ફિટ સોલ – ડૉ. મયંક શાહ
બાહ્ય જીવનને સુખમય બનાવવા માટે બધા જ ભાગીરથ પ્રયાસ કરતા હોય છે. રોટી-કપડા-મકાન જેવી આવશ્યક સુવિધાઓ ઉપરાંત કાઇક વિશેષ ભૌતિક સુખ મળે એવી ઇચ્છા લગભગ બધા જ સંસારી જીવો કરતા હોય છે. માટે જે પૈસા-ગાડી, મકાન-વાડી મેળવવા માટેની આંધળી દોટ સર્વત્રે જોવા મળે છે. દુ:ખની વાત તો એ છે કે આવી ભૌતિક સામગ્રી મળી પણ જાય પણ એ સુખ આપી શકે એની ગેરંટી હોતી નથી, તોય આ ‘આંધળી દોટ’ અટકતી નથી. જેની પાસે અઢળક ધન-સંપત્તિ હોય છે. તેઓ પણ શરીર-મન-આત્માના રોગથી પીડાતા હોય છે.
આ સંદર્ભમાં, કબીરજીની એક રચના ઉલ્લેખનીય છે. “ખડફ્રિૂળ ઙણિિ ફજ્ઞ ઙણિિ, રે રામ નામ રસ ભીની…. આ કાવ્ય જાણે આત્મામાંથી ઉદ્ભરેલ એક પોકાર છે જે અજ્ઞાની મનુષ્યની વ્યથા વ્યક્ત કરે છે. કુદરત, બધા જ જીવોને, શુદ્ધ અને સંપૂર્ણ બનવા માટે દિવ્ય સામગ્રી પીરસે છે. આ સામગ્રીના ઉપયોગથી આપણા શરીરની રચના થાય છે, જે પણ એક અજાયબી છે. જેમ એક મુલાયમ અને શ્ર્વેત મલમલની ચાદર ઝીણવટથી ગુંથાયેલી હોય છે. તેમ આપણે આ અસ્તિત્વ પણ ઝીણવટથી નિર્માણ થયું છે. કુદરતની આ અમૂલ્ય ભેટનો દૂરઉપયોગ કરીને આ ‘ચાદર’ને આપણે મેલી કરી દીધી છે.
જો ભૌતિક સામગ્રીઓમાં સાચું સુખ નથી તો પછી સાચું સુખ ક્યાં અને કેવી રીતે મળે? આ પ્રશ્ર્ન દ્વારા જ ફિલસૂફીનો જન્મ થયો. સાચા સુખને જાણવું અને આપણા અસ્તિત્વને સમજવું એ એક ગહન વિષય છે. આ વિષય બ્રહ્મ-પરબ્રહ્મનો ‘સત’ સ્વરૂપને પરખવાની કોશિશ કરે છે. ફિલસૂફી વિષયના કેન્દ્રમાં ‘આધ્યાત્મિકતા’ ગોઠવાય છે. આધ્યાત્મિકતા કહે છે ‘તમે પોતાને જાણો તો બધું જ જાણી જશો’!
ફિલસૂફીના વિવિધ ગ્રંથોમાં જીવનનું જ્ઞાન ભરી ભરીને પીરસવામાં આવ્યું છે. છતાં પણ આના જ્ઞાનને આપણે કેમ સમજી શકતા નથી? ભૌતિકતા અને આધ્યાત્મિકતાના ભેદ સમજતા નથી. બન્ને વિપરીત દિશામાં આપણને લઇ જશે, એવું ભાસે છે. જયાં સુધી ભૌતિકતા અને આધ્યાત્મિકતાનો સમન્વય થાશે નહીં, ત્યાં સુધી સત માર્ગ પ્રકાશિત થાશે નહીં, સાચું સુખ મળશે નહીં. બાહ્ય જીવનને સુખમય બનાવવા માટેના પ્રયાસ બદલ આપણા આંતરિક જીવનને સુખમય બનાવીએ તો એ બાહ્ય જીવન આપોઆપ સુખમય બની જશે. આપણું બાહ્ય જીવન એ આપણા આંતરિક ગુણવત્તાનું જ પ્રતિબિંબ છે, એ વાત ભૂલશો નહીં.
આત્માનું મલ દૂર કરીએ
સાચું વિજ્ઞાન એજ હોય શકે જે પરિણામલક્ષી હોય. વૈજ્ઞાનિક સિદ્ધાંતોના ખરાપણાં ને સાબિત કરી શકાય છે અને એને ચોક્કસ રીતે ઉપયોગમાં પણ લાવી શકાય છે. ફિલસૂફી અને આધ્યાત્મિકતા બન્ને સવોત્તમ વિજ્ઞાન છે. આ વિજ્ઞાનને પરિણામલક્ષી બનાવવા માટે પહેલું પગથિયું ભરીએ…
આધ્યાત્મિક વિજ્ઞાનના સિદ્ધાંતો સરળ છે. આ વિષયને વધુ સરળ બનાવવા માટે એને ત્રણ વિભાગોમાં ગોઠવી દઈએ.
(૧) સૌપ્રથમ આત્માને દૂષિત કરનાર તત્ત્વોનો ત્યાગ કરો.
(૨) બીજા ક્રમે આત્માના શુદ્ધ ગુણોને વિકસાવો.
(૩) શુદ્ધ સ્વભાવમાં સ્થિર થાઓ.
વર્તમાન કાળમાં આધ્યાત્મિકતા પ્રત્યે અરુચિનું વાતાવરણ છે. એનું મુખ્ય કારણ એક જ છે – એના સિદ્ધાંતોનું અનુસરણ કરી શકતા નથી અને એમાં રહેલ સુખનો અનુભવ કરી શકતા નથી.
આપણા આત્માને સ્વસ્થ અને ફીટ (જજ્ઞીહ ઋશક્ષિંયતત) બનાવવા માટે એમાં રહેલ મલને દૂર કરવાની જરૂર છે, પણ એ ‘મલ’ને દૂર ત્યારે કરી શકશું જ્યારે એ મલને ઓળખશું અને એમાં રહેલ વિષને સમજશું. આત્મશુદ્ધિ તરફ આગળ વધવા માટે સૌપ્રથમ આવા ત્રણ વિષયુક્ત તત્ત્વોને ઓળખીએ અને જીવનમાંથી એને દૂર કરીએ- (૧) અફસોસ (૨) ચિંતા (૩) ભય.
કોઈપણ વ્યક્તિ એક ક્ષણ માટે શાંત થઈને જો આત્મનિરીક્ષણ કરશે, તો આ ત્રણે આતંકવાદીઓ એના આત્મપ્રદેશોમાં મળશે. આ ત્રણે આતંકવાદીઓ ખોળીને દેશનિકાલ કરવાની જરૂર છે. જ્યારે આપણા જીવમાં આ ત્રણેના આતંક દૂર થશે, ત્યારે જ આપણે અદ્ભુત સુખ માણી શકીશું અને સ્વયં અદ્ભુત બની જશું.
વધુ આવતા અંકે…