પાંચ દિવસના ગણપતિ બાપ્પાની ધામધૂમથી વિદાય

આમચી મુંબઈ

૪,૦૦૦થી વધુ ગણેશમૂર્તિનું વિસર્જન

પુન: પધારજો! ‘ગણેશોત્સવ’માં પાંચમા દિવસે વિઘ્નહર્તાના વિસર્જન નિમિત્તે લોખંડવાલા ખાતે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરતો ભક્ત. (અમય ખરાડે)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બે વર્ષ બાદ મુંબઈગરા ધામધૂમથી ગણેશોત્સવની ઊજવણી કરી રહ્યા છે. રવિવારે પાંચ દિવસના ગણપતિબાપ્પાને ધૂમધામથી ઢોલ-તાશાના તાલે અને ‘ગણપતિબાપ્પા મોર્યા પુઢચા વર્ષી લવકર યા’ના ગગનભેદી નારા સાથે ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
મુંબઈ મહાનગરપાલિકાએ વિસર્જન સ્થળે ભવ્ય તૈયારી કરી હતી. ગિરગાંવ, જુહૂ, દાદર ચોપાટી, કુર્લાનું શીતલ તળાવ, પવઈ તળાવ, સાયન તળાવ જેવા વિસર્જન સ્થળો પર ઊભા કરવામાં આવેલા કૃત્રિમ વિસર્જન સ્થળ પર મોડી રાત સુધી ગણેશમૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
મુંબઈના ૭૩ કુદરતી વિસર્જન સ્થળ પર લાઈફગાર્ડ, મોટર બોટ, કંટ્રોલ રૂમ, મોબાઈલ ટોઈલેટ, મેડિકલ સુવિધા, ફૂલ-હાર જમા કરવા માટે નિર્માલ્ય કલશ જેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. પાલિકાએ આ વર્ષે પણ શહેર અને ઉપનગરમાં ૨૪ વોર્ડમાં ૧૫૨ કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરી હતી,જેમાં મોડી રાત સુધી ઘરના ગણપતિની મૂર્તિનું વિસર્જન ચાલ્યું હતું.
રવિવારના રજાનો દિવસ હોવાથી બપોરથી જ ગણેશભક્તોએ વિસર્જન ચાલુ કરી દીધું હતું. બપોરના ત્રણ વાગ્યા સુધીમાં વિસર્જન સ્થળ પર ચાર સાર્વજનિક ગણેશમૂર્તિ, ૬૯૮ ઘરના ગણેશમૂર્તિ અને ૧૦ હરતાલિકાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
બપોર બાદ વિસર્જન સ્થળ પર ભીડ વધવા માંડી હતી અને સાંજના છ વાગ્યા સુધીમાં મુંબઈના કુદરતી અને કૃત્રિમ તળાવમાં ૩,૯૧૯ ગણેશમૂર્તિનું અને ૧૫ હરતાલિકાનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં ૬૬ સાર્વજનિક તો ૩,૮૫૩ ઘરની ગણેશમૂર્તિનો સમાવેશ
થાય છે.
કુલ વિસર્જનમાં કૃત્રિમ તળાવમાં ૪૫ સાવર્જનિક ગણેશમૂર્તિ અને ૧,૨૯૦ ઘરની ગણેશમૂર્તિ અને હરતાલિકા ૧૩ એમ કુલ ૧,૩૪૮ ગણેશમૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.