Homeલાડકીઆઝાદી આંદોલનમાં જેલવાસ વેઠનાર ઓરિસ્સાની પ્રથમ સ્ત્રી: સરલાદેવી

આઝાદી આંદોલનમાં જેલવાસ વેઠનાર ઓરિસ્સાની પ્રથમ સ્ત્રી: સરલાદેવી

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

એક એવી મહિલા જેણે કાવ્ય, નવલિકા, નવલકથા, નાટક, જીવનકથા, આત્મકથા અને પત્રલેખન જેવાં વિવિધ પ્રકારનાં સાહિત્ય સહિત ત્રીસ પુસ્તકો અને ત્રણસો નિબંધ લખ્યાં હોય…
ના, એ માત્ર સાહિત્યકાર, કવયિત્રી કે લેખિકા નથી. સમાજસેવિકા અને રાજનીતિજ્ઞ પણ છે. પરંતુ એમની ખરી ઓળખ એ છે કે એ સ્વતંત્રતા સેનાની છે. આઝાદી આંદોલન દરમિયાન અસહકારની ચળવળમાં ભાગ લેનાર પ્રથમ ઓડિયા સ્ત્રી. સ્વતંત્રતા સંગ્રામમાં જેલવાસ ભોગવનાર ઓરિસ્સાનાં પ્રથમ મહિલા હોવાનો યશમુકુટ પણ એમના મસ્તકને શોભાવી
રહ્યો છે!
આ બહુમુખી પ્રતિભાનું નામ સરલાદેવી. ઘણા પ્રથમ એમનાં નામ સાથે જોડાયેલાં છે. પણ આ ‘પ્રથમ’નો આરંભ તો આઝાદી આંદોલનને પગલે જ થયો. પછી તો સેરમાં એક પછી એક મોતી ગૂંથાય એમ પ્રથમ ગૂંથાતાં રહ્યાં. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનાં પ્રથમ ઓડિયા પ્રતિનિધિ અને ઓરિસ્સા વિધાનસભાનાં પ્રથમ મહિલા અધ્યક્ષ પણ એ જ. ઉત્કલ વિશ્ર્વવિદ્યાલયનાં પ્રથમ મહિલા સેનેટ પણ સરલાદેવી જ. એમણે આટઆટલું પ્રદાન કર્યું છે, પણ સરલાદેવીનું નામ લેવાય ત્યારે સ્વતંત્રતા સેનાની તરીકેની ઓળખ ભીંત ફાડીને પીપળાની જેમ ઊગી નીકળે છે!
સરલાદેવીની જન્મતારીખ ૧૯ ઓગસ્ટ ૧૯૦૪. તત્કાલીન બંગાળ પ્રેસિડેન્સીના ઓરિસ્સા ડિવિઝનમાં. અવિભાજિત કટકના જગતસિંહપુરમાં. બાલિકોડાની સમીપ નારિલો ગામમાં. અત્યંત શ્રીમંત અને કુલીન જમીનદાર કુટુંબમાં. પિતા બાસુદેવ કાનૂનગો અને માતા પદ્માવતીદેવી. જોકે સરલા બાલ્યાવસ્થામાં પિતાના મોટા ભાઈ બાલમુકુંદ કાનૂનગો સાથે બાંકીમાં રહી. બાલમુકુંદ બ્રિટિશ સરકારમાં ડેપ્યુટી મેજિસ્ટ્રેટ હતા. એ જમાનામાં ક્ધયાશિક્ષણનું પ્રમાણ નહીંવત હતું, પણ કાકાએ ભત્રીજીના અભ્યાસમાં ખૂબ રસ લીધો. તેને કવયિત્રી, સમાજસેવિકા અને આગેવાન બનવા માટે પ્રોત્સાહિત કરી.
ત્રણેય બાબત મનની ખરલમાં પીસતી સરલાએ પ્રાથમિક શિક્ષણ કટકની રાવેનશો ક્ધયાશાળામાં અને સાંબલપુરની ક્રોફર્ડ ક્ધયાશાળામાં લીધું. આગળ ભણવાના રસ્તા બંધ હતા. ક્ધયાના ઉચ્ચ શિક્ષણ પર પ્રતિબંધ લદાયેલો. પણ ચાહ હોય તો રાહ હોય. સરલાએ ઘેર રહીને અભ્યાસ આગળ વધાર્યો. ખંત અને ધગશને પગલે ઓડિયા, બંગાળી, હિન્દી અન અંગ્રેજી ભાષા અસ્ખલિતપણે બોલતાં થયાં.
બાંકીનિવાસ દરમિયાન આ જ અરસામાં સરલાને ઓરિસ્સાની મહાન રાજરાણી સુકદેઈ વિશે જાણવાનો મોકો મળ્યો. શત્રુને ઘૂંટણિયે ટેકવીને ક્ષમાદાન દેનાર રાણીની દેશભક્તિ અને સમર્પણથી સરલા અત્યંત પ્રભાવિત થઇ. પોતે પણ દેશ માટે કંઇક કરી છૂટશે એવી ભાવનાનો સરલાના મનમાં સંચાર થયો. કાળક્રમે દેશપ્રેમની લાગણી ઘૂંટાઈને ઘટ્ટ થતી ગઈ.
આ લાગણીની લહેરોને વહેવા માટેનો ઢાળ પણ ઝડપથી મળ્યો. ૧૪ વર્ષની ઉંમરે સરલાદેવીનાં લગ્ન જાણીતા વકીલ ભાગીરથી મહાપાત્રા સાથે થયાં. ભાગીરથી આઝાદી આંદોલન સાથે જોડાયેલા હતા, એથી એમણે સરલાદેવીને પણ સ્વતંત્રતા સંગ્રામમાં જોતર્યા. માતૃભૂમિની મુક્તિ માટે સંગ્રામમાં કૂદી પડ્યાં. એના મૂળમાં હતો ગાંધીજીની વિચારધારાનો પ્રભાવ.
ગાંધીજીને પ્રત્યક્ષ જોવાનો લહાવો પણ સરલાદેવીને મળ્યો. વર્ષ ૧૯૨૧. કટકમાં કથજોડીના સરિતાતટે મહાત્મા ગાંધીએ એક સભાને સંબોધન કર્યું. સભામાં સરલાદેવી સહિત ચાળીસેક સ્ત્રીઓ ઉપસ્થિત હતી. ગાંધીજીની વાણીની વહેતી રસધારામાં સરલાદેવી તરબોળ થઇ ગયાં.
આઝાદી આંદોલનમાં વધુ સક્રિય થવા માટે સરલાદેવી મહિલા સમાજમાં જોડાયાં. ઓડિયા ભાષા કોશના લેખક ગોપાલ કૃષ્ણ પ્રહરાજના પુત્રી શ્રીમતી લાવણ્યબતી દેવીએ ઓડિયા મહિલાઓને મોટી સંખ્યામાં સ્વાતંત્ર્ય ચળવળમાં જોડવા માટે મહિલા સમાજની સ્થાપના કરેલી. ચળવળના ભાગરૂપે ૧૯૨૪માં કટક નગરપાલિકાના મેદાનમાં મહિલા સમાજનું પ્રાંતીય સંમેલન ભરાયું. બહોળી સંખ્યામાં સ્ત્રીઓ સંમેલનમાં ઉપસ્થિત રહી, પણ બેઠક વ્યવસ્થા મુખ્ય ધારાથી સ્ત્રીઓને જુદી પાડતી હતી. સ્ત્રીઓ વાંસના પરદા પાછળ બેસીને પ્રવચનો સાંભળે એ પ્રકારનું આયોજન કરાયેલું. સરલાદેવી ઓચિંતા જ પરદા પાછળથી બહાર નીકળીને આગળ આવ્યાં. એમણે આગઝરતું ભાષણ કર્યું. આ ક્રિયા ઘરની ચાર દીવાલમાં કેદ રહેવાની ઓડિયા સ્ત્રીઓ માટેની વર્ષો જૂની પ્રણાલી સામે ઉઘાડો વિદ્રોહ હતો. બેડીના બંધનમાથી સ્ત્રીમુક્તિ માટેનું દૃષ્ટાંત હતી!
વર્ષ ૧૯૩૦માં મીઠાનો સત્યાગ્રહ થયો. ગાંધીજીની દાંડીયાત્રાએ આખા દેશને એક તાંતણે બાંધ્યો. માળામાં પરોવાતાં ફૂલની જેમ દેશનો પ્રત્યેક પ્રદેશ સત્યાગ્રહમાં પરોવાયો. આ માળાનું એક પુષ્પ ઓરિસ્સા પણ હતું. સરલાદેવી પુષ્પની પાંખડી. એમણે બહેરામપુરમાં સત્યાગ્રહ છેડ્યો. ઉદજોગ મંદિર નામનો આશ્રમ સ્થાપ્યો. આશ્રમના માધ્યમથી અંગ્રેજ સરકાર સામે બૂંગિયો ફૂંક્યો. મદ્રાસ સરકારે સરલાદેવીની ધરપકડ કરી. વેલ્લોર જેલમાં બંદી બનાવાયાં.
