ફિટ બોડી – ધ્વનિ શાહ
ખોરાક માટેની તલપ એટલે કોઈ ચોક્કસ પદાર્થ માટેની, કોઈ ચોક્કસ સમયે થતી તીવ્ર ઈચ્છા . આ તીવ્ર ઈચ્છા કે તલપ દરેક વ્યક્તિમાં જુદી જુદી રીતે પ્રગટ થતી હોય છે, જેમકે દિવસના કોઈ ચોક્ક્સ સમયે થતી ઈચ્છા, કોઈ ચોક્કસ પદાર્થ ખાવાની ઈચ્છા અથવા સાધારણ કરતાં વધારે પડતું ખાવું.
એવું નોંધાયું છે કે મોટેભાગે આ તલપ પ્રોસેસ્ડ ફૂડ માટે અથવા જેમાં ગળપણનું પ્રમાણ, નમક અથવા ચરબી વધારે હોય તેની હોય છે. તમારું શરીર આમાંથી કોઈ પદાર્થની તીવ્ર ઈચ્છા કરે છે તે તમારામાં એ પદાર્થની ઊણપ અથવા કોઈ તબીબી સ્થિતિ તરફ ઈશારો કરે છે.
ખાંડની તલપ
ખાંડની તલપ એ તમામ ખોરાકની તલપમાં સૌથી સામાન્ય છે, ખાસ કરીને સ્ત્રીઓના માસિકચક્રની આસપાસ તેમને સૌથી વધુ હોય છે. ખાંડ મૂડને ઉન્નત કરવા, જીભને સંતૃપ્ત કરવા અને ઊર્જામાં ત્વરિત ઉછાળો લાવવાનો એક જૂનો ઉપાય છે. જ્યારે યોગ્ય સ્વરૂપમાં ખાવામાં આવે છે, ત્યારે ખાંડ ઔષધીય છે, પરંતુ જ્યારે તીવ્ર તલપ તરીકે વધુ માત્રામાં ઉપયોગ કરવામાં આવે ત્યારે તે એકંદર આરોગ્ય માટે હાનિકારક છે.
તલપને ટાળો નહીં, દૂર કરો: આપણે યાદ રાખવું જોઈએ કે, ખોરાકની તલપ પર નિયંત્રણ મેળવવાનો અર્થ કોઈ ચોક્કસ ખોરાક ખાવાથી દૂર રહેવું એવો નથી, પરંતુ એ છે કે તમને તે ખોરાક ખાવાની ઈચ્છા ન થાય. કલ્પના કરો – તમારી સામે ચોકલેટ કેક છે. તમે એક બટકું ખાઓ છો અને તમને સંતોષ થઇ જાય છે! આ સ્તર સુધી પહોંચવા માટે, પહેલા એ જાણીએ કે તલપ શા માટે લાગે છે.
તણાવ પ્રેરિત તલપ: માનવ મગજ ગ્લુકોઝનો ઉપયોગ ઊર્જાના પ્રાથમિક સ્ત્રોત તરીકે કરે છે. મગજને ખાસ કરીને તાણ દરમિયાન વધારે કામ કરવું પડે ત્યારે શરીરમાં ગ્લુકોઝના ભંડાર ઝડપથી ઘટી જાય છે. તેના રક્ષણ માટે મગજ ખાંડ ખાવા માટે સંકેતો મોકલે છે જે મગજ અને શરીર માટે તાત્કાલિક ઊર્જા સ્ત્રોત છે. જો કે, આ સિગ્નલને ઘણી વખત કુદરતી ખાંડ ખાવાને બદલે કશુંક “ગળ્યું” ખાવાનું ખોટું અર્થઘટન કરવામાં આવે છે.
ઉપાય- સૂતી વખતે ૧ ચમચી બદામનું માખણ, ૧ ચપટી તજ પાવડર અને ૧ ચમચી મધ સાથે ખાઓ.
