જળાશયોમાં ૨૪ કલાકના વરસાદમાં પાંચ દિવસનું પાણી જમા

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસું ફરી સક્રિય થવાની સાથે જ પાણીની સમસ્યા દૂર થવાની શક્યતા છે. મુંબઈ સહિત થાણેમાં પડી રહેલા મુશળધાર વરસાદને પગલે મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં ૨૪ કલાકમાં જ પાંચ દિવસનું પાણી જમા થઈ ગયું છે. હાલ જળાશયોમાં ૧૪.૮૦ ટકા જેટલો પાણીનો જથ્થો છે.
સોમવાર સવારથી મંગળવાર સવાર સુધીના ૨૪ કલાકમાં મુંબઈને પાણી પૂરું પાડનારા સાતેય જળાશયોમાં કુલ ૨૦,૮૫૯ મિલિમીટર જેટલો પાણીનો જથ્થો જમા થઈ ગયો છે. હવામાન ખાતાએ આગામી ચારથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી જળાશયોની સપાટીમાં હજી વધારો થવાની શક્યતા છે.
મુંબઈ, થાણે સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં સોમવારથી ફરી એક વખત વરસાદે એન્ટ્રી કરી છે, તેથી મુંબઈ મહાનગરપાલિકાને થોડી રાહત થઈ છે. જૂન મહિનો આખો પૂરો થયા બાદ પણ વરસાદની ગેરહાજરીને કારણે મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોના તળિયા દેખાવા માંડતા ૨૭ જૂનથી મુંબઈમાં ૧૦ ટકા પાણીકાપ મૂકી દેવામાં આવ્યો છે.
જોકે ગયા અઠવાડિયે ચોમાસું ફરી સક્રિય થવાથી ૩૦ જૂનના મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો. તેથી જળાશયોમાં પાણીની થોડી આવક થઈ હતી. હવે આ અઠવાડિયામાં સોમવારથી ફરી વરસાદના આગમનથી જળાશયોની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.
મંગળવારે સવારના સાતેય જળાશયોમાં કુલ મળીને ૨,૧૪,૧૬૯ મિલિયન લિટર જેટલો પાણીનો જથ્થો હતો. આ અગાઉ સોમવારે સાતેય જળાશયોમાં ૧,૯૩,૩૧૦ મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક હતો.ગયા વર્ષે જોકે આ જ સમયે સાતેય જળાશયોમાં ૨,૭૪,૪૯૨ મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક હતો. તો ૨૦૨૦ની સાલમાં આ જ સમયે સાતેય જળાશયોમાં ૧,૧૫,૫૦૭ મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક હતો.
જળાશય છલકાવાની સપાટી મંગળવારની સપાટી વરસાદ
(મીટર) (મીટર) (મિલીમીટર)
અપર વૈતરણા ૬૦૩.૫૧ ૫૯૪.૨૬ ૧૪.૦૦
મોડક સાગર ૧૬૩.૧૫ ૧૫૨.૪૨ ૫૬.૦૦
તાનસા ૧૨૮.૬૩ ૧૨૦.૩૭ ૭૫.૦૦
મિડલ વૈતરણા ૨૮૫.૦૦ ૨૪૦.૧૦ ૩૧.૦૦
ભાતસા ૧૪૨.૦૭ ૧૧૩.૩૯ ૬૧.૦૦
વિહાર ૮૦.૧૨ ૭૫.૯૧ ૧૧૯.૦૦
તુલસી ૧૩૯.૧૭ ૧૩૫.૧૬ ૨૨૭.૦૦
————
આનંદો! પવઈ તળાવ છલકાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં પડી રહેલા મુશળધાર વરસાદને પગલે મંગળવારે સાંજે પવઈ તળાવ છલકાઈને વહેવા માંડ્યું હતું. પવઈ તળાવનું પાણી જોકે પીવા માટે વાપરવામાં આવતું નથી. પરંતુ તેનો ઉપયોગ ઔદ્યોગિક વપરાશ માટે કરવામાં આવે છે.
મુંબઈને પાણી પૂરું પાડનારાં જળાશયોના કેચમેન્ટ એરિયામાં સારો વરસાદ પડી રહ્યો છે. એ સાથે જ મુંબઈમાં આવેલું પવઈ તળાવ પણ મુશળધાર વરસાદને પગલે મંગળવારે સાંજે ૬.૧૫ વાગે છલકાઈ વહેવા માંડ્યું હતું.
પવઈ તળાવ છલકાઈ જવાને કારણે મુંબઈને પાણી પુરવઠાને ખાસ અસર થવાની નથી, કારણકે પવઈનું પાણી પીવાના ઉપયોગમાં આવતું નથી. પવઈનું પાણી ફક્ત ઔદ્યોગિક વપરાશ માટે કરવામાં આવે છે.
પવઈમાં ૧૮૯૦ની સાલમાં ૪૦ લાખ રૂપિયાનો ખર્ચ કરીને આ કૃત્રિમ તળાવ બાંધવામાં આવ્યું હતું. આ તળાવની જલધારણ ક્ષમતા ૫૪૫ કરોડ લિટરની છે. આ તળાવનો પરિસર ૬.૬૧ કિલોમીટરનો હોઈ તળાવ પૂરું ભરાયું હોય તો પાણીનું ક્ષેત્રફળ લગભગ ૨.૨૩ ચોરસ કિલોમીટર જેટલો હોય છે. તળાવ પૂરું ભરાઈ જાય તો તળાવમાં ૫૪૫.૫ કરોડ લિટર પાણી હોય છે. તળાવ પૂર્ણ ભરાયા બાદ તેનું પાણી મીઠી નદીમાં જાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.