ફોકસ – રાજેશ યાજ્ઞિક
આફ્રિકાના દેશોની વાત આવે ત્યારે મોટેભાગે આદિવાસી પરંપરામાં જીવતા, આધુનિકતા સાથે સ્નાન સૂતકનો સંબંધ ન હોય તેવા લોકોની છબી ઊપસી આવે. તદ્દન એવી રીતે, જેમ પશ્ર્ચિમી દેશો માટે ભારત એટલે મદારીઓનો દેશ! પણ જેમ ભારતની સાંસ્કૃતિક પરંપરા સદીઓ નહીં, હજારો વર્ષો પુરાણી છે, તેમ આફ્રિકાની સંસ્કૃતિ પણ પ્રાચીન છે.
આજે તો આફ્રિકામાં ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મનું વર્ચસ્વ છે, પરંતુ આફ્રિકાની પોતાની પરંપરાઓ હજી ક્યાંક ક્યાંક ઝળકે છે. આફ્રિકાનો પ્રાચીન કહેવાય તેવો એક ધર્મ છે, યોરૂબા. તેમનું વતન હાલના દક્ષિણ પશ્ર્ચિમ નાઇજીરિયામાં છે, જેમાં મોટાભાગના ઓયો, ઓગુન, ઓસુન, ઓન્ડો, એકીટી, ક્વારા અને લાગોસ રાજ્યો તેમ જ કોગી રાજ્યના ભાગો અને બેનિન અને ટોગોના સંલગ્ન ભાગોમાં વસે છે. આ દેશોમાં મુખ્યત્વે યોરૂબાનો વસવાટ હોવાથી તેને સામૂહિક રીતે યોરૂબાલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આફ્રિકામાં પાંચ કરોડ મિલિયનથી વધુ યોરૂબા લોકો છે, ખંડની બહાર દસ લાખ મિલિયનથી વધુ છે અને આફ્રિકન ડાયસ્પોરાના સભ્યોમાં વધુ પ્રતિનિધિત્વ ધરાવે છે. યોરૂબાની મોટાભાગની વસ્તી આજે નાઇજીરિયા દેશમાં છે, જ્યાં તેઓ અંદાજે દેશની વસ્તીના ૨૧% જેટલા છે, જે તેમને આફ્રિકાના સૌથી મોટા વંશીય જૂથોમાંનું એક બનાવે છે. મોટાભાગના યોરૂબા લોકો યોરૂબા ભાષા બોલે છે, જે નાઈજર-કોંગો ભાષા છે જેમાં સૌથી વધુ સંખ્યામાં મૂળ અથવા પ્રાથમિક ભાષા બોલનારા છે.
મૂળભૂત માન્યતાઓ
યોરૂબાની મૂળભૂત માન્યતાઓ લગભગ સનાતન ધર્મ જેવી જ છે. દરેક વ્યક્તિ નિયતિ અથવા ભાગ્યથી બંધાયેલી છે જેને તેઓ ‘અયાનમો’ કહે છે અને દરેક વ્યક્તિ અંતે ‘ઓલોડુમારે’ પ્રાપ્ત કરે છે. ઓલોડુમારે એટલે સૃષ્ટિના કર્તા સાથે એકરૂપ થઇ જવું. સનાતન ધર્મની જેમ જ યોરૂબામાં માન્યતા છે કે જીવન અને મૃત્યુનું ચક્ર સતત ચાલ્યા કરે છે, જેમાં અસ્તિત્વ (આત્મા કહીશું?) વિવિધ ભૌતિક શરીરોમાં, જેને ‘આયે’ કહે છે, પોતાની સફર ચાલુ રાખે છે, અને ધીમે ધીમે ગુણાતીત અવસ્થા તરફ આગળ વધે છે.
યોરૂબામાં જેમ ઓલોડુમારે એક સર્વોચ્ચ આધ્યાત્મિક અવસ્થા છે, તેમ ઓલોડુમારે એ સર્વોચ્ચ દૈવી શક્તિ પણ છે. આપણે જેમ જીવ અને શિવ કહીએ છીએ, તેવી જ રીતે ઓલોડુમારેને ‘ઓલોરૂન’ પણ કહેવાય છે. સર્વશક્તિમાન ઊર્જા ઓલોરૂન કોઈ લિંગ વિશેષમાં બંધાયેલ નથી. અર્થાત કે તે પુરુષ પણ નથી કે સ્ત્રી પણ નથી. અહીં પણ આપણને સનાતન ધર્મનું પ્રતિબિંબ ડોકાયા કરે. લિંગ વિશેષથી બંધાયેલા ન હોવાથી તેને પુરુષ વાચક અથવા સ્ત્રી વાચક સંબોધનને બદલે ’તેઓ’ સંબોધન વપરાય છે.
દેવતાઓ અને ઓરિશા
અહીં પણ આપણને યોરૂબા ધર્મનું સનાતન ધર્મની માન્યતાઓ સાથે સામ્ય દેખાઈ આવે છે. ઓલોડુમારે સામાન્ય રીતે મનુષ્યોની રોજિંદી બાબતોમાં દખલ કરતા નથી. જો કોઈ વ્યક્તિ ઓલોડુમારે સાથે વાતચીત કરવા ઈચ્છે છે, તો ઓરિશાઓને મધ્યસ્થી કરવા કહેવું પડે છે. અર્થાત કે ઓરીશા ઈશ્ર્વર અને માનવ વચ્ચેના દૂત ગણાય છે.
કેથલિક ધર્મના સંતોની જેમ, યોરૂબા ઓરિશાઓ માણસ અને સર્વોચ્ચ સર્જક અને બાકીના દૈવી વિશ્ર્વ વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરે છે. તેઓ ઘણીવાર મનુષ્યો વતી કાર્ય કરે છે, અને કેટલીકવાર ઓરિશાઓ મનુષ્યો વિરુદ્ધ કામ કરે છે અને તેમના માટે સમસ્યાઓ ઊભી કરે છે.
યોરૂબા ધર્મમાં વિવિધ પ્રકારના ઓરિશાઓ છે. તેમાંના ઘણા વિશ્ર્વની રચના થઈ ત્યારે હાજર હોવાનું કહેવાય છે, અને અન્ય લોકો એક સમયે માનવ હતા, પરંતુ અર્ધ-દૈવી અસ્તિત્વની સ્થિતિમાંથી આગળ વધી ગયા હતા. કેટલાક ઓરિશા કુદરતી લક્ષણના સ્વરૂપમાં દેખાય છે – નદીઓ, પર્વતો, વૃક્ષો અથવા અન્ય પર્યાવરણીય પદાર્થો. ઓરિશાઓ મનુષ્યોની જેમ જ અસ્તિત્વ ધરાવે છે – તેઓ પાર્ટી કરે છે, ખાય છે અને પીવે છે, પ્રેમ કરે છે અને લગ્ન કરે છે અને સંગીતનો આનંદ માણે છે. એક રીતે, ઓરિશા માનવજાતના જ પ્રતિબિંબ તરીકે સેવા આપે છે.
ઓરિશા ઉપરાંત ‘અજોગુન’ પણ છે; તે બ્રહ્માંડમાં નકારાત્મક શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે. અજોગુન બીમારી અથવા અકસ્માતો તેમ જ અન્ય આફતોનું કારણ બની શકે છે; આ માન્યતા ખ્રિસ્તી ધર્મના શેતાનની માન્યતા જેવી છે. મોટાભાગના લોકો અજોગુનને ટાળવાનો પ્રયાસ કરે છે; જે કોઈપણ વ્યક્તિ તેના દ્વારા પીડિત હોય તે ભવિષ્યકથન કરવા અને તેનાથી કેવી રીતે છુટકારો મેળવવા ધાર્મિક ક્રિયાકાંડ કરનાર ‘ઈફા’નો સંપર્ક કરે છે.
ટૂંકમાં સામાન્ય રીતે, યોરૂબા ધર્મમાં, મોટા ભાગની મુસીબત કાં તો અજોગુનના દ્વારા સર્જિત અથવા વ્યક્તિ દ્વારા ઓરિશાને યોગ્ય આદર આપવામાં નિષ્ફળતાની ઊપજ ગણાય છે, જેનું નિવારણ કરવાનું રહે છે.
