ફિટ સોલ – ડૉ. મયંક શાહ
આપણું જીવન અલ્પ છે. જન્મથી મરણ સુધીનો સમય નદીના પ્રવાહની જેમ વહી જાય છે. આ વાત સમજાય તો પ્રત્યેક ક્ષણની કિંમત સમજાશે. આપણે અહીં ક્યાંથી આવ્યા, અહીં આવી શું કરવાનું છે, અને ત્યારબાદ ક્યાં જવાનું છે, એ ત્રણે વાતથી આપણે અજ્ઞાત છીએ. જીવનના ઘાડવ્ય પ્રવાહમાં આપણે એવા મદમસ્ત છીએ કે આપણી વિવેકબુદ્ધિ પણ નિષ્ક્રિય બની જાય છે. ઘરનો ચોકીદાર નિષ્ક્રિય હોય તો ચોર, ડાકુ અને દુશ્મન અંદર પેસી જાય છે. એવી જ રીતે, આપણા મનનો ચોકીદાર રૂપે વિવેક બુદ્ધિ જ્યારે નિષ્ક્રિય હોય છે ત્યારે મનના દુશ્મન આતમમાં પેસી જાય છે અને વિનાશ સર્જે છે!
કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર એ બધા મન-આતમનાં દુશ્મનો છે. તે મનની શક્તિને ક્ષીણ કરી નાખે છે અને આત્માના સ્વાભાવિક ગુણોને હાનિ પહોંચાડે છે. આ બધા દુશ્મનોમાં ‘સૌથી વિનાશક’ની પદવી ક્રોધને આપવામાં આવે છે. ક્રોધ આપણા જીવનમાં આનંદને અને પ્રસાદ રૂપી લક્ષ્મીનો નાશ કરે છે. તે વ્યક્તિને રોગી બનાવી દે છે. એક વખત, મને મળવા એક વૃદ્ધ દરદી આવ્યા. તેમના જમણા ઘૂંટણમાં સોજા અને અસહ્ય પીડા હતી. બધા જ મોટા હાડકાનાં નિષ્ણાતને બતાવી ચૂક્યા હતા અને ઘણી દવાઓ કરી લીધી હતી. તકલીફ વધતી ગઈ અને છેલ્લે બધા ડૉક્ટરો એવા નિષ્કર્ષ પર આવ્યા કે કદાચ તમને હાડકામાં ક્ષયરોગ અથવા કૅન્સર પણ હોઈ શકે, માટે વધુ તપાસ કરાશે. આ વૃદ્ધ દરદી નાસીપાસ થઈ ગયા અને વૈકલ્પિક સારવાર મેળવવા માટે મારી પાસે આવી પહોંચ્યા.
જ્યારે પણ કોઈ દર્દી જટિલ રોગથી પરેશાન હોય, તો એનું મનોવિશ્ર્લેષણ અત્યંત આવશ્યક બની જાય છે. આ દર્દીનાં જીવનમાં એક મહત્ત્વની વાત સામે આવી. પાંચ વર્ષ પૂર્વે એમના પત્નીના દેહાંત બાદ તે અશાંત અને ઉગ્ર સ્વભાવી બની ગયા હતા. તે પોતે પોતાનું વાહન ચલાવતા અને લગભગ રોજ કોઈ ને કોઈ અન્ય વાહનના ચાલક સાથે ઝઘડતા. એક તો એકલવાયું જીવન અને તેમાં પણ રોજનો ગુસ્સો… એમના શરીરમાં વેદના ઉત્પન્ન થઈ અને સૌથી વધારે અસર એમના ઘૂંટણમાં દેખાઈ. મનોભાવ અને રોગ વચ્ચે સીધો સંબંધ હોય છે. એમ કહેવું ખોટું નહીં હોય કે સર્વ બીમારીની જડ કાં તો પેટમાં અથવા મનમાં. પેટના બગાડાથી ઉત્પન્ન રોગ ઝડપથી મટી શકે છે પણ મનમાં જ્યારે રોગના મૂળિયા હોય, તો એ રોગ આસાનીથી મટતા નથી. ખાસ કરીને ગુસ્સો/ક્રોધ જેવા વિષકારી મનોભાવ હોય ત્યારે મોટી બીમારીને આમંત્રણ આપતા હોઈએ છીએ. અંતે કૅન્સર પણ લાગુ પડે છે. આ વૃદ્ધ દર્દીને મનોભાવ અને એમના રોગ વચ્ચે સંબંધ સમજાવવામાં આવ્યો. એક વિશેષ મનોચિકિત્સા (Mind Therapy) દ્વારા એમના ક્રોધને શાંત કરવામાં અમે સફળ થયા. અને ત્યાર બાદ ૩-૪ અઠવાડિયામાં એમના ઘૂંટણના સોજા અને પીડા બન્ને શાંત થઈ ગયા.
ક્રોધની શાંતિ માટે પ્રશમન ભાવના
‘ગુસ્સો’ ક્ષણીક પાગલપનનો હુમલો છે જે વ્યક્તિને હિંસક બનાવી દે છે. બીજી વ્યક્તિઓને નુકસાન તો થાય, પણ ગુસ્સો કરતા સૌથી વધારે પોતાને જ હાનિ પહોંચાડે છે. ઘણી વખત ગુસ્સો મહાકાય ‘ક્રોધ’નો સ્વરૂપ ધારણ કરે છે ત્યારે શરીર, મન અને આત્મામાં વિષ ફેલાઈ જાય છે. વારંવાર ક્રોધ કરવાથી પિત્તાશય (Liver) અને હોજરી (Stomach)ની બીમારી થતી હોય છે.
‘આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય’. આગને બુઝાવવા માટે પૂર્વ તૈયારી રાખવી પડે છે. કૂવામાંથી પાણી કાઢીને તૈયાર રાખો અથવા આગ ન લાગે તેની તકેદારી રાખો. ગુસ્સો આવી જાય પછી દમન કરો, તો પણ નુકસાન તો થઈ જ જાય. માનસશાસ્ત્રીઓએ ગુસ્સાના ત્રણ પ્રકાર કહ્યા છે (૧) અંતરની ઉગ્રતા (૨) બહારની ઉગ્રતા (૩) નિશ્ર્ચયી ઉગ્રતા. અંતરની ઉગ્રતા એટલે ગુસ્સાનું દમન. વ્યક્તિ પોતાની ભાવનાઓને અંતરમાં દબાવી રાખે છે. તેઓ ગુસ્સાને અભિવ્યક્ત કરી શકતા નથી અને અંદર અંદર ગૂંગળામણ અનુભવે છે. બહારની ઉગ્રતા એટલે બાહ્ય હિંસક પ્રવૃત્તિ. તેઓ બૂમાબૂમ કરે અને મારપીટ પણ કરે નિશ્ર્ચયી ઉગ્રતા એટલે સમજણપૂર્વક અને દ્રઢતાથી ગુસ્સાનો નિકાલ કરવું. નિશ્ર્ચયી ઉગ્રતાની આગળ પ્રશમન ભાવના છે. પ્રશમન એટલે વિશેષ પ્રકારનું ક્રોધ શમન. અહીં ક્રોધના મૂળ કારણને સંબોધવામાં આવે છે. ક્રોધ પણ એક શક્તિ છે જે આપણા હિતની રક્ષા માટે ઉપયોગી છે. જ્યારે આપણો જીવ જોખમમાં મુકાય અથવા આપણી સ્વતંત્રતા પર આક્રમણ થાય ત્યારે ક્રોધ દ્વારા પડકારને પહોંચી વળવા માટે આવે છે. ફિલસૂફીની ભાષામાં ક્રોધ અશુદ્ધ કર્મ અથવા મોહ માયાની નિર્ભિક પકડમાંથી છૂટવા માટે ઉપયોગી નીવડે છે.
પ્રશમનની કેળવણી માટે ત્રણ પગથિયા છે.
(૧) ધ્યાન દ્વારા આતમની સ્થિરતા; ધૈર્ય અને શાંતિનું સિંચન (૨) પ્રજાગતાયુક્ત મનોદશામાં કારણ – કર્તા – પરિણામની સમજ (૩) ભેદ જ્ઞાન દ્વારા ઉચિત ચારિત્રની કેળવણી.
પ્રશમન ભાવના એક મહાસાધના બની જતી હોય છે. ક્રોધનો એક ક્ષણ આપણા જીવનને ૧૦ મિનિટ ટૂંકાવી દે છે અને આપણા સ્વાસ્થ્યને પણ હાનિ પહોંચાડે છે. આપણા ભીતરમાં ક્રોધરૂપી તોફાનોને આપણે સમતાથી અનુભવી શકીએ ત્યારે એ તોફાન અલ્પ સમયમાં શમી જાય છે. આપણે એવી સાધના કરીએ જેથી એ તોફાન સામે તટસ્થ અને દ્રઢ મનોબળ દ્વારા ‘ગુસ્સા’ને ‘જુસ્સા’માં પરિવર્તિત કરીને આત્મકલ્યાણના માર્ગે આગળ વધીએ. ઉ