Homeતરો તાજામન શાંત... તો જીવનમાં શાંતિ : ‘અનુકમ્પા’

મન શાંત… તો જીવનમાં શાંતિ : ‘અનુકમ્પા’

ફિટ સોલ – ડૉ. મયંક શાહ

જીવનની યાત્રા એટલે સાગરનાં એક કિનારેથી બીજા કિનારે પહોંચવાની યાત્રા. આવી યાત્રામાં સાગરના અનેક સ્વરૂપો જોવા મળે છે. ક્યારેક દરિયો શાંત હોય છે તો ક્યારેક તોફાની. ક્યારેક શીતલ પવન વહે છે તો ક્યારેક વાવાઝોડાં ફૂંકાય છે અને ક્યારેક દરિયાના મોજાં તમને સામે મંજીલ તરફ લઈ જાય છે તો ક્યારેક તમને વિપરીત દિશામાં ધકેલી દે છે. માટે જ, સાગરનાં એક કિનારેથી બીજા કિનારે જવું એ સહેલું નથી. સાગરની યાત્રા અને આપણા જીવનની યાત્રા વચ્ચે ઘણી સમાનતાઓ જોવા મળે છે.
સાગરની યાત્રા વિશે વાત કરતા કરતા એક વાત આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આ પુરુષાર્થ માટે કેવા સાધનનો ઉપયોગ કરવું એ આપણા હાથમાં છે. કોઈક દરિયામાં ઝંપલાવીને સ્વબળે સામે તરી જવાની ચેષ્ટા કરે છે. બીજો કોઈ, નાની નાવલડી તરતી મૂકે છે અને હલેસા મારતાં મારતાં આગળ વધવાની કોશિશ કરે છે અને કોઈક વિરલ બુદ્ધિશાળી જીવ, એક મોટું જહાજ લઈને ઝડપથી સામે કિનારે પહોંચવાની કોશિશ કરે છે. મનુષ્ય કેટલા પણ સાધનનો ઉપયોગ કરે, સાગરનું વિરાટ સ્વરૂપ અને વિકરાળ ભાવ સામે ભલભલા માથું ટેકી દેતા હોય છે અથવા કોઈ અદૃશ્ય શક્તિ પાસે સહાય માગતા થઈ જાય છે. સામાન્ય જીવનની આ સામાન્ય ઘટના વારંવાર બધે જોવાય છે. આ વાત અહીં પૂરી થતી નથી…
ફિલસૂફી, આ દૃષ્ટાતનું ત્રીજું પાસું સામે લાવે છે. આ અદ્ભુત દૃષ્ટિકોણ આપણા જીવનમાં ક્રાંતિ સર્જી શકે છે. આ વિજ્ઞાન મનુષ્યના જીવનમાંથી સંઘર્ષને દૂર કરીને આ યાત્રાને ‘સહજ’ બનાવી શકે છે.
પરાધીન નહીં… સ્વાધીન બનીએ!
ચાલો, એક કલ્પના કરીએ. આ સાગરને જ આપણે સાધન બનાવીએ. એના પાણીથી આપણું સિંહાસન બનાવી, એના પર આરૂઢ થઈને આપણી યાત્રાને રથયાત્રા બનાવીએ. એ દરિયાઈ મોજાઓની શક્તિને આપણા રથને આગળ વધારનાર ઘોડાઓ બનાવીએ અને સાગરના વિરાટ અને વિકરાળ સ્વરૂપને આપણા મનોરંજન માટે કુદરત નિર્મિત નાટ્યગૃહ સમજીએ.
ફિલસૂફી કહે છે કે આ સાગર એટલે આપણું જ ‘મન’. સાગરના મોજાંઓ, એના વિવિધ સ્વરૂપો એ મન-રંગોના પ્રતીક છે. સાગરમાં તોફાન હોય તો આપણા મનમાં પણ મનોભાવના તોફાનો હોય છે. જેમ સાગરમાં ‘વમળ’ બધું જ ભરખી જાય છે તેમ આપણી ઈચ્છાઓ અને વાસનાઓ આપણને ભરખી જાય છે. આ સાગર રૂપી અંતરાય આપણેજ નિર્માણ કર્યું છે અને એનું વિલીનીકરણ પણ આપણે જ કરશું. ફિલસૂફી સમજાવે છે કે કોઈ કૃપા કે કોઈ બાહ્ય સહાયની આવશ્યકતા નથી, તમારી સહાય તમે જાતે જ કરી શકો છો! માટે જ સ્વાધિન બનો.
સ્વાધીનતાનું સાધન – અનુકંપા
જીવનને સફળ અને સાર્થક બનાવવા માટે ‘મન-સાગર’ને પાર કરવું પડે છે. એક વાતને ધ્યાનપૂર્વક આત્મસાત્ કરવાની છે – મન આપણી જ શક્તિ છે, આપણો સેવક છે. પણ મન બે-ધારી તલવાર છે, જે સુખનું સર્જન કરી શકે છે અને દુ:ખને પણ આમંત્રણ આપી શકે છે. મન-શક્તિને યોગ્ય દિશા આપવા માટે આત્મિક સદ્ગુણોને વિકસાવી અને એના સિદ્ધાંતોને જીવનમાં અનુસરવા પડશે. એક એવો વિશેષ સદ્ગુણ એટલે ‘અનુકંપા’.