પુનર્જન્મ
આપણી ધાર્મિક માન્યતા મુજબ જેમ વ્યક્તિએ સદાચારી અને આધ્યાત્મિક હોવું જોઈએ, તેવી જ માન્યતા યોરૂબા ધર્મમાં પણ જોવા મળે છે. જીવનો પુનર્જન્મ થાય છે અને સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરવા તેની જરૂર છે તેવો સિદ્ધાંત યોરૂબામાં પણ જોવા મળે છે. જેઓ સદગુણી છે, સદાચારી છે તેનો પુનર્જન્મ થાય છે, પરંતુ જે દુરાચારી અને પાપી છે, તેમને પુનર્જન્મ પ્રાપ્ત કરીને ગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરવાનો લ્હાવો મળતો નથી.
બાળકો પૂર્વજોનો પુનર્જન્મ છે તેમ પણ માનવામાં આવે છે. પારિવારિક પુનર્જન્મની આ વિભાવનાને ‘અતુનવા’ તરીકે ઓળખવામાં આવે છે. બાબાટુન્ડે જેવા યોરૂબા નામો, જેનો અર્થ થાય છે “પિતા પરત આવે છે, અને યેતુન્ડે, “માતા પરત આવે છે, પોતાના પરિવારમાં પુનર્જન્મના વિચારને પ્રતિબિંબિત કરે છે.
પુનર્જન્મની અદ્દલોઅદ્દલ સામ્યતા એ સિદ્ધાંતમાં પણ ઝળકે છે કે પુનર્જન્મ કોઈ પણ લિંગમાં સંભવી શકે છે. પુન: જન્મ પામેલ વ્યક્તિ પૂર્વ જન્મનું શાણપણ અને સાથે તેનું સંચિત જ્ઞાન પણ આ જન્મ લાવે છે તેવી માન્યતા છે.
પ્રથાઓ અને ઉજવણીઓ
આમ તો બદલાયેલા સમય અને પરદેશી ધર્મોના પ્રભાવ હેઠળ યોરૂબા પ્રજામાં ઘણાં પરિવર્તન આવ્યાં છે, પણ એવો અંદાજ છે કે યોરૂબાના લગભગ ૨૦% લોકો તેમના પૂર્વજોના પરંપરાગત ધર્મનું પાલન કરે છે. અધિષ્ઠાતા દેવ, ઓલોરુન અને ઓરિશાઓનું સન્માન કરવા ઉપરાંત, યોરૂબન ધર્મના અનુયાયીઓ વરસાદ, સૂર્યપ્રકાશ અને લણણી જેવી વસ્તુઓને નિયંત્રિત કરતા વિવિધ દેવતાઓને ખુશ કરવા બલિદાન આપે છે. યોરૂબાના ધાર્મિક તહેવારો દરમિયાન, સહભાગીઓ લોકકથાઓ, દંતકથાઓ અને અન્ય પ્રથાઓને શામેલ કરે છે જે લોકોને બ્રહ્માંડમાં મનુષ્યના સ્થાનનું મહત્ત્વ સમજાવે.
યોરુબન માટે આ સમારોહમાં ભાગ લેવાનું ટાળવું એ આવશ્યકપણે તેના પૂર્વજો, આત્માઓ અને દેવતાઓ તરફ પીઠ ફેરવવાનું જેવું ગણાય છે. તહેવારો એ એવો સમય છે જેમાં કૌટુંબિક જીવન, પહેરવેશ, ભાષા, સંગીત અને નૃત્યની ઉજવણી કરવામાં આવે છે અને આધ્યાત્મિક માન્યતા સાથે સાથે વ્યક્ત કરવામાં આવે છે. ધાર્મિક ઉત્સવમાં જન્મ, લગ્ન અથવા મૃત્યુ, તેમ જ દીક્ષાઓ અને અન્ય સંસ્કારોનો સમાવેશ થાય છે.
