ખાલી બોક્સમાંથી સ્પીકર, તૂટેલા ટીવીમાંથી કૂલર: વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં ઉસ્તાદ છે આ યુવાન

પુરુષ

ફોકસ-અનંત મામતોરા
ભારતીયોની ખાસિયત શું? તો કે કોઈ પણ વસ્તુને નકામી સમજીને ફેંકવી નહીં. સંઘર્યો સાપ પણ કામમાં આવે એવું આપણને હંમેશાં શીખવવામાં આવ્યું છે. જોકે તેને કારણે ભારતીયો કરકસર અને બચત કરી શકે છે તે પણ ચોક્કસ. ‘કૂવામાં હોય એ હવાડામાં આવે’ તે ન્યાયે શ્રી મુક્તસર સાહિબ, પંજાબનો ૧૮ વર્ષીય જુગાડુ કારીગર પ્રજ્વલ સોની ઘરના દરેક ભંગારને ઉપયોગી માને છે. તેણે ઘરની સાવ સાધારણ વસ્તુઓનો ઉપયોગ કરીને અનેક કામની ચીજો બનાવી છે.
વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે, ભારતીયોને હંમેશાં જુગાડ વધુ ગમ્યો છે. એક સામાન્ય ભારતીય જે વસ્તુ ખરીદી શકતો નથી તે જુગાડ કરીને બનાવી લે છે. જુગાડ પણ એવો કે તે ઓછી કિંમત અને નકામી વસ્તુઓમાંથી બનાવી શકાય. આવા જ એક નાના જુગાડુ કારીગર પ્રજ્વલ સોનીએ તાજેતરમાં જ ૧૨માની પરીક્ષા પાસ કરી છે, પરંતુ છેલ્લાં બે વર્ષથી તે અભ્યાસની સાથે યુટ્યુબ ચેનલ પણ ચલાવી રહ્યો છે.
તમને જાણીને નવાઈ લાગશે કે તેણે છેલ્લાં બે વર્ષમાં એક-બે નહીં, પરંતુ ૨૦૦ જેટલા જુગાડની શોધ કરી છે. પોતાના જુગાડ વિશે વાત કરતાં તે કહે છે, ‘મને નાનપણથી જ કંઈક ને કંઈક બનાવવાનો શોખ હતો. હું અહીં અને ત્યાંથી જોઈને કંઈક ને કંઈક બનાવતો હતો.’
સાતમા ધોરણથી જ કરી
રહ્યો છે જુગાડ
પ્રજ્વલ મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. તેના પિતા જિમ ટ્રેનર છે અને માતા ગૃહિણી છે. પ્રજ્વલ જે પણ નાની નાની વસ્તુઓ ઘરે બનાવતો, તેનાં માતા-પિતા પણ તેને ખૂબ જ પ્રેમ કરતા અને હંમેશાં તેને પ્રોત્સાહન આપતાં. તેણે બનાવેલી પહેલી વસ્તુ વિશે વાત કરતાં તે કહે છે, ‘સૌથી પહેલાં તો મેં ઘરે જે વસ્તુઓ હતી તેમાંથી ફેન બનાવ્યો. પછી મેં ઘણી જુદી જુદી વસ્તુઓમાંથી વિવિધ પ્રકારના પંખા બનાવ્યા.’
આ પછી પ્રજ્વલે કૂલર, ટોર્ચ, મોબાઈલ ચાર્જર જેવી ઘણી વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેને બહારથી કંઈ પણ ખરીદવાના પૈસા ન મળતા, તેથી તે ઘરમાં જે પણ વસ્તુઓ ઉપલબ્ધ હોય તેનો ઉપયોગ કરીને કંઈક બનાવવાનો પ્રયત્ન કરતો.
યુટ્યુબ પર બીજાને પણ શીખવાડે છે જુગાડ
૧૦મું ધોરણ પાસ કરતાંની સાથે જ પ્રજ્વલે યુટ્યુબ ચેનલ ખોલવાનું વિચાર્યું. તેણે તેની યુટ્યુબ ચેનલ માતા-પિતાની પરવાનગીથી શરૂ કરી હતી. તે સમજાવે છે, મેં માતા-પિતાને ઘણા અલગ અલગ યુટ્યુબર્સના વીડિયો અગાઉ બતાવ્યા હતા. મેં તેમને એમ પણ કહ્યું કે યુટ્યુબથી પણ સારી કમાણી થઈ શકે છે.
પ્રજ્વલની રુચિ જોઈને તેનાં માતા-પિતાએ પણ તેને જરૂરી મદદ કરવાનું નક્કી કર્યું. હવે તેને વીડિયો માટે સામાન ખરીદવા સરળતાથી પૈસા મળવા લાગ્યા. પછી શું હતું, તેણે એક પછી એક વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું. તેણે બ્લુટુથ સ્પીકર, વોશિંગ મશીન, તૂટેલા ટીવીમાંથી કૂલર, ખાલી ડબ્બામાંથી પોર્ટેબલ ચાર્જર જેવી ઘણી વસ્તુઓ બનાવી છે.
તે આ બધી વસ્તુઓ માત્ર પોતે જ બનાવે છે એવું નથી, પરંતુ તેની ચેનલ દ્વારા લોકોને તે કેવી રીતે બનાવવી તે પણ શીખવે છે. તે ઈચ્છે છે કે જરૂરિયાતમંદ લોકો તેની ટેક્નિક શીખીને તેનો લાભ લે.
યુટ્યુબ માટે વીડિયો બનાવવા અને ઈન્ટરનેટ દ્વારા એડિટિંગ અને અપલોડ કરવા જેવાં તમામ કામ તે પોતે શીખ્યો છે. ભણતરની સાથે સાથે તે આ બધાં કામ પણ કરતો રહે છે.
માનવ ડ્રોન બનાવવા માગે છે પ્રજ્વલ
માત્ર જુગાડ જ નહીં, પરંતુ તેણે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઓટોમેટિક સ્માર્ટ ડસ્ટબિન પણ બનાવ્યું છે. કચરો નજીક આવતાં જ આ ડસ્ટબિનનું ઢાંકણું આપોઆપ ખૂલી જાય છે. તેણે તેમાં સેન્સરનો ઉપયોગ કર્યો છે. તે સમજાવે છે કે હવે તેના ઘરમાં ફક્ત તેણે બનાવેલાં ટોર્ચ અને સ્પીકરનો ઉપયોગ થાય છે. એક વાર તેની માતાના મિત્રએ તેને વોશિંગ મશીન બનાવવાનું પણ કહ્યું હતું, પરંતુ આજ સુધી તેણે બીજા કોઈ માટે કંઈ બનાવ્યું નથી. તે જે પણ વસ્તુઓ બનાવે છે તે માત્ર વીડિયો માટે જ બનાવે છે અને ઘણા લોકો સોશિયલ મીડિયા દ્વારા તેનો સંપર્ક કરીને ઘણી વસ્તુઓ બનાવતા રહે છે.
પરંતુ તેના શ્રેષ્ઠ જુગાડ વિશે વાત કરતાં પ્રજ્વલ કહે છે, ‘મારી શ્રેષ્ઠ શોધ હજુ આવવાની બાકી છે. હું માનવીય ડ્રોન બનાવવા માગું છું, જેમાં બે લોકો આરામથી બેસીને ઊડી શકે.’
તાજેતરમાં તેણે ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન વિષય સાથે કોલેજમાં એડ્મિશન પણ લીધું છે, પરંતુ તે તેની યુટ્યુબ ચેનલ પર કામ કરવાનું ચાલુ રાખવા અને આવા વધુ જુગાડ બનાવવા માગે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.