કર્ણાટકના મેંગલુરુમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ વચ્ચેની સિક્રેટ ચેટથી ખળભળાટ મચી ગયો હતો. મામલો એ હદે વધી ગયો કે ફ્લાઇટ છ કલાક મોડી પડી હતી, એટલું જ નહીં તમામ મુસાફરોને પ્લેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા અને વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.
આ ઘટના 14 ઓગસ્ટના રોજ બની હતી. અહીં એક ગર્લફ્રેન્ડ બેંગલુરુ જવા માટે તેની ફ્લાઈટની રાહ જોઈ રહી હતી જ્યારે બોયફ્રેન્ડ મુંબઈ જવા માટે તૈયાર હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે બંને મિત્રો હતા અને તેઓ માત્ર મનોરંજન માટે સુરક્ષા વિશે વાત કરતા હતા. આ દરમિયાન ગર્લફ્રેન્ડે મજાકમાં તેના બોયફ્રેન્ડ સાથે સિક્યુરિટી વિશે વાત કરતા મેસેજ કર્યો કે, તું બોમ્બર છે. આ મેસેજ બોયફ્રેન્ડની બાજુમાં બેઠેલા પેસેન્જરે વાંચી લીધો અને તેને આ મેસેજ સમસ્યાજનક લાગતા કેબીન ક્રૂને જાણ કરી. આ પછી ફ્લાઈટમાં હંગામો મચી ગયો હતો.
ત્યાર બાદ ફ્લાઇટને રોકી દેવામાં આવી હતી. તમામ પ્રવાસીઓને નીચે ઉતારવામાં આવ્યા હતા અને વિમાનની સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ પૂરી થયા બાદ પ્લેન સાંજે 5 વાગ્યે મુંબઈ માટે રવાના થયું હતું. મળતી માહિતી મુજબ ફ્લાઈટમાં 185 મુસાફરો સવાર હતા.
ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે છોકરા અને છોકરી બંનેને કસ્ટડીમાં લીધા હતા અને તેમની કલાકો સુધી પૂછપરછ કરી. જોકે, તેમાંથી કશું બહાર આવ્યું નથી. આ અંગે કોઇ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.
ચાલો આ કિસ્સો તો પતી ગયો, પણ ભવિષ્યમાં એરપોર્ટ પર કે ફ્લાઇટમાં ચેટ કરતી વખતે આજુબાજુ ધ્યાન રાખવાનું ભૂલતા નહી અને મહેરબાની કરીને બૉમ્બ, હાઇજેક જેવા અમુક શબ્દો તો મેસેજમાં લખતા જ નહીં, નહીં તો પરિણામ ગંભીર આવી શકે છે.

Google search engine