ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, NDRFની છ ટીમ સ્ટેન્ડબાય

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે જામતું જાય છે. હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આણંદ જિલ્લાના બોરસદમાં પડેલા મુસળધાર વરસાદને કારણે પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેને લઈને વિવિધ જિલ્લામાં NDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.
રાજ્યમાં સારો વરસાદ થઇ રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ પણ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે. ગત વર્ષના જુલાઈ માસની ત્રીજી તારીખ સુધીમાં અમદાવાદમાં સીઝનનો 16 ટકા વરસાદ નોંધાયો હતો. ત્યારે ચાલુ વર્ષની આ સીઝનમાં અત્યાર સુધી પાંચ ટકાથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. જોકે આજે સવારે અમદાવાદના અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.
હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ આગામી 6 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે તેમજ વલસાડ, નવસારી અને દમણમાં અતિભારે વરસાદની આગાહી છે. 7 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં ભારે તથા વલસાડ તથા નવસારીમાં અતિભારે વરસાદની આગાહી છે. 8 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ભારે તેમજ ભરૂચ અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી છે.

કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી રહેલી NDRF ટીમ

સવાચેતીના ભાગરૂપે છ જિલ્લાઓમાં NDRFની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. હાલ ત્રણ ટીમ આણંદ, નવસારી અને ગીર સોમનાથ જિલ્લામાં બચાવ અભિયાન ચલાવી રહી છે. ત્યારે છ અન્ય ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જેમાંથી ત્રણ રાજકોટમાં, બે ગાંધીનગરમાં, એક સુરત અને એક બનાસકાંઠામાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

બોરસદમાં બચાવ કાર્ય કરી રહેલી NDRFની ટીમ

NDRFની ટીમે રવિવારે બોરસદ તાલુકાના કઠોલ ગામથી વધુ એક મૃતદેહ કબજે કર્યો હતો. બોરસદમાં ગુરૂવારની રાત્રે પડેલા ભારે વરસાદને કારણે અત્યાર સુધી ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.