લણણીના સમય દરમ્યાન ભારતની જેમ યોરૂબાલેન્ડમાં પણ વાર્ષિક ઇફા ઉજવણી થાય છે. ત્યાં ઇફાને બલિદાન આપવામાં આવે છે, તેમ જ નવા પાકને ધાર્મિક વિધિવિધાન સાથે કાપવામાં આવે છે. ધાર્મિક ઉત્સવમાં નૃત્ય, ઢોલનગારાં અને સંગીતના અન્ય સ્વરૂપો શામેલ હોય છે. અકાળ મૃત્યુથી બચવા અને આવતા વર્ષ દરમ્યાન આખા ગામને રક્ષણ અને આશીર્વાદ આપવા માટે પ્રાર્થના કરવામાં આવે છે.
ઓગુનનો તહેવાર, જે વાર્ષિક ધોરણે પણ થાય છે, તેમાં બલિદાન પણ સામેલ છે. ધાર્મિક વિધિ અને ઉજવણી પહેલાં, પાદરીઓ શ્રાપ, લડાઈ, સેક્સ અને અમુક ખોરાક ખાવાથી દૂર રહેવાની પ્રતિજ્ઞા આપે છે, જેથી તેઓ ઓગુન માટે લાયક ગણાય. જ્યારે તહેવારનો સમય આવે છે ત્યારે તેઓ ઓગુનના વિનાશક ક્રોધને શાંત કરવા માટે ગોકળગાય, કોલા બદામ, પામ તેલ, કબૂતર અને કૂતરાનો પ્રસાદ ચઢાવે છે.
યોરૂબા ધાર્મિક ઉજવણીનો સામાજિક હેતુ હોય છે; તેઓ સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન આપે છે અને તેમને અનુસરતા લોકોના સમૃદ્ધ વારસાને જાળવવામાં મદદ કરે છે. જો કે ઘણા યોરૂબા લોકો વસાહતીકરણથી ખ્રિસ્તી અને મુસ્લિમ બન્યા છે, જેઓ તેમના પૂર્વજોની પરંપરાગત ધાર્મિક માન્યતાઓનું પાલન કરે છે તેઓ તેમના બિન-પરંપરાગત પડોશીઓ સાથે શાંતિપૂર્ણ રીતે સહઅસ્તિત્વમાં રહેવામાં સફળ થયા છે. ખ્રિસ્તી ચર્ચે તેમના વાર્ષિક કાર્યક્રમને લણણીની સ્વદેશી ઉજવણીમાં ભેળવીને પગપેસારો કર્યો છે. જ્યારે પરંપરાગત યોરૂબા તેમના દેવતાઓની ઉજવણી કરે છે, ત્યારે તેમના ખ્રિસ્તી મિત્રો અને પરિવારના સભ્યો તેમના પોતાના ભગવાનનો આભાર માને છે. લોકો આ દ્વિ-વિશ્ર્વાસની ઉજવણી માટે એકસાથે આવે છે અને બે ખૂબ જ અલગ-અલગ પ્રકારના દેવતાઓની દયા, રક્ષણ અને આશીર્વાદ માટે પ્રાર્થના કરે છે, અને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે પ્રાર્થના કરાય છે.
હવે જોકે યોરૂબા નામ રહી ગયું છે, બદલાતા સમય સાથે તેમનામાં પણ પરિવર્તનો આવ્યાં છે. ધીમે ધીમે યોરૂબા ધર્મના લોકો અન્ય ધર્મોના ખાસ કરીને ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મના પ્રભાવમાં આવીને ધર્મ પરિવર્તન કરી ચૂક્યા છે છતાં માન્યતાઓની ભેળસેળ રહી છે. પોતાની પરંપરા સાથે જોડાયેલા રહેવાની માનવ સહજ ઈચ્છા તેમની પ્રથાઓમાં ડોકાય છે. તે બહાને આધુનિક જમાનાને એક ભવ્ય પ્રાચીન ધર્મની અને પરંપરાની ઝલક જોવા મળે છે.
પ્રાચીન પરંપરાઓ કઈ રીતે માઈલો દૂર પણ લગભગ સરખી હોઈ શકે, સદાચાર અને માનવતા એ વૈશ્વિક આધ્યાત્મિક માન્યતાનો એક અવિભાજિત હિસ્સો છે; તેનો અહેસાસ આપણને ત્યારે થાય જ્યારે આવા પ્રાચીન અને લગભગ વિસરાઈ ગયેલા ધર્મો વિશે જાણીએ છીએ. ઉ