ફિટ સોલ- ડૉ. મયંક શાહ
સ્વ-પ્રેમ ભાવના દ્વારા ડિપ્રેશન દૂર કરો
—
એક સાધારણ મનુષ્યના સાધારણ જીવનમાં લગભગ એક સરખી વિભાવનાઓ જોવા મળે છે.
– નાનપણમાં મારું-તારું કરીને ઝગડવું.
– કિશોર અવસ્થામાં વિષય-સુખ પાછળ દોડવું. સાથે નિંદા, દોષારોપણ વ્યવહાર થકી અશાંત રહેવું.
– પુખ્ય વયના લોકો ખોટા વિચાર, ચિંતા અને બેચૈની અનુભવતા થઇ જાય છે. બીમારીનું આગમન થાય.
– ત્યારબાદ ઉદાસ રહેવું, રડવું, નિરાશા અનુભવવી, નાની વાત પર ગુસ્સે થવું. અસ્વસ્થતા વધતી જાય.
– ઉંમર વધતા વિચાર કરવાની ક્ષમતા ઘટતી જાય છે, થાક અને અનિદ્રાથી પીડાય છે. પાચનક્રિયા મંદ પડે છે, વિવિધ પ્રકારના દુ:ખાવાથી પીડાઇ છે.
– જીવનના સંધ્યાકાળે મન ભૂતકાળમાં ભમે છે, અફસોસ રહ્યા કરે છે, મરણના વિચાર આવે છે, જીવનમાંથી રસ ઊડી જાય છે. શરીર ર્જીણ થઇ જાય, પરવશતા અનુભવાય.
જીવનના આવા ઘટનાક્રમ સર્વત્ર દેખાય છે, છતાં પણ એના ચક્રવ્યૂહથી કોઇ બહાર આવી શકતું નથી. આવું જ જીવન હોય, આવું જ થવાનું છે. એમ કહીને બધા એને સ્વીકારી લે છે. અને આ માનવ ભવ સરર કરતું વહી જાય છે. મહામૂલ્યવાન એનું આ માનવ જન્મ વ્યર્થતામાં ખોવાઇ જાય છે.
આ પૃથ્વી પર વસતા બધા જ જીવો પ્રમાણિકપણે વિચાર કરશે, તો ઉપરોક્ત જણાવેલા લક્ષણમાં પોતાના જ જીવનનું પ્રતિબિંબ દેખાશે. શું આ કુદરતનો નિશ્ર્ચિત કાર્યક્રમ છે કે આપણે એ જ ભૂલ વારંવાર કરતા આવ્યા છીએ? શું આપણા મનની અનંત શક્તિઓ આવી યથેચ્છ પ્રવૃત્તિઓ માટે વાપરવામાં આવે છે? આ તમામ ખેલ મન દ્વારા નિર્મિત ભાવનાઓ થકી છે. સંસાર, ભાવના, સુખ-દુ:ખની ભાવના અને વિષય-સુખ ને અશુદ્ધ ભાવનાઓનું આ પરિણામ છે…
આધ્યાત્મિકતાનો અભાવ એ ડિપ્રેશનનું મુખ્ય કારણ છે!
સાધારણ મનુષ્યના સાધારણ જીવનમાં આધ્યાત્મિકતાનો અભાવ હોય છે. દિશાહીન જીવન અને કાલ્પનિક સુખ એનું પરિણામ. નિંદા, ચિંતા, અનિદ્રા, અશાંતિ અને અસ્વસ્થતા જેવાં લક્ષણો કારણ વગર પ્રકટ થતા નથી. તે આપણા અશુદ્ધ માનસ દ્વારા નિર્માણ કરેલ રોગના પરિણામે છે. આધુનિક માનસ-વિજ્ઞાને પણ આવા લક્ષણોને ‘ડિપ્રેશન’કહ્યું છે. એમ કહી શકાય કે લગભગ બધા જ જીવો ઓછાં-વધુ પ્રમાણમાં ‘ડિપ્રેશન’થી પીડાય છે. આ એવો રોગ છે જે આપણા શરીર, મન અને આત્માની સ્વસ્થતા ભરખી જાય છે.
ડિપ્રેશનના બીજ બાળપણમાં જ રોપાય છે. શાસ્ત્રોમાં એનાથી પણ વિશેષ વાત કહી છે. ગર્ભમાં બાળક પણ બાહ્ય સંસ્કારોથી પ્રભાવિત થતું હોય છે! આતમમાં ભાવનાઓનો અવિરત પ્રવાહ જે નિરંકુશ હોય, તો વિનાશ સર્જી શકે છે. આપણી ભાવનાઓ પ્રત્યે સતર્કતા અને સભાનતા કેળવવી જોઇએ. બાળકનું કુમળો માનસ બાહ્ય સંજોગ અને કુટુંબીજનોના વ્યવહારથી ખૂબ જ પ્રભાવિત થતું હોય છે. ખાસ કરીને એના પિતાને માટે જ માતાની અશુભ ભાવનાઓ અને વર્તન પુત્રને ડિપ્રેશન તરફ લઇ જાય છે. એવી જ રીતે પોતાની અશુભ ભાવનાઓ પુત્રીના માનસને
નુકસાન પહોંચાડે છે.
માતા-પિતા જયારે આધ્યાત્મિક સિદ્ધાંતો દ્વારા પોતાના અને બાળકોના જીવનનું સિંચન કરે છે ત્યારે ખરેખર જીવન જીવવા લાયક બની જતું હોય છે.
‘ડિપ્રેશન’થી મુક્તિ મેળવવા સ્વ પ્રેમ ભાવના
શાસ્ત્રોમાં શુભ ભાવનાઓનું અનેરુ વિવેચન છે. ઉપચાર ભાવના, સદાચારી ભાવના અને ઉત્ક્રાંતિ ભાવનાઓનો ખજાનો આપણને વારસામાં મળ્યો છે. સાચી સમજણથી અને વિજ્ઞાન સાધના દ્વારા અનેક સિદ્ધિઓ પામી શકાય. ભાવનાઓને સિદ્ધ કરવા માટે પાંચ પગથિયાઓનો વિવેચન પૂર્વે પ્રકાશિત લેખોમાં થઇ ચુક્યો છે. ‘ભાવના એજ સાધના’ને ફળીભૂત કરવા માટે એક પ્રધાન ભાવના પર ધ્યાન કેન્દ્રિત કરો અને અન્ય ભાવનાઓનો સમનવય કરી શકાય છે. ડિપ્રેશન એક જટીલ રોગ છે અને તે સુષુપ્ત રીતે આપણા જીવનને પ્રભાવિત કરતો હોય છે. ડિપ્રેશનના બે મુખ્ય કારણ બતાવવામાં આવ્યાં છે. માતા-પિતા અથવા કુટુંબીજનો સાથેના સંબંધમાં ઘર્ષણ અને એ નિમિત્તે ઉત્પન્ન થતો તણાવ.
અવિકસિત માનસ દ્વારા વિવિધ માનસિક પ્રક્રિયાઓને સમાભાવ ન મળે ત્યાર આવી વ્યક્તિઓ અંદર અંદર ઘુંટાયા કરે અને પોતાની ભાવનાઓને અભિવ્યક્ત કરી શકતા નથી.
ડિપ્રેશનને જડ મૂળથી નિવારણ કરવા માટે ખાસ કરીને બાળકોના ઉછેરમાં વિશેષ ધ્યાન આપવું પડશે. ધૈર્ય અને શાંતિથી એમને સમજવાની કોશિશ કરી અને એમની માનસિક મૂંઝવણોને દૂર કરવી. નાનપણથી જ એમના માનસને શુભ ભાવનાઓથી સુવાસિત કરવાથી તેઓનો પૂર્ણ વિકાસ શક્ય બને.
મોટી ઉંમરમાં ડિપ્રેશનની સમસ્યા ‘સ્વ:પ્રેમ’ ભાવનાથી દૂર કરી શકાય. પોતાનું અસ્તિત્વ જેવું છે તેવો એનો સ્વીકાર કરવો અને માનપૂર્વક જીવન જીવવું આવશ્યક છે. પ્રેમની શરૂઆત સૃષ્ટિ પ્રત્યે અહોભાવથી થાય છે. અને સ્વ:પ્રેમ આપણી પોતાની દિવ્યતા પ્રત્યે અહોભાવથી શરૂઆત થાય છે. આત્મા સુંદર હોય તો જગત સુંદર ભાસે… પોતાના શરીર, મન અને આત્માની સુંદર સંભાવનાઓના પ્રેમમાં પડો. ડિપ્રેશનનો પાયો ડગમગી જશે.
સ્વ:પ્રેમને ઉત્કૃષ્ટ બનાવવા માટે પ્રમોદ ભાવના અને મધ્યસ્તિ ભાવનાનો સમનવય કરી શકાય. પ્રમોદ એટલે ક્ષણે ક્ષણ આનંદમાં રહેવું. સુખ દુ:ખથી ‘પર’થઇ, પ્રત્યેક સંસારમાં બોધ ગ્રહણ કરીને સ્વ ઉત્ક્રાંતિના પગથિયા ચડી શકાય છે. આ સંસારની માયામાં કોઇક દિવ્ય શક્તિની આકૃતિ જેવી જાણી તે ખરેખર પરમાનંદ અનુભવી શકે છે.
મધ્યસ્તિ ભાવનાના કેન્દ્રમાં અન્ય જીવો જેવા છે તેવો સર્વેને સ્વીકારવા બધા જીવો પોતાની બુદ્ધિના સ્તર પ્રમાણે વર્તન કરે. એમના વ્યવહાર પ્રત્યે યોગ્ય વલણ અપનાવીને આપણી યાત્રાને બાધા ન પહોંચે તે ખાસ ધ્યાન રાખવું. રાગ-દ્વેષ, ક્રોધ-લોભ ઉદાસીનતા જાય એ માત્ર આપણી અજ્ઞાનતાના પર્યાયો છે એમ જાણી મધ્યસ્તમાં મસ્ત રહેવું.
આપણા આત્મિક ગુણો અને વિવિધ શક્તિઓને ડિપ્રેશન રૂપી બેડીઓથી મુક્ત કરીને સ્વ: પ્રેમ ઉપાર્જિત ઉત્સાહથી પ્રાણ પૂરતી કરીએ.
ભાવનાઓના શબ્દે શબ્દે અમૃત વસે છે, એની ઊર્જામાં ત્રણ શક્તિના ધોધ વહે છે. ભાવનારૂપી પુરુષાર્થ દ્વારા જીવનને ઉન્મત્ત બનાવીએ.
આવો પરિણામલક્ષી સાધના કરીએ, સ્વ ઉત્ક્રાંતિનો ધર્મ અપનાવીએ.