હિમાચલમાં પૂરપ્રકોપ અને ભૂસ્ખલન

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

૨૨ જણનાં મોત, છ જણ ગુમ થયા

ઘોડાપૂર: અતિવૃષ્ટિને કારણે ધરમશાલા ખાતેથી વહેતી ચક્કી નદીના રેલવે પુલને ભારે નુકસાન થયું હતું અને તેનો એક પિલર પાણીના વહેણ સાથે તૂટી પડયો હતો. (પીટીઆઈ ફોટો)

સિમલા: શનિવારે હિમાચલ પ્રદેશની નદીઓમાં પૂર આવતાં ભારે તારાજી સર્જાઈ છે. આ કુદરતી આફતમાં ૨૨ જણ મૃત્યુ પામ્યાં છે અને છ જણના સગડ મળતા નથી. ભારે વરસાદ તથા ભેખડો પડવાની અન્ય પ્રકારની દુર્ઘટનાઓમાં મરણાંક વધવાની આશંકા સેવવામાં આવે છે. ચોવીસ કલાકમાં અતિશય ભારે વરસાદ પડવાને કારણે રાજ્યના મંડી, કાંગરા અને ચંબા જિલ્લાઓમાં સૌથી વધુ નુકસાન નોંધાયું છે. મોસમની ખરાબીને કારણે ૩૬ નાની-મોટી દુર્ઘટનાઓ નોંધાઈ છે. મંડી ખાતે મનાલી-ચંડીગઢ હાઈવે સહિત ૭૪૩ રસ્તા અને સિમલા-ચંડીગઢ હાઈવે પર સોઘી પાસે વાહન વ્યવહાર સ્થગિત કરવામાં આવ્યો છે.
અતિવર્ષા અને પૂરને કારણે હમીરપુર જિલ્લામાં રઝળી પડેલા બાવીસ જણને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા. પૂરના પાણીમાં કાંગરા જિલ્લાનો ચક્કી બ્રિજ તૂટી પડતાં જોગીન્દરનગર-પઠાનકોટ રૂટ પર ટ્રેન સેવા બંધ કરવામાં આવી હતી. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે અનરાધાર વરસાદને લીધે ચંબા જિલ્લામાં ભૂસ્ખલન થતાં ભેખડ નીચે દબાઈને ત્રણ જણ માર્યા ગયાં હતાં. ચંબાના ચોવારી તાલુકાના બાનેત ગામમાં શનિવારે પરોઢિયે ૪.૩૦ વાગ્યે ભેખડ પડ્યા પછી મકાન તૂટી પડ્યું હતું. મંડી ખાતે એક બાળકી મૃત્યુ પામી હતી.
મંડી-કાટોલા-પારાશર રોડ પરના બાઘી નાળામાંથી એક બાળકીનો મૃતદેહ મળ્યો હતો. તેના પરિવારના પાંચ જણ પણ પૂરમાં તણાઈ ગયા હોવાનું સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું. બાળકીનો મૃતદેહ પૂરના જળપ્રવાહમાં ખેંચાઈને તેના ઘરથી અડધો કિલોમીટર દૂર પહોંચ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. બાઘી અને જૂના કાટોલાની વચ્ચેના ભાગોમાં રહેતા અનેક પરિવારો ઘર છોડીને સલામત સ્થળે જતા રહ્યા હતા. દરમિયાન ગોહર ડેવલપમેન્ટ બ્લૉકના કાશન ગામમાં ધસી પડેલી ભેખડ નીચે ઘર સાથે દટાયેલા આઠ જણના મૃતદેહો ચાર કલાકના સર્ચ ઑપરેશન બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. (એજન્સી)

ઉત્તરાખંડમાં વાદળ ફાટતાં નદીઓમાં પૂર
બ્રિજ ધોવાયા, ચારનાં મોત
દહેરાદૂન/ન્યુ ટિહરી: શનિવારે સવારે ઉત્તરાખંડના વિવિધ પ્રાંતોમાં અનેક ઠેકાણે વાદળાં ફાટતાં નદીઓ કાંઠા તોડીને બેફામ વહેતી હતી. પૂરપ્રકોપમાં બ્રિજ તથા અનેક રહેઠાણો ધોવાઈ ગયા હતા. પૂરમાં તણાઈને ચાર જણ મૃત્યુ પામ્યાં હતાં અને ૧૦ જણના કોઈ સગડ મળતા નથી. ભારે વરસાદને કારણે ટિહરી જિલ્લાના ગ્વાડ ગામમાં બે મકાન તૂટતાં તેના કાટમાળ નીચે સાત જણ દબાયા હતા. તેમાંથી બે મૃતદેહો બહાર કઢાયા હતા. કોઠાર ગામમાં કાટમાળમાં દબાઈને ગૂંગળામણથી એક મહિલા મૃત્યુ પામી હતી.
પૌડી જિલ્લાનાં બિનાક ગામમાં મકાન તૂટતાં ૭૦ વર્ષનાં દર્શની દેવી જીવતાં દટાયાં હતાં. ભારે ઝાપટાંએ પૌડી જિલ્લાના ૧૨ ગામોને ઘમરોળ્યા હતા. તેથી વહીવટીતંત્રને તમામ આંગનવાડીઓ અને શાળાઓ બંધ કરવાની ફરજ પડી હતી. દહેરાદૂન જિલ્લાના ભેંસવડ ગામમાં અતિવર્ષાને કારણે એક રહેઠાણ અને દુકાનને નુકસાન થયું હતું. એ દુર્ઘટનામાં ત્રણ જણને ઇજા થઈ હતી અને પાંચ જણના કોઈ સગડ મળતા નથી. તોંસ નદીના કિનારે ટપકેશ્ર્વર શિવ મંદિરની ગુફાઓમાં પાણી ધસી ગયું હતું. શનિવારે પરોઢ પૂર્વે ૨.૧૫ વાગ્યે રાયપુરના સરખેત ગામમાં વાદળ ફાટ્યું હતું. એ દુર્ઘટનાને કારણે થાનો પાસે સૉન્ગ નદી પરનો બ્રિજ ધોવાઈ ગયો હતો. મસુરીના ટૂરિસ્ટ સ્પૉટ કૅમ્પ્ટી ફૉલ્સની જળસપાટી જોખમી સ્તરે પહોંચી હતી. (એજન્સી)ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.