અનુકંપાનો શબ્દાર્થ આપણે દયા, સહાનુભૂતિ, કૃપા જેના મનો-ભાવથી કરતા હોઈએ છીએ. કોઈ ગરીબ, દુખિયારો, બિચારો, પીડિત છે અને એના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવી એવું માનસ આપણે કેળવી દીધું છે. સહાનુભૂતિ, દયા વિ. આદર્શવાદી હોઈ શકે પણ એ ખરેખર ઉપયોગી છે કે નહીં એ ચિંતનનો વિષય છે. અહીં એક બોધ-કથા યાદ આવે છે.
એક વખત એક ભરવાડને એક સિંહનું બચ્ચું મળ્યું. એ બચ્ચું સિંહણથી વિખૂટું પડ્યું હતું. અને ભૂખ્યું તરસ્યું હતું. એની માતા વગર બચ્ચું મરી જશે, માટે ભરવાડ એનું ભરણ-પોષણ કરવા લાગ્યો. સિંહનું બચ્ચું મોટું થવા લાગ્યું. અન્ય બકરીઓની વચ્ચે રહેવા લાગ્યું. બીજી બકરીઓ આ સિંહના બચ્ચાંથી ગભરાય નહીં માટે ભરવાડે તેના પર બકરીની ખાલ ચઢાવી દીધી. જેથી તે બકરી જેવું દેખાય. એ સિંહ બચ્યું બકરીની જેમ વર્તવા લાગ્યો અને એની સ્વાભાવિક ગર્જના બદલે બકરીની જેમ મેં… મેં કરવા લાગ્યો. એક વખત જંગલ સમીપ બકરીઓ ચરતી હતી ત્યાં એક સિંહ શિકાર માટે આવ્યો. બકરીઓ નાસીપાસ થવા લાગી અને સાથે સાથે આ બકરીની ખાલ વાળો સિંહ પણ ભાગવા લાગ્યો. સંજોગવશ, શિકારી સિંહ એના પર તરાપ મારી પકડી લીધું. સિંહનું બચ્ચું ગભરાઈને મેં… મેં… કરવા લાગ્યું. શિકારી સિંહે એની ખાલ ઉતારીને ચોંકી ગયો. પછી એ હસવા લાગ્યો અને પેલા બચ્ચાને કહે છે કે તૂં સિંહનો બચ્ચો છે તો શાને ગભરાય છે? સિંહના બચ્ચાંને આત્મભાન થયું અને એ ભયમુક્ત બન્યો.
અનુકંપાની મૌલિક ભાવના એટલે “દુ:ખ-વેદનાથી મુક્તિ મેળવવા માટે પ્રબળ ઇચ્છા. પછી એ દુ:ખ પોતાનું હોય કે અન્યનું, એના નિવારણ માટે પ્રયાસ શરૂ થઈ જાય. દુ:ખના પરાજય માટે દયા કે સહાનુભૂતિનું કામ નથી. દાન-દયાનું પણ સ્થાન નથી. ખરેખર તો બધા જ જીવો પોતાના દુ:ખ દૂર કરી શકે છે, એવી શક્તિ તેમનામાં છે, એ સભાનતા કેળવવાની છે. એ જ સાચી અનુકંપા છે! બકરીની ખાલમાં સિંહનો બચ્ચો પોતાનો સ્વભાવ ભૂલી ગયો માટે જ દુ:ખી થયો. પોતાનો સ્વરૂપ અને શક્તિનું ભાન થતા તે ફરી ગર્જી ઊઠ્યો.
અનુકંપાના નામે દયા-દાન કરીને દુ:ખી જીવોને વધારે દુ:ખી ન બનાવીએ. પણ એ દુ:ખી જીવોને પોતાની સ્વાભાવિક શક્તિઓથી પરિચિત કરાવી, તેમને દુ:ખથી મુક્ત થવા માટેનું માર્ગ બતાવીએ. અંગ્રેજીમાં એક કહેવત છે, ઉજ્ઞક્ષ’િં લશદય રજ્ઞજ્ઞમ જ્ઞિં વિંય ક્ષયયમુ, યિંફભવ વિંયળ વજ્ઞૂ જ્ઞિં યફક્ષિ વિંયશિ રજ્ઞજ્ઞમ.‘ અર્થાત્: જીવોને પરાધીન નહીં પણ સ્વાધીન બનાવીએ.
બીજાના દુ:ખો પ્રત્યે સહાનુભૂતિ-દયા દર્શાવતા પહેલા આવી મિથ્ય સમજ માટે દયાપાત્ર તમે જ છે એ જાણી લેજો. હાં બીજાના દુ:ખ કંપન્ન પ્રત્યે સંવેદનશીલ જરૂર બનજો અને બની શકે તો એમની સ્વાભાવિક શક્તિ જગાડીને એમના દુ:ખ દૂર કરવા માટે નિમિત્ત જરૂર બનજો! ત્યારે તમે શાંતિ અનુભવશો અને જગતની શાંતિ માટે કારણભૂત બનશો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -