Homeઆપણું ગુજરાતગુજરાતમાં ચાર માર્ગ અકસ્માતની ઘટનામાં પાંચનાં મોત: ૮૦થી વધુ ઘાયલ

ગુજરાતમાં ચાર માર્ગ અકસ્માતની ઘટનામાં પાંચનાં મોત: ૮૦થી વધુ ઘાયલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં માર્ગ અકસ્માતની અલગ-અલગ ત્રણ ઘટના બની હતી. છોટા ઉદેપુરમાં શિહોદ પાસે બગડેલી ટ્રક સાથે બાઈક અથડાતાં બાઈક પર સવાર બે યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. જૂનાગઢના ગડુ રોડ પર અકસ્માતમાં ત્રણ જણે જીવ ગુમાવ્યા હતા અને સાત જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અન્ય બે ઘટનામાં શામળાજીના વસાયા પાસે આઈશર ટ્રક પલટી મારતાં ૬૦થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. તો ઘટનામાં હળવદ-માળિયા હાઇ-વે પર કચ્છથી અમદાવાદ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી મારતા ૧૬ જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં શિહોદ પાસે મોટી રાસલીના કિરણ ભિમસિંગ રાઠવા અને હિતેશ રાઠવાની બાઈક શિહોદ ખાતે રસ્તાની વચ્ચોવચ બગડીને પડેલી ટ્રક સાથે ધડાકાભેર અથડતા બન્નેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જૂનાગઢ જિલ્લાના ગડુ-ચોરવાડ હાઈ-વે પર ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર ત્રણ જણનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની બીજી ઘટના અરવલ્લીમાં શામળાજી પાસે ટ્રક પલટી મારવાની બની હતી. જેમાં લગભગ ૬૦થી વધુ આદિવાસી સમાજના લોકો વસાયાથી બ્રહ્મપુરી મરણ પ્રસંગમાં લોકાચારે જવા માટે મિની ટ્રકમાં નીકળાયા હતા.
દરમિયાન ગામથી બે કિલોમીટર દૂર ગયા પછી ડુંગરાળ વિસ્તારમાં ટ્રક ડ્રાઈવરે એકાએક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ હતી. જેના કારણે બસમાં સવાર ૬૦થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા
. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી સ્થાનિકોના મદદથી ઘાયલોને ૧૦૮માં શામળાજી સરકારી હોસ્પિટલમાં સારાવાર માટે ખસેડ્યા હતા. જ્યાંથી ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોને હિંમતનગર રીફર કરાયા હતા. વહેલી સવારમાં બનેલી આ ઘટનાને કારણે હાઇ-વે પર પણ ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયાં હતાં. ત્યારે આવી જ એક અકસ્માતની ઘટના હળવદ-માળીયા હાઇવે પર બની હતી. જેમાં હળવદ-માળીયા હાઇવે પર વાધરવા ગામના પાટિયા પાસે એક ખાનગી ટ્રાવેલ્સની બસ કચ્છથી અમદાવાદ તરફ જઈ રહી હતી. દરમિયાન ડ્રાઇવરને ઝોકું આવી જતા બસ પલટી મારી ગઈ હતી. બસ પલટી મારી જવાના કારણે ૧૬ જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક મહિલા વધુ ગંભીર જણાતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular