ભારતની વીરાંગનાઓ – ટીના દોશી
સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન શિવપુર ઝંડા સત્યાગ્રહમાં ધ્વજ ફરકાવીને મહિસુર રાજ્યમાં ધરપકડ વહોરનાર એ પ્રથમ સ્ત્રી હતી…
નામ એનું બેલ્લારી સિદમ્મા. જન્મ ૧૯૦૩માં કર્ણાટકમાં. ધારવાડ જિલ્લો. હાવેરી તાલુકો અને ધુંદાસી ગામ. પિતા કોત્તેજ બસપ્પા. વ્યવસાયે વ્યાપારી હતા, પણ દેશભક્ત હતા. સ્વતંત્રતા સંગ્રામમાં એમને બેહદ રસ હતો. પિતાએ પુત્રીમાં પણ દેશપ્રેમનું સિંચન કર્યું. કોત્તેજ બસપ્પા દીકરી સિદમ્મા માટે અખબારો અને સામયિકો લાવતા. એથી સિદમ્મા દેશમાં બનતી ઘટનાઓથી માહિતગાર થઈ. ભારતની ગુલામી અને અંગ્રેજોના રાજ અંગે જાણતી થઇ. સિદમ્મા જેટલું વધુ જાણતી ને સમજતી ગઈ, જેટલી જાણકારી મેળવતી ગઈ એટલી જ તીવ્રતાથી આઝાદી આંદોલન પ્રત્યે આકર્ષાતી ગઈ.
સંયોગ એવો સર્જાયો કે સિદમ્માનાં લગ્ન સ્વતંત્રતા સેનાની બેલ્લારી મુરુગપ્પા સાથે થયાં. પરિણામે આઝાદી આંદોલનમાં ઝુકાવવાનું એનું સ્વપ્ન સાકાર થયું. પતિના સાથસહકારથી સ્વરાજની લડતની સીડીના પહેલાં પગથિયે એણે પગ મૂક્યો. આ અરસામાં એક ઘટના બની. બ્રિટિશ સરકારે મલ્લાપ્પા ધનશેટ્ટી અને એના સાથીઓ માટે માર્શલ લો હેઠળ ‘શૂટ એટ સાઈટ’ – ‘દેખો ત્યાં ઠાર’નું ફરમાન જારી કર્યું. બ્રિટિશ સરકાર દ્વારા ઘડાયેલો માર્શલ લો એક એવો કાળો કાયદો હતો જેમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમયે પોલીસ કે ન્યાયાલયની મંજૂરી વિના ગોળીથી ઠાર મારી શકાતી હતી.
મલ્લાપ્પા ધનશેટ્ટી મહારાષ્ટ્રના સોલાપુરના ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સૈનિક હતા. એમણે અને એમના સાથીઓએ અંગ્રેજ સલ્તનતને પડકારેલી. અંગ્રેજોના નાકમાં દમ આણી દીધેલો. એથી ગિન્નાયેલી અંગ્રેજ સરકારે સ્વતંત્રતાની ચળવળને કચડવા માટે મલ્લાપ્પા ધનશેટ્ટી અને એમના સાથીઓને દેખો ત્યાં ઠાર કરવાનો હુકમ જારી કર્યો. છતાં આઝાદીના લડવૈયાઓએ અંગ્રેજ સરકારને કોઠું આપ્યું નહીં. એમનું વલણ એવું હતું કે, ‘ના તલવારની ધારથી, ન ગોળીઓના વરસાદથી, બંદા ડરે છે માત્ર પરવરદિગારથી…’ ઘમંડી બ્રિટિશ હૂકૂમતથી ક્રાંતિકારીઓનો રુઆબ સહન ન થયો. સરકારે મલ્લાપ્પા ધનશેટ્ટી અને એમના સાથીઓ શ્રીકૃષ્ણ લક્ષ્મીનારાયણ સારદા, અબ્દુલ રસૂલ કુરબાન હુસૈન અને જગન્નાથ ભગવાન શીંદની ધરપકડ કરી. નામ પૂરતી અદાલતી કાર્યવાહી કરીને ચારેયને ફાંસીની સજા ફટકારી. ૧૨ જાન્યુઆરી ૧૯૩૧ના પુણેની યરવડા જેલમાં ચારેયને ફાંસીએ ચડાવી દેવાયા.
આ ઘટનાથી સિદમ્મા ખળભળી ઊઠી. જે સિદમ્મા માત્ર ગૃહિણી હતી, એ ઘરની ચાર દીવાલમાંથી બહાર નીકળી. એણે જાહેર કર્યું કે, અંગ્રેજોને કોઈ પણ રીતે દેશમાંથી તગેડી મૂકવા પડશે. સિદમ્મા બ્રિટિશરો વિરુદ્ધ તેજાબી ભાષણો કરતી થઇ. તેની અંગારા વરસાવતી વાણીથી લોકો સ્વતંત્રતા સંગ્રામમાં જોડાવા પ્રેરિત થયાં.
સિદમ્મા નીડર અને સાહસી હતી. તેણે દાવનગિરી, ચિત્રદુર્ગ અને અન્ય પાડોશી ગામોમાં ત્યાંના લોકોની ભાષામાં ઝંઝાવાતી પ્રચારસભાઓ કરી. લોકજાગૃતિનું નિર્માણ કર્યું. સ્ત્રી સ્વયંસેવકોના સંગઠનનું નિર્માણ કર્યું. પરિણામે મહિસુરમાં રાજ્યકક્ષાનાં આગળ પડતાં નેતાઓમાં તેની ગણના થવા લાગી.
મહિસુર રાજ્યનાં આગલી હરોળનાં આગેવાન તરીકે સિદમ્માનો સંપર્ક અન્ય નેતાઓ સાથે થયો. સરદાર વિરનગૌડા પાટિલ, કે.એફ.પાટિલ, નાગમ્મા પાટિલ, એસ. નિજલિંગાપ્પા અને ટી. સિદ્દાલિંગૈયા જેવા મહત્ત્વના નેતાઓ સાથેના સંવાદને પગલે સિદમ્માની પ્રવૃત્તિઓનો વ્યાપ વિસ્તર્યો. સાર્વજનિક કાર્યક્રમોમાં એ ઊલટભેર ભાગ લેવા લાગી.
આવો જ એક કાર્યક્રમ એટલે શિવપુરનો ઝંડા સત્યાગ્રહ. રાષ્ટ્રીય ચળવળનું અગત્યનું સોપાન અને સીમાચિહ્ન એટલે શિવપુર ઝંડા સત્યાગ્રહ. એપ્રિલ ૧૯૩૮માં શિવપુરમાં રાષ્ટ્રીય આંદોલનના પ્રતીકસમો ઝંડા સત્યાગ્રહ થયેલો. એની પૂર્વભૂમિકા જોઈએ. વર્ષ ૧૯૩૮માં ગુજરાતના હરિપુરામાં નેતાજી સુભાષચંદ્ર બોઝની અધ્યક્ષતામાં કૉંગ્રેસનું અધિવેશન મળેલું. મહિસુર કૉંગ્રેસના પ્રતિનિધિઓએ આ અધિવેશનમાં હાજરી આપેલી. તેમને મહિસુરમાં પણ આ જ પ્રકારનું અધિવેશન યોજવાની અને ધ્વજ ફરકાવવાની પ્રેરણા મળી. બ્રિટિશ સરકારના અન્યાયી કાનૂન મુજબ ભારતના નાગરિકને રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા પર પ્રતિબંધ હતો. આ કાનૂન એક પ્રકારે નાગરિક સ્વતંત્રતા પર તરાપ જ હતી. એથી ઝંડા સત્યાગ્રહનો ઉદ્દેશ શાંતિપૂર્ણ નાગરિક અસહકાર અને રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાના અધિકારનો ઉપયોગ કરીને બ્રિટિશ સરકારને પડકાર ફેંકવાનો હતો. ૧૯૨૩માં નાગપુર અને જબલપુર ઝંડા સત્યાગ્રહે ભારે ખળભળાટ મચાવેલો. એના પંદર વર્ષ પછી શિવપુર ઝંડા સત્યાગ્રહે ખાસ્સી ચર્ચા જગાવેલી.
બ્રિટિશ પ્રશાસનને શિવપુરમાં ધ્વજ સત્યાગ્રહ થવાનો અણસાર આવી ગયો. મહિસુરના વહીવટીતંત્રે ધ્વજ સત્યાગ્રહને નિષ્ફળ બનાવવા સાર્વજનિક સભાઓ પર પ્રતિબંધ મૂકી દીધો. પરંતુ પ્રતિબંધોની પરવા કર્યા વિના મહિસુર કૉંગ્રેસ ઝંડા સત્યાગ્રહની તૈયારી કરવામાં પરોવાઈ. શિવપુરમાં એનું આયોજન કરાયું. યુવા નેતા વીરનગૌડાએ શિવપુરના જમીનદાર અને આબકારી ઠેકેદાર તિરુમાલ ગૌડાની સહાય માંગી. તિરુમાલે ઝંડા સત્યાગ્રહ માટે પોતાની નવ એકર જમીન આપી. ઝંડા સત્યાગ્રહમાં બહોળી સંખ્યામાં લોકો સહભાગી થાય એ માટે નેતાઓએ પ્રચાર કર્યો. સત્યાગ્રહના આયોજકોએ ધ્વજસ્તંભ તરીકે સાઠ ફૂટ ઊંચા સોપારીના વૃક્ષનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. નજીકના એક ગામડામાંથી
સોપરીનું વૃક્ષ કાપીને, એનું સન્માન જાળવવા ઝાડનું થડ જમીનને અડકે નહીં એ રીતે ત્રણ બળદગાડામાં ગોઠવ્યું. સત્યાગ્રહ માટે ૯ એપ્રિલ ૧૯૩૮ના સવારના નવ વાગ્યાનો સમય નક્કી કરાયો. કોંગ્રેસ પ્રમુખ ટી. સિદ્દાલિંગૈયા ધ્વજ ફરકાવવાના હતા. પરંતુ મહિસુર પોલીસે એમની ધરપકડ કરી લીધી. અન્ય નેતાઓએ પણ ધરપકડ વહોરી. ત્રણ દિવસ વીત્યા. લોકો ઝંડા સત્યાગ્રહ માટે ઊમટી રહેલા. એક બાજુ સન્નાટો હતો, બીજી બાજુ સત્યાગ્રહીઓનો શોર.
૧૩ એપ્રિલ ૧૯૩૮… સિદમ્માએ મધુર કંઠે વંદેમાતરમ ગાન ગાવાનું શરૂ કર્યું. એણે સૌનું ધ્યાન ખેંચ્યું. આકર્ષણનું કેન્દ્ર બની ગઈ. સિદમ્માએ તમામ પ્રકારનાં પરિણામો પોતે ભોગવવા તૈયાર છે એવી ઘોષણા કરીને દોરી ખેંચી અને ધ્વજ લહેરાવ્યો. અહંકારી અંગ્રેજ સરકારને એણે ખુલ્લો પડકાર ફેંકેલો. એથી ધૂંધવાયેલી પોલીસે વળતી ક્ષણે સિદમ્માની ધરપકડ કરી. વાયુવેગે વાત પ્રસરી. લોકો સિદમ્માના સાહસની મુક્તકંઠે પ્રશંસા કરતાં કહેવા લાગ્યાં: ખરેખર બહાદુર સ્ત્રી, આદર્શ સત્યાગ્રહી આને કહેવાય!
કેટલાક સમય પછી સિદમ્માને છોડવામાં આવી. એ ફરીથી આઝાદી આંદોલનમાં કાર્યરત થઇ ગઈ. કર્ણાટક અને મહિસુરમાં પૂરજોશમાં પ્રવાસ કર્યો. ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રવૃત્તિઓ આરંભી. બહેનોને ચરખો ચલાવવા તથા કાંતણકામ અને વણાટકામ માટે પ્રેરી. ગાંધીજીના શબ્દોને એ દોહરાવતી: રેંટિયાને હું આપણી કરોડો ગરીબ બહેનોની આર્થિક સ્થિતિ સુધારવા માટેનું મોટામાં મોટું સાધન માનું છું. રેંટિયો તેમને આશાના કિરણની ઝાંખી કરાવશે અને તેમનામાં સ્વમાનની ભાવના જાગૃત કરશે. રેંટિયો હિંદના કરોડો લોકોને એક તાંતણે બાંધવાનું સાધન બનશે. રેંટિયો સંદેશ આપે છે કે કાંતો એટલે તમને કંઈ નહીં તો છેવટે રોટલાનો ટુકડો તો મળી રહેશે.
સિદમ્માએ આ રીતે રેંટિયાનો પ્રચાર કર્યો. આબાલવૃદ્ધોને વ્યસમુક્ત થવા માટે પ્રોત્સાહિત કર્યા. ચિત્રદુર્ગ જિલ્લાના તુરુવેનુરમાં એસ. નિજલિંગાપ્પાના નેતૃત્વમાં તાડીનાં વૃક્ષોનો નાશ કરવાના કાર્યક્રમમાં ભાગ લીધો. એ પછી ૧૯૪૨ના ભારત છોડો આંદોલનમાં પણ સહભાગી થઇ. ભૂગર્ભમય થઈને કામ કરતાં સ્વાતંત્ર્ય સેનાનીઓને સહાય કરતી. બ્રિટિશ સિપાહીઓએ એના પર બાજનજર રાખેલી, પરંતુ સિદમ્મા પોલીસને સરળતાથી બેવકૂફ બનાવીને પોતાનું કામ કર્યે રાખતી.
બેલ્લારી સિદમ્મા સક્રિયપણે સ્વતંત્રતા સંગ્રામમાં કામ કરતી રહી. દેશ આઝાદ થયા પછી આઝાદી આંદોલનમાં એણે કરેલા યોગદાન અને સ્ત્રીઓ માટે એણે કરેલી કામગીરીને પગલે તામ્રપત્રથી એને સન્માનિત કરવામાં આવી હતી.
સ્વરાજની લડતમાં ભાગ લેનાર વીરાંગનાઓને યાદ કરીએ ત્યારે સિદમ્માનું પણ સ્મરણ કરવાનું ન વિસરીએ!