પિત્ત પ્રેરિત અને ખાંડની તલપ: એસિડિક શરીર રોગનું ઘર છે. તે કુપોષણનું એક કારણ પણ છે, કારણ કે સૂક્ષ્મ પોષકતત્ત્વોનું શોષણ અને એસિમિલેશન શરીરના એસિડિક/આલ્કલાઇન પીએચ દ્વારા ખૂબ પ્રભાવિત થાય છે. સૂક્ષ્મ પોષકતત્ત્વોની ઊણપ, ખાસ કરીને ક્રોમિયમ, ઝીંક અને મેગ્નેશિયમ ખાંડની તલપને જન્મ આપે છે. શરીરને આલ્કલાઈઝ કરવું એ આ તૃષ્ણાઓને ઘટાડવાની ચાવી છે.
ઉપાય – સવારે ઊઠતાં જ એક ગ્લાસ પાણીમાં જીરું ભેળવીને પીઓ.
અનિંદ્રા પ્રેરિત ખાંડની તૃષ્ણા: ઊંઘનો અભાવ એટલે આરામનો અભાવ. થાકેલું શરીર દિવસભર ખેંચવા માટે ઊર્જાની વધુ જરૂરિયાત દર્શાવે છે. આ ઊર્જાનું સૌથી સરળ સ્વરૂપ ખાંડ છે.
ઉપાય- સવારે ઊઠીને
અથવા કસરત કરતા પહેલા ૨ પલાળેલા જરદાળુ ખાઓ.
કંટાળો અથવા હતાશા પ્રેરિત ખાંડની લાલસા: મોટાભાગની ખાંડની તૃષ્ણાઓ જરૂરિયાત આધારિત હોતી નથી, તે કંટાળાને કારણે ઊભી થાય છે. આખો દિવસ ઘરે બેસીને કંઈ કરવાનું નથી? ખાંડ ખાઓ! પરીક્ષાઓ માટે અભ્યાસ કરી રહ્યા છો અને વિરામની જરૂર છે? ખાંડ ખાઓ! બ્રેકઅપમાંથી પસાર થઈ રહ્યા છો? ખાંડ ખાઓ! હવામાન ખૂબ વાદળિયું છે? ખાંડ ખાઓ!
ખાંડ શરીરને સેરોટોનિન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, જે એક ‘ફીલ ગુડ’ હોર્મોન છે. તે તમને શાંત ઊંઘ મેળવવા અને મૂડ સુધારવામાં મદદ કરે છે. આવા સમયે ખાંડને યોગ્ય સ્વરૂપ અને માત્રામાં ખાવાથી સારું પરિણામ મળે છે. જમતા પહેલા ઘરે બનાવેલા લાડુ અથવા બરફીનો નાનો ટુકડો ખાઓ. તમારા દૂધમાં થોડો કોકો પાવડર ઉમેરો અને સૂવાના સમયે હેલ્ધી હોટ ચોકલેટ બનાવો.
ઉપાય- ૧ કેળું ૧ ટીસ્પૂન ઘી અને ૧ ચપટી એલચી પાવડર સવારે જાગ્યા પછી અથવા કસરત કર્યા પછી ખાઓ.
ખાંડ વિરુદ્ધ ગળપણની લાલસા:
“મારું બીપી ઓછું થાય ત્યારે હું ચોકલેટ ખાઉં છું? શું તમે આવું વારંવાર સાંભળો છો? વેલ, ‘લો સુગર’અને ‘લો બીપી’ વચ્ચે તફાવત છે. જો તમારું બ્લડ પ્રેશર ઘટે, તો તમારે મીઠું ખાવું જોઈએ અને જો તમારું બ્લડ સુગર ઘટી જાય, તો તમારે ખાંડ ખાવી જોઈએ. લો બ્લડ પ્રેશર હોય ત્યારે ચક્કર, ઉબકા અને અસ્પષ્ટ દ્રષ્ટિ જેવા લક્ષણો અનુભવો છો, જ્યારે, લો બ્લડ સુગર હોય ત્યારે તમે પરસેવો, થાક અને બેચેન અનુભવો છો.
એકંદરે, ખાંડની તૃષ્ણાઓને સંતુલિત કરવાની ચાવી એ મનની યોગ્ય અવસ્થા છે અને તમારી દૈનિક જીવનશૈલીના ભાગરૂપે આવશ્યક વસ્તુઓ ખાવી જોઈએ. સ્વાદ માટે થોડી ખાંડ ખાવી એ એકદમ સારું છે, પરંતુ તૃષ્ણાના ભાગરૂપે તેને ખાવું ઠીક નથી.