બીકેસીના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા આવતીકાલે મુંબઈ આવવાના હોવાથી સુરક્ષાના કારણોસર કાર્યક્રમના સ્થળ નજીક કોઈ પણ પ્રકારની ઉડ્ડયન પ્રવૃત્તિ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) સ્થિત એમએમઆરડીએ ગ્રાઉન્ડ્સ ખાતે આયોજિત કાર્યક્રમમાં વડા પ્રધાન હાજર રહેવાના છે. ગુરુવારે બપોરથી મધરાત સુધી ચાર પોલીસ સ્ટેશન બીકેસી, અંધેરી, મેઘવાડી અને જોગેશ્વરીની હદમાં ડ્રોનનો ઉપયોગ, પેરાગ્લાઈડર્સ અને રિમોટ ક્ંટ્રોલવાળાં માઈક્રો-લાઈટ ઍરક્રાફ્ટ સહિતની કોઈ પણ ઉડ્ડયન પ્રવૃત્તિ પર પ્રતિબંધ જાહેર કરાયો છે.
આતંકવાદીઓ અથવા અસામાજિક તત્ત્વો ડ્રોન, પેરાગ્લાઈડર્સ, રિમોટ કંટ્રોલવાળાં માઈક્રો-લાઈટ ઍરક્રાફ્ટનો ઉપયોગ કરી હુમલો કરી શકે છે. પરિણામે તેમના ઉપયોગ પર ગુરુવારે પ્રતિબંધ લગાવી દેવાયો છે.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વીઆઈપીઓ બીકેસીમાં હાજર રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખી સમગ્ર વિસ્તારની સુરક્ષાવ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે અમુક માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવશે. અમુક માર્ગો પરનો વાહનવ્યવહાર અન્ય માર્ગે વાળવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.