Homeઉત્સવમુંબઈ ફ્લૂના ભરડામાં આવી ગયું છે

મુંબઈ ફ્લૂના ભરડામાં આવી ગયું છે

ફોકસ – ગીતા માણેક

છેલ્લા કેટલાક દિવસોથી ડૉક્ટરોના દવાખાનાઓ અને હૉસ્પિટલો ફ્લૂ અને અન્ય વાઇરસના દર્દીઓથી ઊભરાઈ રહ્યા છે. આખા દેશમાં જ્યારે એચ૩એન૨ ફ્લૂના વાયરા છે ત્યારે મુંબઈમાં આ પ્રકારના ફ્લૂની સંખ્યા નહીંવત છે, એવું મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે. રાજ્યના હેલ્થ સેક્રેટરી સંજય ખંડારેના કહેવા મુજબ અત્યારે એચ૩એન૨ના દર્દીઓની સંખ્યા એક પણ નથી, પરંતુ અમે આ બાબત પર નજર રાખી રહ્યા છીએ.
જોકે કેન્દ્ર સરકારે દરેક રાજ્ય સરકારને એચ૩એન૨ ફ્લૂ સંદર્ભે સતર્ક રહેવા જણાવ્યું છે. એચ૩એન૨ ફ્લૂ વાઇરસ આખા દેશમાં ફેલાઈ રહ્યો છે અને એની અસર શ્ર્વસનતંત્ર પર જોવા મળી રહી છે. આ પ્રકારના થોડાક કેસ છેલ્લા થોડાક મહિનાઓમાં ફક્ત બીએમસીની કસ્તુરબા હૉસ્પિટલમાં નોંધાયા હોવાનું જાણવા મળે છે.
અલબત્ત ખાનગી દવાખાનાઓ અને હૉસ્પિટલના ડૉક્ટરો કહે છે કે ફ્લૂને કારણે તાવ આવતો હોય એવા એટલે કે વાઇરસના અનેક દર્દીઓ તેમની પાસે આવી રહ્યા છે. આટલા દર્દીઓ હોવા છતાં સરકાર પાસે આ પ્રકારના દર્દીઓનો ડેટા એટલે કે માહિતી નથી કારણ કે આ એચ૧એન૧ અને એચ૩એન૨ ફ્લૂ માટેના રિપોર્ટ કરાવવાની કિંમત બહુ મોંઘી છે. એચ૧એન૧ ટેસ્ટ ૮ હજાર રૂપિયા અને બાકીના ફ્લૂની તપાસના દોઢ હજારથી માંડીને વીસ હજાર સુધીની છે.
આ સંજોગોમાં ડૉક્ટરની કાબેલિયત અને અનુભવના આધારે નિદાન અને સારવાર થઈ રહ્યા છે. ડૉક્ટરો કહે છે કે બસો-ચારસો રૂપિયાની દવાથી ફ્લૂ પર ૪૮ કલાકમાં કાબૂ મેળવી શકાતો હોય તો અમે એ દવાઓના પરિણામની રાહ જોઈએ છીએ અને દર્દીને તરત જ તપાસ માટે મોકલતા નથી, પરંતુ જે દર્દીઓને દીર્ઘ રોગ એટલે કે ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવી બીમારીઓ હોય અને બીજાં લક્ષણો પણ જણાતાં હોય તો તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડે છે. તેમના રિપોર્ટ કરાવવામાં આવે છે અને મોટા ભાગે તેમનામાં એચ૩એન૨ ફ્લૂના વાઇરસ જોવા મળે છે.
એક જાણીતી લેબોરેટરીના ડૉક્ટર કહે છે કે અમારી પાસે રિપોર્ટ માટે જે દર્દીઓ આવે છે એના ડેટા પ્રમાણે ઇન્ફ્લુયેન્ઝા એ અને એચ૩એન૨ ફ્લૂના કેસ વધી રહ્યા છે. આ ટ્રેન્ડ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાથી દેખાઈ રહ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાનના કહેવા મુજબ દેશભરમાં એચ૩એન૨ ફ્લૂના કેસ ડિસેમ્બર, ૨૦૨૨ના મધ્ય ભાગથી વધવા માંડ્યા છે. જો કે માર્ચ મહિનાના અંત સુધી આ કિસ્સાઓમાં ઘટાડો જોવા મળશે એવું કહેવાઈ રહ્યું છે.
મુંબઈમાં ફ્લૂના કેસ વધી રહ્યા છે એના માટે શહેરનું વિચિત્ર હવામાન કારણભૂત હોવાનું કહેવાઈ રહ્યું છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં ગરમી વધવા માંડે ત્યારે ફ્લૂના કેસ આવતા હોય છે પણ આ વખતે અચાનક વરસાદ પડવાને કારણે વાતાવરણ બદલાઈ ગયું હતું અને પછી ગરમી પડવા માંડી છે. હવામાનમાં આવેલો આ ફેરફાર મુંબઈગરાઓને ફ્લૂમાં પટકી રહ્યો છે. આ સિવાય પ્રદૂષણ પણ ફ્લૂ માટેનું એક વધારાનું કારણ ગણાઈ રહ્યું છે. ઘણા દર્દીઓમાં કોવિડને કારણે રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે અને આ પ્રકારના દર્દીઓ તરત જ કોઈ પણ પ્રકારના વાઇરસના શિકાર વહેલા બને છે.
ફ્લૂનું પ્રમાણ બાળકોમાં બહુ જ વધારે માત્રામાં જોવા મળી રહ્યું છે. બાળરોગ તજજ્ઞ ડૉક્ટરો કહે છે કે અમારી પાસે આવતા દર્દીઓમાં એટલે કે બાળકોમાં દસમાંથી આઠ કિસ્સાઓમાં ફ્લૂ જોવા મળી રહ્યો છે.
ડૉક્ટરો કહે છે કે સામાન્ય ફ્લૂથી ખાસ ચિંતિત થવા જેવું નથી, કારણ કે એ તો હવામાનમાં થતા બદલાવને કારણે હોય છે, પરંતુ જો તે એચ૩એન૨ ફ્લૂ હોય તો સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે એ દર્દીના શ્ર્વસનતંત્રને અસર કરે છે. દેશના અન્ય ભાગમાં ઇન્ફ્લુયન્ઝા જેવા ગંભીર વાઇરસ પણ કાર્યરત હોવાનું જોવા મળી રહ્યું છે. અત્યારે આ પ્રકારના કિસ્સાઓ ઓછા છે પણ એમાં વધારો ન થાય એ માટે સરકારી તંત્ર સતર્ક થઈ રહ્યું છે. આ પ્રકારના ફ્લૂ બાળકોમાં અને વૃદ્ધો ખાસ કરીને જેમને ડાયાબિટીસ, હાઇ-બ્લડપ્રેશર જેવી બીમારીઓ છે તેમના પર ત્રાટકે એવી સંભાવના વધુ રહેલી છે. કર્ણાટક અને હરિયાણામાં એચ૩એન૨ ફ્લૂને કારણે એક-એક મૃત્યુ થઈ ચૂક્યાં છે. આ વાઇરસ ન ફેલાય એ માટે તકેદારી રાખવી જરૂરી છે.
એચ૩એન૨ ફ્લૂ અંગે સતર્ક રહેવાનું કારણ એ છે કે ૧૯૬૮ની સાલમાં આ પ્રકારના ફ્લૂએ લાખ્ખો લોકોની જાન લીધી હતી. એ વખતે આ ફ્લૂને ‘હોન્ગકોન્ગ ફ્લૂ’ કહેવામાં આવતો હતો. એચ૩એન૨ ફ્લૂ વાઇરસ જે ૧૯૬૮માં પેનડેમિક હતો એ હજુ પણ જીવિત છે.
અલબત્ત, આનાથી ડરવાની નહીં પણ સાવચેતી રાખવાની જરૂર છે એવી સલાહ ડૉક્ટરો આપી
રહ્યા છે. આ પ્રકારનાં લક્ષણો સિઝનલ એટલે કે મોસમી બીમારીના પણ હોઈ શકે છે, પરંતુ તકેદારી રાખવાથી વહેલાસર નિદાન થઈ શકે છે અને એચ૩એન૨ ફ્લૂ હોય તો એની તરત સારવાર લઈ શકાય છે.

ફ્લૂ ન થાય એ માટે અગમચેતીના કેવાં પગલાં લેવાં જોઈએ એ વિશે સરકારી તંત્રએ આપેલી માહિતી
ક ઉધરસ કે છીંક આવે તો ટીશ્યૂ પેપર અથવા કોણી વડે મોં નાક ઢાંકવું જોઈએ.
ક વારંવાર હાથ ધોતા રહેવું જોઈએ.
ક શરદી, શરીરમાં કળતર કે તાવ જેવાં લક્ષણો દેખાય તો ઘરગથ્થુ ઉપચારો કરતા રહેવાના કે આ લક્ષણોને અવગણવાને બદલે તરત ડૉક્ટર પાસે જવું જોઈએ.
ક જો આવાં લક્ષણો દેખાય તો જાહેર સ્થળોએ જવાનું અને લોકોને મળવાનું ટાળવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular