Fitch Ratings: ફિચે ભારતનો જીડીપી અંદાજ ઘટાડ્યો, કોંગ્રેસે કેન્દ્ર પર સાધ્યું નિશાન, કહ્યું- લક્ષણો સારા નથી દેખાઈ રહ્યા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ બિઝનેસ

ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચે ભારતના જીડીપી ગ્રોથના અંદાજમાં ઘટાડો કર્યો છે. એજન્સીએ નાણાકીય વર્ષ 2023 માટે વિકાસ દર ઘટાડીને 7 ટકા કર્યો છે. અગાઉ જૂન મહિનામાં ફિચે 7.8 ટકાનો અંદાજ મૂક્યો હતો. હવે આ મામલે કોંગ્રેસે મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસે કહ્યું છે કે પીએમ મોદીની નીતિઓએ જીડીપીને બરબાદ કરી દીધી છે.
કોંગ્રેસે આ મામલે ટ્વિટ કરીને કહ્યું કે, વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે ભારતના જીડીપી ગ્રોથ અંદાજમાં ઘટાડો કર્યો છે. પહેલા એવી ધારણા હતી કે 2022-23માં 7.8% વૃદ્ધિ થશે, હવે તે ઘટાડીને 7% કરવામાં આવી છે. પીએમ મોદીની નીતિઓએ જીડીપીનો નાશ કર્યો છે. છેલ્લા 3 વર્ષમાં જીડીપી માત્ર 3% વધી છે. આગળના લક્ષણો પણ યોગ્ય દેખાતા નથી.” વૃદ્ધિના અંદાજમાં કાપનું કારણ વૈશ્વિક અર્થવ્યવસ્થાની ધીમી ગતિ, રેકોર્ડબ્રેક ફુગાવો અને ઊંચા વ્યાજ દરોને જવાબદાર ગણવામાં આવ્યા છે.
બીજી તરફ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આ વર્ષ માટે જીડીપી ગ્રોથ 7.2 ટકા રહેવાની અપેક્ષા રાખી છે. જૂન ક્વાર્ટરમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 13.5 ટકા હતો. જે માર્ચ ક્વાર્ટરમાં 4.10 ટકાથી વધુ હતો. તો સાથે જ રેટિંગ એજન્સીએ કહ્યું છે કે ઓગસ્ટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે ફુગાવો થોડો ઓછો રહ્યો હતો, પરંતુ ખરાબ હવામાનને કારણે ખાદ્ય મોંઘવારી રહેશે.
વૈશ્વિક એજન્સીનું કહેવું છે કે વર્ષ 2022ના અંત સુધી ડોલર સામે ભારતીય રૂપિયાનું મૂલ્ય 79 રહેશે. જ્યારે છૂટક ફુગાવાનો દર પણ 6.2 ટકાની આસપાસ રહેવાની ધારણા છે. ફિચના અહેવાલ મુજબ, આરબીઆઈએ વર્ષ 2022ની શરૂઆતથી ઓગસ્ટ સુધીમાં વ્યાજ દરોમાં 140 બીપીએસનો વધારો કર્યો છે અને કેન્દ્રીય બેંકનું ધ્યાન ફુગાવાને ઘટાડવા પર કેન્દ્રિત હોવાથી દરોમાં હજુ વધુ વધારો થવાની સંભાવના છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.