું નથી. એના માટે ગર્ભાધાનના બે વર્ષ પૂર્વેથી તૈયારી કરવી પડે છે. કોઈ જાણકાર અને યોગ્ય માર્ગદર્શકના સૂચન મુજબ માતા-પિતા બંનેએ યોગાસન, આહાર-વિહાર, ધ્યાન જ નહીં પરંતુ આખી જીવનશૈલી જ એ મુજબની કરવી પડે છે. આની પાછળનો તર્ક એવો છે કે સારો પાક જોઈતો હોય તો માત્ર બીજ જ સારું હોય એ પૂરતું નથી એના માટે સારી જમીન પણ જોઈએ. એ જ રીતે જમીન તો સારી હોય પણ બીજ સારું ન હોય તો પણ સારું વૃક્ષ કે ફળ નીપજતું નથી. ગર્ભવતી સ્ત્રીઓએ પણ શું કરવું કે શું ન કરવું એની વિગતો આપણા શાસ્ત્રોમાં છે અને એ ઉપયોગી પણ છે. પરંતુ માત્ર નવ મહિના અમુક ચોક્કસ ક્રિયાઓ કરવાથી ઇચ્છિત સંતાન પ્રાપ્ત નથી થઈ શકતું. એના માટે માતા-પિતાએ પોતે એક સારા ધાર્મિક, આધ્યાત્મિક માનવ બનવું પડે છે. જે દિવસે તમને જાણ થાય કે ગર્ભાધાન થયું છે એ દિવસથી કંઈ અચાનક માતા-પિતામાં સમૂળગું પરિવર્તન નથી આવી જતું. એના માટેની તૈયારી અગાઉથી કરવી પડે છે.
જો કે ગર્ભસંસ્કારના વર્કશોપ કે એપ્સ પર મંત્રોચ્ચાર તેમ જ અન્ય જે બાબતો શીખવાડવામાં આવે છે એનો વિરોધ નથી. શાંતિ પ્રદાન કરનારું સંગીત કે મંત્રોચ્ચારથી ગર્ભસ્થ શિશુને ફાયદો થાય જ છે. આ બધું કરવાથી ગર્ભવતી સ્ત્રીના તનાવમાં પણ ઘટાડો થાય છે જેની તેના સ્વાસ્થ્ય પર પણ સારી અસર થાય જ છે. એટલે આવા ગર્ભસંસ્કાર કરવામાં કોઈ નુકસાન નથી પરંતુ ઘણાં ખરાં એપ્સ અને વર્કશોપ અધકચરા જ્ઞાન અને માહિતી સાથે ફક્ત પૈસા કમાવવાના સાધન બની ગયા છે. ઉ