કારાગારની કેદમાં સરલાદેવી સતત પ્રવૃત્ત રહેતાં. પોતાની પ્રવૃત્તિઓ અંગે પતિ ભાગીરથી મહાપાત્રાને એમણે ૨૩ જૂન ૧૯૩૦ના જેલમાંથી પત્ર લખેલો. આ પત્રમાં એમણે
લખેલું કે,
પ્રિય ભગુ બાબુ, તમે કદાચ એવું વિચારતા હશો કે મારું જેલજીવન સુસ્તી ભરેલું હશે. હું આળસમાં મારો સમય વેડફતી હોઈશ એવું પણ તમે માનતા હશો. પણ એવું કાંઈ જ નથી. હું મારા સમયનો સદુપયોગ કરીને અંગ્રેજીનો અભ્યાસ કરવામાં વ્યસ્ત થઇ ગઈ છું. અન્ય કેદીઓ પણ મારી માફક હિન્દી અથવા અંગ્રેજી ભણી રહ્યાં છે. જેલમાં હિન્દી અને અંગ્રેજીના વર્ગો નિયમિતપણે લેવાય છે. મારાં ગાઢ મિત્ર શ્રીમતી લક્ષ્મીપતિ બી.એ. અંગ્રેજી ભણાવે છે અને મારાં આત્મીય સખી દુર્ગાબાઈ હિન્દી ભણાવે છે. કેટલાક કેદીઓ ચરખો ચલાવીને કાંતણ પ્રવૃત્તિમાં પરોવાયાં છે, તો કેટલાક કેદીઓ સંગીતની તાલીમ લઇ રહ્યાં છે.
સરલાદેવી જેલમાં પુરાઈને રજમાત્ર પણ હિંમત હાર્યા નહોતાં. માભોમ માટે માથે કફન બાંધીને નીકળ્યા પછી ભય શાનો રાખવાનો. ગાંધીજીનો સરલાદેવી પર ખૂબ ઊંડો પ્રભાવ હતો. એમના નિબંધોમાં ગાંધીપ્રભાવ સતત ઝળક્યા કરે છે. ઓડિયા ભાષામાં સરલાદેવીએ ભારતીય સ્ત્રીઓ માટે ‘મહાત્મા ગાંધીનો સંદેશ’ નામનો એક નિબંધ લખેલો. આ નિબંધમાં સરલાદેવીએ લખેલું કે,
જો કોઈ વ્યક્તિ ૧૯૨૧થી ૧૯૪૭ના સમયખંડમાં નારીજાગૃતિની પ્રક્રિયાનું દસ્તાવેજીકરણ કરે તો શિક્ષણ અને આર્થિક ક્ષેત્રે સ્ત્રીને જાગૃત કરવા માટેનો સઘળો યશ તે ચોક્કસ જ મહાત્મા ગાંધીને જ આપશે. આ સ્ત્રીઓએ જે કોઈ વિકાસ કર્યો અથવા જે કોઈ કામ કર્યા તેના મૂળમાં ગાંધીજીના
વિચારો, ગાંધીજીના આદર્શો અને ગાંધીજીના કાર્યો જ રહેલાં છે. આ કારણસર ગાંધીજી હંમેશાં ભારતીય સ્ત્રીના મહાન માર્ગદર્શક તરીકે આદરણીય લેખાશે. ગાંધીજીનાં લખાણોમાં મહિલા પ્રત્યેનો દૃષ્ટિકોણ જેવો વિશાળ, ઉદાર અને બહાદુરીભર્યો હોય છે તેવો અભિગમ વિશ્ર્વમાં બીજા કોઈ નેતામાં મેં જોયો નથી. સ્ત્રીઓની સમસ્યાઓનું જે નિવારણ ગાંધીજીએ સૂચવ્યું છે તે માત્ર ભારતની નારીઓને જ નહીં, સમગ્ર વિશ્ર્વની મહિલાઓને પણ એટલું જ લાગુ પડે છે. સત્યાગ્રહમાં સહભાગી થવાની એમની એક જ હાકલે ભારતના ગામડાંના ખૂણેખાંચરેથી અસંખ્ય અભણ અને ઉપેક્ષિત મહિલાઓ ઘરની બહાર નીકળી પડી. આ સ્ત્રીઓએ ભારત દેશની આઝાદીમાં અમૂલ્ય પ્રદાન કરીને દેશને કીર્તિ અપાવી અને દેશનું ગૌરવ વધાર્યું. પણ એના મૂળમાં ગાંધીજી જ હતા.
સરલાદેવીના નિબંધોમાં કેન્દ્રસ્થાને ગાંધીજી રહ્યા અને એમની કૃતિઓ મુખ્યત્વે સ્વતંત્રતા તથા નારીની ધરી પર રચાઈ. એમની રચનાઓ ‘બીર રમણી-સાહસિક સ્ત્રીઓ’ અને બિશ્ર્વ બિપ્લવિની- ‘વિશ્ર્વની ક્રાંતિકારી મહિલાઓ’ શીર્ષક પરથી આ વાતનો અંદાજ મળે છે.
નિરાળું વ્યક્તિત્વ ધરાવતાં સરલાદેવી ૪ ઓક્ટોબર ૧૯૮૬ના મૃત્યુ પામ્યાં. પણ સ્વતંત્રતા સેનાની તરીકે અમર થઇ ગયાં. આઝાદી આંદોલનમાં અને આઝાદી મળ્યાં પછી પણ અણમોલ પ્રદાન કરવા બદલ હંમેશાં એમનું સ્મરણ કરવામાં આવશે!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular