Homeતરો તાજાશરીરની કુદરતી ઘડિયાળ પ્રમાણે ચાલો અને સ્વસ્થ રહો

શરીરની કુદરતી ઘડિયાળ પ્રમાણે ચાલો અને સ્વસ્થ રહો

ફિટ બોડી-ધ્વનિ શાહ

મોટાભાગના લોકો બોડી ક્લોક અથવા સિરકેડિયન રીધમને એવી આંતરિક વ્યવસ્થા માને છે જે આપણે ઊંઘીએ ત્યારથી લઈને જાગીએ ત્યાં સુધી કામ કરે. પણ આપણા શરીરની કુદરતી ઘડિયાળ તેનાથી વિશેષ છે. ૨૫૦૦ વર્ષ પુરાણા ચીની વૈદક શાસ્ત્ર અનુસાર, આપણા શરીરનું પ્રત્યેક કાર્ય તેના અંગની ઘડિયાળમાં એક ચોક્કસ સમય સાથે સંકળાયેલું હોય છે. પ્રત્યેક અંગનો બે કલાકનો સમયગાળો હોય છે જયારે તે સૌથી વધુ સક્રિય હોય. આ તે સમય છે જ્યારે તે ચોક્કસ અંગ અને તેના સંબંધિત મેરિડિયનને સૌથી વધુ ઊર્જાસભર માનવામાં આવે છે, જે લાગણીઓથી લઈને ઉત્પાદકતા અને રોગના નિયંત્રણ સુધીની દરેક વસ્તુને અસર કરે છે.
આપણા જોમ-જુસ્સામાં આવતો ઉતાર-ચઢાવ આપણા આરોગ્યના અસંતુલન તરફ ઈશારો કરે છે. મેરિડિયનની ઊર્જા જયારે શ્રેષ્ઠ રીતે પ્રવાહિત ન થતી હોય ત્યારે તેનાં લક્ષણો દેખાઈ આવે છે. તેનાથી એ સંકેત મળે છે કે શું ચાલી રહ્યું છે અને આંતરિક રીતે શેની જરૂર છે. આ સ્વરૂપને જાણવા અને સાંભળવાથી સમજાય છે કે આપણા શરીરને ખાસ કરીને શેની જરૂર છે. પરંપરાગત ચીની વૈદક પ્રમાણે તમારા શરીર અને મનને એક આદર્શ દિવસ માટે કેમ યોજનાબદ્ધ કરવું તેનો એક દાખલો અહીં આપીએ છીએ.
સવારે ૩ – ૫ શાંતિપૂર્ણ ઊંઘ
અંગ: ફેફસાં
તમે ભર ઊંઘમાં હો ત્યારે હળવા શ્ર્વાસોચ્છવાસની એક ચોક્કસ પ્રક્રિયા તમારામાં ઑક્સિજનનું સ્તર વધારે છે અને ઝેરી તત્ત્વોને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે.
સવારે ૫ – ૭ આંતરડા શુદ્ધિ
અંગ: મોટું આંતરડું
આ સમય મળ ત્યાગનો છે. કારણકે આ સમયે મોટું આંતરડું સક્રિય હોય છે. આ સમયે જો આ ક્રિયા ન થાય તો વ્યક્તિએ કબજિયાતનો સામનો કરવો પડે છે.
આ સમયે મળ ત્યાગ કરવાથી શરીર હળવું બને છે અને દિવસની ભાગદોડ માટે તૈયાર થાય છે. હૂંફાળું ગરમ પાણી પીને થોડું ચાલો અથવા હળવો વ્યાયામ કરો. ચ્હા કે કૉફી જેવા ઉત્તેજક પીણાં અથવા મસાલેદાર ખોરાક આ સમયે ટાળવો.
સવારે ૭ – ૯ પૌષ્ટિક નાશ્તો કરો
અંગ: પેટ
સવારનો નાશ્તો તમારા ભોજનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. આ સમયે લીધેલો પૌષ્ટિક આહાર, પછી તે કોઈ ગરમ નાશ્તો, ફળો કે ફળોનો રસ વગેરે, પેટને સક્રિય રાખે છે અને પાચન ક્રિયા યોગ્ય રહે છે. તમારા શરીરની પ્રકૃતિ અનુસાર અને તેને અનુકૂળ ઘટકોવાળા આહારનું ચયન કરવું જોઈએ
સવારે ૯ – ૧૧ ઉત્પાદક સમય
અંગ: સ્વાદુપિંડ અને બરોળ
યકૃતની સાથે બરોળ પણ પાચન ક્રિયાનું મહત્ત્વનું અંગ છે. જો મોડેથી નાશ્તો કરવો હોય તો આ યોગ્ય સમય છે. માનસિક રીતે ભારે હોય તેવું કામ આ યોગ્ય સમય છે, કેમકે આ સમયે શરીર સૌથી વધુ ઉત્પાદક હોય છે.
સવારે ૧૧ – ૧ મિત્રો સાથે હળવું ભોજન
અંગ: હૃદય
આ સમયે ઊર્જાનો પ્રવાહ
હૃદય તરફ હોવાથી હૃદય સક્રિય હોય છે. આ સમયે શરીર આનંદની લાગણી અનુભવતું હોય છે. હળવું ભોજન અને કાચું સલાડ હૃદયને પોષણ આપે છે.
બપોરે ૧ – ૩ બેઠાડુ કાર્યો પૂરાં કરો.
અંગ: નાનું આંતરડું
બીજા ભોજન પછી શરીર ઉપયોગી અને બિનઉપયોગી ઊર્જા જુદી પાડે છે. અપચો અને પેટ ફૂલવા જેવો અનુભવ આ સમયે વધુ થાય છે. જમ્યા પછી તરત સૂવું નહીં કે ભારે વ્યાયામ ન કરવો.
બપોરે ૩ – ૫ નાશ્તાનો સમય
અંગ: મૂત્રાશય
આ સમયે શરીરની ઉર્જાનું સ્તર થોડું ઘટે છે અને તેથી આ સમયે માણસ આળસ અને ઊંઘનો અનુભવ કરે છે. તેથી આ સમયે સ્વાદિષ્ટ નાશ્તો (મીઠું મહત્ત્વનું ઘટક છે) ઊર્જાનું સ્તર ઊંચું રાખવામાં મદદ કરે છે.
સાંજે ૫ – ૭ વાળુંનો સમય
અંગ: કિડની
આ સમયે ઊર્જાનું સ્તર ઊંચું જાય છે. તેથી શરીર આંતરિક સફાઈ અને આરામ માટે સક્ષમ બને છે. આ સમયે પૌષ્ટિક અને હળવું રાત્રિભોજન આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આપણામાંના મોટાભાગના લોકોને આ સમયે ભૂખ અને ઈચ્છા ૫-૬ વાગ્યાની આસપાસ શરૂ થાય છે. પૌષ્ટિક આહાર વણજોઇતા કચરાનો ભરાવો રોકે છે, જે શરીરના આરોગ્ય ચક્રને ફરતું રાખે છે.
સાંજે ૭ – ૯ આરામનો સમય
અંગ: હૃદય અને ફેફસાંનું બાહ્ય આવરણ
આ આરામનો સમય છે. થોડું ધ્યાન કરો, વાંચન કરો, સાંજનું સ્નાન કરો અથવા કોઈની સાથે હળવો વાર્તાલાપ કરો. આમ કરવાથી રાતની સારી ઊંઘ માટેની તૈયારી થશે.
રાત્રે ૯ – ૧૧ શરીરને પ્રવાહી આપો
અંગ: ચયાપચય, રક્ત વાહિનીઓ
રક્ત સંચાર માટે યોગ્ય પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. શ્રેષ્ઠ પરિણામ માટે આ સમયે કોઈ નવશેકું પીણું અથવા પાણી પીઓ. પણ એ વાતનું ધ્યાન રાખવું કે એટલું પણ પ્રવાહી પેટમાં ન જાય કે અડધી રાતે ઊઠવું પડે.
રાત્રે ૧૧ – ૧ નિદ્રાનો સમય
અંગ: પિત્તાશય
પિત્તાશય સ્નાયુઓના સંવર્ધનમાં મદદ કરે છે અને તેમનું આરોગ્ય સુધારે છે. રાત્રે ૧૧ વાગ્યે નિંદ્રાધીન થવાથી આ ક્રિયામાં મદદ મળે છે.
રાત્રે ૧ – ૩ નિંદ્રાધીન
અંગ: યકૃત
યકૃત શરીરના પાચન અને સુધારાની ઘણી ક્રિયા ઉપર નિયંત્રણ રાખે છે. જ્વલંત લાગણીઓ અને રક્તના ચયાપચય સાથે તેને સંબંધ છે. તેથી આ સમયે તમે ઊંઘો નહીં અથવા તમારી ઊંઘમાં કોઈ ખલેલ પડે તો તમારા શરીરની કાર્યશક્તિ નબળી પડે છે.
તમારી દિનચર્યા એવી હોય જે તમારા શરીરની ઘડિયાળને પોષણ આપે અને ન માત્ર આંતરડાને, પણ જે પોષક તત્ત્વના મહત્તમ ગ્રહણને શક્ય બનાવે, જે અંતે તમારી કાર્યશક્તિ વધારે અને શરીરને નિરોગી રાખે. આંતરડા સ્વસ્થ રહે તો શરીર નિરોગી રહે અને આપણી જીવનશૈલીને કારણે ઉત્પન્ન રોગો, જેવા કે એસીડીટી, અપચો, ડાયાબિટીઝ, હાયપરટેંશન વગેરેની સારવારમાં મદદ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular