રાજસ્થાન સહિત અનેક રાજ્યમાં ભારે વરસાદથી પૂર

દેશ વિદેશ

નવી દિલ્હી: મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને બિહારમાં છેલ્લા ૪૮ કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે.
રાજસ્થાનમાં બસોથી વધુ અને મધ્ય પ્રદેશમાં લગભગ પચાસ નાના-મોટા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. ઉત્તર પ્રદેશમાં ગંગા ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે અને બિહારમાં તે ભયજનક નિશાનની નજીક છે.
પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત હિમાચલ પ્રદેશમાં અચાનક પૂર અને ભૂસ્ખલનની ૩૬ ઘટનાઓમાં બાવીસ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ તમામ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
મધ્ય પ્રદેશમાં છેલ્લા ૪૮ કલાકથી વધુ સમયથી પડી રહેલા વરસાદને કારણે ઘણા નેશનલ હાઈ-વે બ્લોક છે. જબલપુરમાં બર્ગી ડેમના ૧૭ અને નર્મદાપુરમમાં તવા ડેમના ૧૩ દરવાજા ખોલવામાં આવ્યા છે. ભોપાલમાં ચોવીસ કલાકમાં ૧૦ ઈંચ વરસાદ પડ્યો છે. અહીં અત્યાર સુધીમાં ૬૦ ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. ૨૦૧૬માં અહીં
૫૬.૫૮ ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે ભોપાલના મોટા બળાવની બોટ ક્લબ પર ઊભેલું ક્રુઝ અડધું ડૂબી ગયું છે. હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં રાજ્યભરમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે.
સોમવારે ત્રીજા દિવસે પણ મધ્ય પ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો, જેના પરિણામે રાજ્યની રાજધાની ભોપાલ અને જબલપુર સહિત કેટલાક જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી.
સોમવારના રોજ ઉત્તર ઓડિશાના કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ ચિંતાજનક હતી, કારણ કે સુવર્ણરેખા નદીના જળ નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયાં હતાં અને સોથી વધુ ગામોના લોકો ભયભીત થઈ ગયા હતા.
ભારે વરસાદને કારણે ઉત્તર ઓડિશાની તમામ નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે.
રવિવાર સાંજથી સુવર્ણરેખાનાં જળ નોંધપાત્ર રીતે વધી રહ્યાં છે, સવારે ૧૧ વાગ્યા સુધીમાં બલિયાપાલ, ભોગરાઈ, બસ્તા અને જલેશ્ર્વરના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયાં હતાં.
સેન્ટ્રલ વોટર કમિશનના ડેટા મુજબ, જિલ્લાના રાજઘાટ પર સુવર્ણરેખાનું જળસ્તર સવારે નવ વાગ્યે ૧૧.૯૦ મીટર હતું, જ્યારે ખતરાની સપાટી ૧૦.૩૬ મીટરની છે અને જામસોલાઘાટ પર તે જોખમી સ્તરની ૫૦.૦૪ મીટર સામે ૪૯.૧૫ મીટર હતી.
બાલાસોર જિલ્લા પ્રશાસને સોમવારે બપોર સુધીમાં ઓછામાં ઓછા ૧.૨ લાખ લોકોને સ્થળાંતર કરવાનો નિર્ણય લીધો છે.
દરમિયાન, વિશેષ રાહત કમિશનર પી કે જેનાએ ખુર્દા, પુરી, કટક, કેન્દ્રપારા, જગતસિંહપુર, નયાગઢ, બાલાસોર, ભદ્રક, કેઓંઝર અને બૌધના જિલ્લા કલેક્ટરને પત્ર લખીને પૂરમાં ફસાયેલી મહિલાઓને મફતમાં સેનિટરી નેપ્કિનનું વિતરણ કરવા જણાવ્યું છે.
અવિરત વરસાદને પગલે ઓડિશા પહેલાંથી જ મહાનદી નદી પ્રણાલીમાં મધ્યમ પૂરની અસરથી ઝઝૂમી રહ્યું છે, જેણે સાત લાખથી વધુ લોકોને અસર કરી છે. સરકારી અંદાજ મુજબ ૭૬૩ ગામોમાં લગભગ પાંચ લાખ લોકો હજુ પણ ફસાયેલા છે. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.